નવી દિલ્હીઃ બંગલાદેશ આશરે ત્રણ વર્ષ પછી ફરી એક વાર ભારતથી ચોખાની આયાત કરશે. બંગલાદેશ ભારતથી 1.5 લાખ ટન ચોખા ખરીદે એવી શક્યતા છે. બંગલાદેશમાં આ વર્ષે પૂરને કારણે પાકને ભારે નુકસાન થયું છે. જેથી બજારમાં કિંમતો આકાશને આંબી રહી છે. આવામાં માગને પૂરી કરવા માટે ત્યાંની સરકારે ભારતથી ચોખા ખરીદવાનો નિર્ણય કર્યો છે.
આ વર્ષે ભારતમાં ચોખાની બમ્પર ઊપજ થઈ છે. આ સિવાય ભારત વિશ્વમાં સૌથી મોટો ચોખાનો નિકાસકાર દેશ છે. ચોખાની નિકાસમાં થાઇલેન્ડ અને વિયેતનામ જેવા દેશો પણ ઘણા આગળ છે. આવામાં પ્રતિસ્પર્ધીને પાછળ રાખવા ભારત વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. નાફેડના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે બંગલાદેશની સાથે સતત વાતચીત કરી રહ્યા છીએ. અમે બંગલાદેશને પાંચ લાખ ટન ચોખાની નિકાસ કરીએ એવી શક્યતા છે.
બંગલાદેશનાં ફૂડ મંત્રાલયનાં સૂત્રોએ એજન્સીને જણાવ્યું હતું કે એ ભારતથી એક લાખ પાકા ચોખા અને 50,000 ટન કાચા ચોખા ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. આ સોદો દેશોની સરકારોની વચ્ચે થશે. બંનો દેશો વચ્ચે પાકા ચોખા 407 ડોલર પ્રતિ ટન અને કાચા ચોખાની કિંમત 417 ડોલર પ્રતિ ટને સોદો થાય એવી શક્યતા છે. આ સોદો માર્, 2021 સુધી પૂરો થવા પર ડિલિવરી કરી દેવામાં આવશે. શિપમેન્ટનું કામ પશ્ચિમ બંગાળના હલ્દિયા પોર્ટથી થશે, જે બંગલાદેશની સરહદની ઘણી નજીક છે. બંગલાદેશ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ચોખા ઉત્પાદક છે. વાર્ષિક ધોરણે એ 35 મિલિયન ટન ચોખાનું ઉત્પાદન કરે છે.