8,864 કરોડ રુપિયાનું કોઇ માલિક નહીં, બેંકો પરેશાન

નવી દિલ્હી– દેશની બેંકોમાં એવા હજારો કરોડ રુપિયા છે કે જેનું કોઇ દાવેદાર નથી મળતું. રીપોર્ટ પ્રમાણે આવી નધણિયાતી સંપત્તિનો આંકડો 8000 કરોડની ઉપર પહોંચી ગયો છે.આરબીઆઈએ જાહેર કરેલા રીપોર્ટ પ્રમાણે જુદીજુદી બેંકોમાં 8,864.6 કરોડ રુપિયાના કોઇ દાવેદાર નથી.સરકાર દ્વારા કેવાયસી નિયમોમાં કરવામાં આવેલી સખ્તાઇથી આવા ખાતાંઓની સંખ્યામાં ઉછાળો આવી ગયો છે. ખાતાંધારકનું મૃત્યુ થવા પર બેંક તો જ રુપિયા કાઢવા દે છે કે જેમાં રુપિયા માગવાવાળી વ્યક્તિ ખાતાંધારક સાથે નજીકનો સંબંધ સાબિત કરી શકે.

રીપોર્ટ પ્રમાણે જુદીજુદી બેંકોમાં 8,864.6 કરોડ રુપિયાના કોઇ દાવેદાર નથી. આ આંકડો ડીસેમ્બર 2016 સુધીનો બતાવવામાં આવ્યો છે. પાછલાં ચાર વર્ષમાં આ નાણાં લગભગ ડબલ થઇ ગયેલાં છે. 2012માં આવા ખાતાંની સંખ્યા 1.32 કરોડ હતી જે 2016માં 2.63 કરોડે પહોંચી ગઇ હતી. 2012માં 3,598 કરોડ રુપિયા નધણિયાતા નાણાં હતાં જે વધીને 8,864.6 કરોડ થઇ ગયાં છે.

આરબીઆઈએ બેંકોને જણાવ્યું છે કે પાછલાં 10 વર્ષમાં જે ખાતાંમાં કોઇ દાવેદાર સામે નથી આવ્યાં તેમનું લિસ્ચ તૈયાર કરી બધી બેંકો પોતાની વેબસાઇટો પર અપલોડ કરે. અપલોડ કરાયેલી જાણકારીમાં ખાતાંધારકના નામ-સરનામાં પણ શામેલ હશે.

બેંકો પોતાને ત્યાં પડેલાં એવા નાણાંથી પરેશાનીનો સામનો કરી રહી છે કારણ કે તેઓ ખાતા પર વ્યાજ આપવાનું બંધ કરી શકતી નથી. આબીઆઈ રીપોર્ટ પ્રમાણે એશબીઆઈમાં 47 લાખ ખાતાંમાં 1,036 કરોજ રુપિયા, કેનરા બેંકમાં 47 લાખ ખાતાંમાં 995 કરોડ રુપિયા અને પંજાબ નેશનલ બેંકમાં 23 લાખ ખાતાંમાં પડેલાં 829 કરોડ રુપિયાનું કોઇ ધણીધોરી નથી.