દેવામાં ડૂબેલાં અનિલ અંબાણીએ રીલાયન્સ એનર્જી વેચી, અદાણીએ ખરીદી

મુંબઇ- અનિલ અંબાણીએ તેમની મહત્ત્વની કંપની રીલાયન્સ એનર્જીને વેચી દીધી છે. રીલાયન્સ એનર્જીના મુંબઇ બિઝનેસને અદાણી ગ્રુપે 19,000 કરોડ રુપિયામાં ખરીદી લીધો છે. આ સોદાની રીલાયન્સ ઇન્ફ્રાના મુખ્ય કાર્યકારી અધિકારી અનિલ જાલાને પુષ્ટિ કરી હતી.

રીલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેઠળની રીલાયન્સ એનર્જી ઇલેકટ્રિસિટી જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન ક્ષેત્રમાં સક્રિય છે. અદાણીએ અધિગ્રહણ સાથે જ તેનો કારોબાર સંભાળી લીધો છે. અદાણીએ કેશ ડીલ દ્વારા આ સોદો કર્યો છે. રીલાયન્સ એનર્જીના મુંબઇમાં આશરે 30 લાખ ગ્રાહકો છે. આ ગ્રાહકોને આગામી બિલ અદાણીના નામથી મળશે. હાલના સમયમાં પાવર સેક્ટરમાં આ સૌથી મોટો સોદો માનવામાં આવી રહ્યો છે.

અદાણીએ નિવેદન આપતાં જણાવ્યું કે વીજ વિતરણ ઊગતું ક્ષેત્ર છે અને તેમાં અમે પગ જમાવી શકીશું. ભારતમાં 24 કલાક વીજળી આપૂર્તિ માટેની યોજના છે ત્યારે વીજ વિતરણ વિકાસ પામતું સેક્ટર છે. મુંબઇમાં રીલાયન્સના વીજ વિતરણ બિઝનેસને વેચવાથી અનિલ અંબાણીને સીધા 13,251 કરોડ મળશે તેમ જ કંપનીનો માલિકી હક ટ્રાન્સફર થવા પર વધુ 550 કરોડ મળશે.

રીલાયન્સ ઇન્ફ્રા અને અદાણી ટ્રાન્સમિશન દ્વારા ગુરુવારે શેયર પરચેઝ એગ્રિમેન્ટ- એસપીએ પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતાં. રીલાયન્સ એનર્જી પૂર્વ-પશ્ચિમ મુંબઇમાં વીજળી પૂરી પાડે છે.  આ સોદા દ્વારા મળનારા 19,000 કરોડમાંથી 15,000 કરોડ દેવું ચૂકવવામાં વપરાશે અને 3,000 કરોડ બચશે. રીલાયન્સના અધિકારીનું કહેવું હતું કે હવે રીલાયન્સ ઇન્ફ્રા કન્સ્ટ્રક્શન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસ અને ડીફેન્સ સેક્ટરમાં ધ્યાન કેન્દ્રિત કરશે. દેવું ચૂકવાતાં બજારમાં પણ રુપિયા મળી શકશે. ભારતની સૌથી મોટી બીજા નંબરની કન્સ્ટ્રક્શન કંપની કહેવાતી રીલાયન્સ ઇન્ફ્રા પાસે હાલ 10,000 કરોડ રુપિયાના મૂલ્યના પ્રોજેક્ટ્સ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]