વિક્રમ કોઠારીના ઘેર CBIએ ફરીથી દરોડા પાડ્યાં

નવી દિલ્હીઃ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ રોટોમેક કંપનીના પ્રમોટર વિક્રમ કોઠારીના ઘેર ફરી એકવાર છાપેમારી કરી છે. આ કાર્યવાહી કોઠારીના કાનપુર સ્થિત ઘરે આજે સવારે કરવામાં આવી છે. ગઈકાલે પણ સવારના સમયે કોઠારીના કાનપુર સ્થિત ઘર સહિત અન્ય ત્રણ જગ્યાઓ પર સીબીઆઈ દ્વારા છાપામારી કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે કોઠારીના પત્ની અને દીકરાની પણ પૂછપરછ કરી હતી.

આ પહેલાં સીબીઆઈએ રોટોમેક કંપની અને તેમના ડાયરેક્ટર્સ વિરૂદ્ધ બેંક ઓફ બરોડાની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. ફરિયાદમાં રોટોમેક અને વિક્રમ કોઠારી સહિત 3 ડાયરેક્ટર્સ દ્વારા 7 બેંકોના 3695 કરોડ રૂપિયા ન ચૂકવી શકવાની વાત કહેવામાં આવી હતી. આરોપ છે કે આ લોકોએ છેતપિંડી કરીને આ લોન મેળવી હતી.

3 ડાયરેક્ટર્સ પર સીબીઆઈએ કેસ કર્યો

સીબીઆઈએ ગઈકાલે પોતાની કાર્યવાહી તેજ કરતા રોટોમેક ગ્લોબલ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર્સ વિક્રમ કોઠારી, સાધના કોઠારી અને રાહુલ કોઠારી તેમજ બેંક ઓફ બરોડાના એક અજાણ્યા અધિકારી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપ છે કે રોટોમેક કેસમાં ષડયંત્રકર્તાઓએ 7 બેંકોના કન્સોર્ટિયમમાંથી 2,919 કરોડ રૂપિયાની લોન લીધી હતી.

આ બેંકો પાસેથી લીધું હતું ઉધાર

સીબીઆઈએ જણાવ્યું કે ઈંટરેસ્ટ સહિત આ દેવું 3 હજાર 695 કરોડ રૂપીયા જેટલું છે. લોન દેનારી બેંકોના કંસોર્ટિયમમાં બેંક ઓફ ઈંડિયા, બેંક ઓફ બરોડા, બેંક ઓફ મહારાષ્ટ્ર, ઈંડિયન ઓવરસીઝ બેંક, યૂનિયન બેંક ઓફ ઈંડિયા, અલાહાબાદ બેંક અને ઓરિયંટલ બેંક ઓફ કોમર્સનો સમાવેશ થાય છે.