બેન્કો સપ્ટેંબરના પહેલા અઠવાડિયામાં ખુલ્લી રહેશેઃ અફવાઓને પગલે નાણાં મંત્રાલયની સ્પષ્ટતા

નવી દિલ્હી – સપ્ટેંબરના પહેલા અઠવાડિયામાં, 1 સપ્ટેંબરથી લઈને છ દિવસ સુધી બેન્કો બંધ રહેશે એવી સોશિયલ મિડિયા પર છેલ્લા અમુક દિવસોથી ફેલાયેલી અફવાઓની કેન્દ્રીય નાણાં મંત્રાલયે નોંધ લીધી છે અને સ્પષ્ટતા કરી છે કે બેન્કો તથા બેન્કિંગ કામકાજ અઠવાડિયામાં કોઈ પ્રકારના અવરોધ વિના ચાલુ રહેશે.

સરકારે કહ્યું છે કે માત્ર રવિવારને બાદ કરતાં બેન્કો અઠવાડિયાના તમામ દિવસોએ ચાલુ રહેશે.

નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેન્ક વર્કર્સના વાઈસ-પ્રેસિડન્ટ અશ્વની રાણાએ પણ કહ્યું છે કે સપ્ટેંબરના પહેલા અઠવાડિયામાં જાહેર રજાઓ અને બેન્ક હડતાળને કારણે બેન્કો છ દિવસ બંધ રહેશે એવા સોશિયલ મિડિયા પર ફરી રહેલા સંદેશાઓ સાચા નથી.

વોટ્સએપ પર એવો મેસેજ વાયરલ થયો છે કે બેન્કો 2-5 સપ્ટેંબરે બંધ રહેશે અને ત્યારબાદ સપ્તાહાંતે 8-9 સપ્ટેંબરે પણ બંધ રહેશે. આમ, સપ્ટેંબરના આરંભે જ બેન્કો કુલ છ દિવસ બંધ રહેશે.

વધુમાં એવી સ્પષ્ટતા કરાઈ છે કે ભારતીય રિઝર્વ બેન્કના કર્મચારીઓની 4-5 સપ્ટેંબરની હડતાળને તમામ બેન્ક કર્મચારીઓની હડતાળ તરીકે ગણવામાં ભૂલ કરવામાં આવી છે.

રાણાએ કહ્યું છે કે રિઝર્વ બેન્કના કર્મચારીઓની હડતાળથી જાહેર ક્ષેત્રની તથા ખાનગી ક્ષેત્રની તમામ બેન્કોમાં રોજેરોજનું કામકાજ ખોરવાશે નહીં.

દિલ્હી તથા મુંબઈમાં 3 સપ્ટેંબરે જન્માષ્ટમીના દિવસે પણ બેન્કો ખુલ્લી રહેશે. પરંતુ અન્ય કેટલાક રાજ્યોમાં એ દિવસે બંધ રહેશે. 8 સપ્ટેંબરે મહિનાનો બીજો શનિવાર હશે એટલે સ્વાભાવિક રીતે બેન્કો બંધ રહેશે.

એચડીએફસીના એક અધિકારીએ પણ કહ્યું છે કે ઓનલાઈન બેન્કિંગ સોદાઓ કે એટીએમની કામગીરી ખોરવાશે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]