શેરબજાર શરૂના કડાકા પછી બાઉન્સ થયું, સેન્સેક્સ- નિફટી પ્લસ બંધ

અમદાવાદ– શેરબજારમાં કડાકો બોલી ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ કાંટાની ટક્કર આપી રહ્યું છે. કોંગ્રેસને ફાયદો થતો દેખાઈ રહ્યો છે, જેને પરિણામે શેરબજારમાં ઑલ રાઉન્ડ વેચવાલી ફરી વળી હતી. સેન્સેક્સમાં 600થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. અને નિફટી 200 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. જોકે ગુજરાતમાં 100 બેઠકો પર ભાજપ આગળ નીકળી જતાં શેરબજારમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી, અને માર્કેટ નીચા મથાળેથી બાઉન્સ બેક થયું હતું. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 138.71 વધી 33,601.68 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 55.50 વધી 10,388.75 બંધ થયો હતો.સપ્તાહના પ્રથમ દિવસે 18 ડિસેમ્બરે ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા હતા. જેમાં સવારે 9.30 વાગ્યે હિમાચલમાં ભાજપ 34 બેઠકો પર આગળ છે, કોંગ્રેસ 19 બેઠકો પર આગળ છે. જ્યારે ગુજરાતમાં ભાજપ 94 બેઠકો પર આગળ ચાલી રહી છે અને કોંગ્રેસ 83 બેઠકો પર આગળ છે. ગુજરાતમાં ભાજપને નુકશાન દેખાઈ રહ્યું છે. પરિણામે શેરબજારમાં ભારે ગભરાટભરી વેચવાલી ફરી વળી હતી. અને શેરોની જાતે-જાતના ભાવમાં ગાબડા પડ્યા હતા.

એશિયાઈ સ્ટોક માર્કેટમાં મજબૂતી હતી. પણ ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે. જો કે પાછળથી ભાજપને સારી એવી સરસાઈ મળતાં ગુજરાત અને હિમાચલમાં ભાજપની સરકાર બનશે, એવા સ્પષ્ટ સંકેતને પગલે શેરોની જાતે-જાતમાં નીચા મથાળે નવી લેવાલી નીકળી હતી અને સ્ટોક માર્કેટના સેન્સેક્સ તથા નિફટી નીચા મથાળીથી ઝડપી બાઉન્સ થયા હતા. સેન્સેક્સ અને નિફટી ઝડપી બાઉન્સ થયા હતા. ગુજરાત અને હિમાચલમાં ભાજપની જીતને શેરબજારે આવકાર આપ્યો હતો. અને સ્થિર સરકાર રચાશે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

સૌથી વધુ ઊંચકાયેલા શેરઃ વેદાન્તા(3.49 ટકા), હિન્દાલકો(2.84 ટકા), સિપ્લા(2.64 ટકા), મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા(2.57 ટકા) અને સન ફાર્મા(2.21 ટકા).

સૌથી વધુ ગગડેલા શેરઃ યસ બેંક(-1.50 ટકા), એચપીસીએલ(-1.35 ટકા), ટેક મહિન્દ્રા(-1.35 ટકા), કૉલ ઈન્ડિયા(-1.24 ટકા) અને યુપીએલ(-1.08 ટકા).