દિવાળી પહેલા જ કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે મોટી ભેટ

નવી દિલ્હી: તહેવારોની આ સીઝનમાં કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી જ ખુશખબરી મળી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓની પગાર વધારાની માગને ધ્યાનમાં રાખતા સરકાર તરફથી ટુંક સમયમાં જ કોઈ મોટી જાહેરાત થઈ શકે છે. વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસ પરથી પરત આવ્યા બાદ અટકળો તેજ થઈ ગઈ છે કે, સરકાર કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ વધારી શકે છે. વર્તમાન સમયમાં કેન્દ્રીય કર્મચારીઓને 12 ટકા ડીએ મળી શકે છે. જે જાન્યુઆરી 2019માં લાગૂ કરવામાં આવ્યું હતું. હવે વર્ષ 2019ના બીજા છમાસિકગાળામાં સરકાર કર્મચારીઓને આ મોટી ખુશખબરી મળી શકે છે.

મળતી માહિતી મુજબ છેલ્લા ત્રણ મહિનાથી લંબિત કેન્દ્રીય કર્મચારીઓના એરિયરને પણ સકરાર મંજૂરી આપે તેવી શક્યતા છે. હાલમાં જ મંત્રીમંડળની બેઠકમાં ન્યૂનતમ વેતન વૃદ્ધિ અંગે જાહેરાત થવાની અટકળો તેજ થઈ હતી પરંતુ બેઠક પછી આ મામલે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

કેન્દ્રીય કર્મચારી વર્તમાન સમયમાં 2.57 ફિટમેન્ટ ફેક્ટરને વધારીને 3.68 ગણુ કરવાની માગ કરી રહ્યા છે. જો સરકાર આ માગોની સ્વીકાર કરી લેશે તો, કેન્દ્રીય કર્મચારીઓના વર્તમાન ન્યૂનતમ પગાર 18000માં 8000 રૂપિયાનો વધારો થઈ જશે.