ATFની કિંમતમાં 1 ટકાનો ઘટાડો કરાયો; LPG સિલીન્ડર 15 રૂપિયા મોંઘું થયું

નવી દિલ્હી – વિમાનના સંચાલન માટે વપરાતા જેટ ફ્યુઅલ (અથવા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ) કિંમતમાં આજે લગભગ 1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. કાચા તેલનો આંતરરાષ્ટ્રીય સ્તરનો ભાવ ઘટી જતાં ભારતમાં એટીએફની કિંમત ઘટી ગઈ છે.

જોકે સબ્સિડી વગરના કે બજાર ભાવે વેચાતા રાંધણગેસ (LPG)ના સિલીન્ડરનો ભાવ 15 રૂપિયા 50 પૈસા વધારી દેવામાં આવ્યો છે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એક નોટિફિકેશન દ્વારા આમ જણાવ્યું છે.

એટીએફ હવે પ્રતિ કિલોલીટર રૂ. 596.62 ઘટી જતાં રૂ. 62,698.86ના ભાવે મળશે.

એટીએફમાં આ સતત ત્રીજી વાર માસિક ઘટાડો કરવામાં આવ્યો છે. છેલ્લે 1 ઓગસ્ટે એમાં 5.8 ટકાનો અથવા રૂ. 3,806નો ઘટાડો કરવામાં આવ્યો હતો.

દેશના સૌથી વ્યસ્ત રહેતા એરપોર્ટવાળા મુંબઈ શહેરમાં એટીએફનો ભાવ હવે પ્રતિ કિલોલીટર રૂ. 61,199 છે.

એટીએફનો ભાવ ઘટી જતાં આર્થિક ભીંસ અનુભવતી એરલાઈન્સને રાહત થશે.

ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જોકે રાંધણગેસ અથવા એલપીજી સિલીન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

સબ્સિડી વગરના એલપીજી સિલીન્ડરમાં રૂ. 15.50નો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે તે રૂ. 590ના ભાવે મળશે, જે અત્યાર સુધી રૂ. 574.50માં મળતું હતું.