અરુણાચલઃદાયકાઓ બાદ એરપોર્ટનું સ્વપ્ન થશે પૂર્ણ,ચીનની મુશ્કેલી વધશે

ઈટાનગરઃ અરુણાચલની રાજધાની ઈટાનગર માટે એરપોર્ટનું દશકો જૂનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. હવે અહીંયા સ્થિતિ બદલાવા જઈ રહી છે. અરુણાચલ પ્રદેશની રાજધાની ઈટાનગરમાં એરપોર્ટ બનાવવા માટે વડાપ્રધાન મોદીએ મંજૂરી આપી દીધી છે.

આ એરપોર્ટનો ખર્ચ 1055 કરોડ રુપિયા થશે અને આ પ્રોજેક્ટને પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ બોર્ડે પણ મંજૂરી આપી દીધી છે. ગ્રીન ફીલ્ડ એરપોર્ટ પર પ્રસ્તાવિત 2200 મીટરનો મોટો રનવે હશે કે જે જેટ વિમાનોને સંભાળી શકશે. આનાથી મેટ્રો શહેરો માટે સીધી ફ્લાઈટની સુવિધા પ્રાપ્ત થશે. બાદમાં આંતરરાષ્ટ્રીય સ્થળો માટે ફ્લાઈટની સુવિધા પણ આપવામાં આવશે.

ચીનની સીમા સાથે જોડાયેલા હોવાના કારણે આ એરપોર્ટનું સામરિક મહત્વ પણ ખૂબ હશે. ચીન અરુણાચલ પ્રદેશ પર ક્યારેક પોતાનો હક્ક પણ દર્શાવતું રહેતું હોય છે. ત્યારે આવામાં અરુણાચલમાં એરપોર્ટ નિર્માણથી ચીનની મુશ્કેલીઓ નિશ્ચિત રુપે વધશે. પેમા ખાંડૂએ ટ્વિટ કર્યું કે ટીમ અરુણાચલ માટે ખુશખબરી છે કે રાજધાનીમાં પોતાના એરપોર્ટનું દશકો જૂનું સ્વપ્ન પૂર્ણ થવા જઈ રહ્યું છે.

વડાપ્રધાન મોદીએ અસમથી અરુણાચલ પ્રદેશને જોડનારા બોગીબીલ પુલનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એશિયાનો બીજો સૌથી મોટો રોડ અને રેલ પુલ છે જે ઉત્તરી અસમના ડિબ્રૂગઢ અને ધેમાજી વચ્ચે બ્રહ્મપુત્રા નદી પર બનાવવામાં આવ્યો છે. આ પહેલા પેમા ખાંડૂએ જણાવ્યું હતું કે રાજ્યની રાજધાનીમાં બનનારા હોલોન્ગી ગ્રીનફીલ્ડ એરપોર્ટની આધારશિલા જાન્યુઆરી મહીનામાં ખુદ વડાપ્રધાન મોદી રાખશે. માનવામાં આવી રહ્યું છે કે આ એરપોર્ટ પર સિક્કિમના પોકયાંગ એરપોર્ટથી વધારે સારી સુવિધાઓ આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]