એર ઈન્ડિયાના પાઈલટોને બહારથી જમવાનું મગાવવાની મનાઈ ફરમાવાશે

નવી દિલ્હી – એર ઈન્ડિયા તેના પાઈલટ્સ બહારથી જમવાનું કે ખાદ્યપદાર્થો વિમાનમાં લઈ આવે કે ઓર્ડર આપીને મગાવે એની પર કદાચ પ્રતિબંધ મૂકી દેશે. આની પાછળ એક કેપ્ટન તથા એક કેબિન ક્રૂ સભ્ય વચ્ચે ગયા સોમવારે થયેલો એક ઝઘડો કારણરૂપ છે.

તે બનાવ ગયા સોમવારે બન્યો હતો. એર ઈન્ડિયાના એક પાઈલટ અને એક પુરુષ ક્રૂ મેમ્બર વચ્ચે મોટો ઝઘડો થયો હતો અને પ્રવાસીઓની સામે જ બંને જણ ખૂબ ઝઘડી પડ્યા હતા. બન્યું હતું એવું કે કેબિન ક્રૂ મેમ્બરે જમી લીધા બાદ ટીફિન સાફ કર્યું નહોતું અને પાઈલટે એને તે સાફ કરવાનું કહેતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને મોટો તમાશો થયો હતો.

એર ઈન્ડિયાના મેનેજમેન્ટે તે ઘટનાની ગંભીર રીતે નોંધ લીધી છે.

એક સિનિયર અધિકારીએ કહ્યું કે અમે હવે પાઈલટ્સને કહી દેવાના છીએ કે એમણે બહારથી કોઈ ખાવાની ચીજવસ્તુઓ વિમાનની અંદર લાવવી નહીં કે મગાવવી નહીં.

ઉક્ત ઘટના ફ્લાઈટ AI772માં બની હતી. વિમાન સોમવારે રાતે આશરે 11.40 વાગ્યે બેંગલુરુથી કોલકાતા જવા માટે ઉપડવાની તૈયારીમાં હતું, પણ વિમાનના કેપ્ટન અને ક્રૂ સભ્ય વચ્ચે ઝઘડો થતાં વિમાન બે કલાક મોડું પડ્યું હતું. એનું કારણ એ હતું કે ઝઘડો કરનાર બંને જણને ત્યારે હટાવી લેવામાં આવ્યા હતા અને એમની જગ્યાએ અલગ પાઈલટ અને ક્રૂ મેમ્બરને મૂકવામાં આવ્યા હતા એને લીધે ઘણો સમય બરબાદ થયો હતો.

સિનિયર અધિકારીએ કહ્યું કે અમને એવું જણાવવામાં આવ્યું હતું કે પાઈલટે એવી માગણી કરી હતી કે કેબિન ક્રુ મેમ્બર એનું ટીફિન સાફ કરે. એમાંથી બંને વચ્ચે ઝઘડો થયો હતો.

બનાવમાં તપાસ શરૂ કરવામાં આવી છે અને બંને સામે કડક પગલું ભરવામાં આવશે, એમ પણ અધિકારીએ કહ્યું છે.

અગાઉ, એર ઈન્ડિયાએ એના પાઈલટ્સને આદેશ આપ્યો હતો કે એમણે જ્યારે ફ્લાઈટ્સ લઈ જવાની હોય ત્યારે બહારથી ઓર્ડર કરીને અલગ કે ખાસ ભોજન મગાવવું નહીં અને કંપનીએ નક્કી કરેલા ભોજન સમયપત્રકનું અનુસરણ જ કરવું. એવું માલૂમ પડ્યું હતું કે પાઈલટ્સ બહારથી ઓર્ડર આપીને બર્ગર્સ, પિઝ્ઝા, સૂપ જેવી ખાદ્યસામગ્રીઓ મગાવતા હતા.