હેલ્થકેર, ખેતીવાડીના ક્ષેત્રોમાં જીએસટી જેવા સુધારા લાવવાનો જેટલીનો અનુરોધ

નવી દિલ્હી – કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલીએ દેશમાં હેલ્થકેર તથા ફાર્મ સેક્ટરમાં જીએસટી કાઉન્સિલ જેવી કેન્દ્રીય સંચાલક સંસ્થાની રચના કરવાની રજૂઆત કરી છે.

જેટલીએ એવી આશા વ્યક્ત કરી છે કે આરોગ્યની કાળજીના ક્ષેત્રમાં જો કોઈ સંયુક્ત કે સમવાયી તંત્ર હોય તો રાજ્યો તરફથી એની સામે બહુ ઓછો પ્રતિકાર થશે, કારણ કે વેલફેર યોજનાઓનો અમલ રાજ્યોમાંથી જ કરાતો હોય છે અને કેન્દ્ર સરકાર માત્ર એમાં માત્ર સંકલનકાર હોય છે.

જેટલીએ વધુમાં કહ્યું કે ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (જીએસટી)નો કેન્દ્રીય તંત્રનો પ્રયોગ સફળ રહ્યો છે. તેથી હવે બીજા બે સેક્ટરમાં પણ આના જેવી જ વ્યવસ્થા કરવી જોઈએ. આ બે સેક્ટર હેલ્થકેર અને કૃષિ. જીએસટી વ્યવસ્થાનો લાભ બંધારણીય આપવામાં આવી રહ્યો છે. જે ક્ષેત્રોમાં બંધારણીય રીતે લાભ મળતો ન હોય, ત્યાં રાજકીય પરિપક્વતા દ્વારા સરકારો પર દબાણ લાવી શકાય કે આ પ્રયોગ પણ અજમાવો.

જીએસટી જેવા ફેડરલ તંત્રથી કૃષિ ક્ષેત્રને શું લાભ મળી શકે એ વિશે જેટલીએ કોઈ વિગત આપી નહોતી. એમણે કહ્યું કે રાજ્યો પાસે એમની હોસ્પિટલો છે અને કેન્દ્ર સરકાર પણ દેશભરમાં તબીબી સંસ્થાઓ સ્થાપી રહી છે. કેન્દ્ર સરકારે આયુષ્માન ભારત યોજના અમલમાં મૂકી છે તો રાજ્યોએ પણ આવા જ પ્રકારની યોજનાઓને અમલમાં મૂકી છે. આ બધાયને એકત્ર કરી દેવાની જરૂર છે જેથી દેશભરમાં દર્દીઓને સંયુક્ત લાભ મળી શકે. જોકે નવી વ્યવસ્થાનો અમલ તો રાજ્યોએ જ કરવાનો રહે, કેન્દ્ર સરકાર એમાં સંકલનકાર તરીકેની ભૂમિકા ભજવશે.

હેલ્થકેરમાં સમવાયતંત્ર લાવવા પાછળનો ઉદ્દેશ્ય દર્દીઓને સારી સારવાર આપવાનો છે. પછી એ દર્દી મારા રાજ્યનો હોય કે બીજા રાજ્યોના હોય. કેન્દ્રીય તંત્ર અને કેન્દ્રના સંકલનથી દરેક રાજ્યને લાભ થશે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે 2017ની 1 જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ કર્યો હતો, જે દેશમાં પરોક્ષ વેરાઓની વસૂલીમાં અત્યાર સુધીમાં સૌથી મોટી અમલબજાવણી છે. જીએસટી કાઉન્સિલની રચના કરવા કેન્દ્ર અને રાજ્યો સહમત થયા હતા. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ નાણાં પ્રધાન હોય છે અને એમાં તમામ રાજ્યોના નાણાં પ્રધાનો પણ સામેલ હોય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]