ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીઃ એરપોર્ટ પર ચહેરાની ઓળખ દ્વારા પણ પ્રવેશ મેળવી શકાશે

મુંબઈ – ભારતમાં વિમાન પ્રવાસીઓને રાહત મળે એવા સમાચાર છે. એવા દિવસો નજીક આવી રહ્યા છે જ્યારે એમણે એરપોર્ટ ખાતે એમની વિમાન ટિકિટ અને ઓળખપત્ર બતાવવાની જરૂર નહીં રહે અને તેઓ ચહેરાની ઓળખવાળી બાયોમેટ્રિક સુવિધા દ્વારા એરપોર્ટમાં પ્રવેશ મેળવી શકશે.

જીએમઆર હૈદરાબાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (GHIAL) કંપનીએ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજીની અજમાયશ શરૂ કરી છે અને એમાં સફળતા પણ મેળવી છે.

અજમાયશના પહેલા ચરણમાં, GHIAL કંપનીના કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અજમાયશનો બીજો તબક્કો આ મહિનાના અંત સુધીમાં યોજવામાં આવે એવી ધારણા છે. એમાં GHIAL કંપની સામાન્ય વિમાન પ્રવાસીઓને પણ સામેલ કરશે.

અને જો બીજો તબક્કો પણ સફળ રહેશે તો GHIAL કંપની માર્ચ મહિનાથી જ હૈદરાબાદ એરપોર્ટ પર ચહેરાના ઓળખની ટેક્નોલોજીનો અમલ શરૂ કરી દેશે.

ફેસિયલ રેકગ્નિશન ટેક્નોલોજી ત્રણ તબક્કાવાળી હોય છે

પહેલો તબક્કોઃ GHIAL કંપનીએ હૈદરાબાદમાં ચહેરાની ઓળખ માટેના ખાસ કેમેરા બેસાડ્યા છે. આ કેમેરા દ્વારા પ્રવાસીઓની તસવીર પડે છે જે પ્રવાસીઓના ચહેરાને ઓળખશે.

બીજો તબક્કોઃ આમાં પ્રવાસીઓ માટે એક કેન્દ્રસ્થ રજિસ્ટ્રેશન સિસ્ટમ હશે. દરેક પ્રવાસીના ચહેરાની તસવીર સાથે એની ફોટો આઈડેન્ટિટી જોડવામાં આવશે, જેમ કે પાસપોર્ટ, આધાર, વોટિંગ આઈડી, ડ્રાઈવિંગ લાઈસન્સ વગેરે. પ્રવાસીઓના ફેસિયલ મેપિંગની સાથે એમની વિગતો સ્કેન કરવામાં આવશે અને GHIAL દ્વારા એરપોર્ટ ખાતેની કેન્દ્રસ્થ રજિસ્ટ્રેશન સિસ્ટમમાં સંગ્રહિત કરવામાં આવશે.

ત્રીજો તબક્કોઃ પ્રવાસીઓનું આઈડી પ્રૂફ અને એમનું ફેસિયલ મેપિંગ એરપોર્ટના ઈ-બોર્ડિંગ ગેટ પર સ્ટોર કરવામાં આવશે. એરલાઈન્સના ડેટા સેન્ટર્સ ખાતે પણ આ જ પ્રકારની માહિતી હશે. જ્યારે પણ એવા પ્રવાસીઓ ટિકિટ બુક કરાવશે ત્યારે ડેટા સિસ્ટમ હૈદરાબાદ એરપોર્ટના સત્તાવાળાઓને સતર્ક કરશે.

સિસ્ટમ કઈ રીતે કામ કરે છે?

તમે હૈદરાબાદ એરપોર્ટ પરથી ફ્લાઈટની ટિકિટ જેવી બુક કરાવો કે તરત જ તમારી વિગતો ડેટા સેન્ટર દ્વારા શેર કરવામાં આવશે અને માહિતી તમામ સંબંધિત સત્તાવાળાઓને આપવામાં આવશે.

તમે જ્યારે હેદરાબાદ એરપોર્ટના ટર્મિનલ ગેટ પર પહોંચશો ત્યારે ફેસ રેકગ્નિશન ટેક્નોલોજી તમને ઓળખી લેશે અને તમારી બધી વિગતોને સ્ક્રીન પર શેર કરશે. ગેટ પરના સુરક્ષા અધિકારી તે સિસ્ટમ મારફત તમારી બધી માહિતીને એક્સેસ કરશે.

એવી જ રીતે, સિક્યુરિટી ચેક-ઈનમાં ચેક-ઈન કાઉન્ટર ખાતેના પણ સિક્યુરિટી અધિકારી તમારી વિગતોને એક્સેસ કરી શકશે. એક વાર બધી ઔપચારિક્તા પૂરી થઈ જાય એ પછી પ્રવાસીઓને એમના મોબાઈલ ફોન પર ઓનલાઈન બોર્ડિંગ પાસ આપવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]