ગુજરાતમાંથી 50 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં આવી

અમદાવાદ: રાજ્યમાં ગુડસ એન્ડ ટેક્સના કાયદાના અમલીકરણ પછી વેપાર કરતા 100 જેટલા વેપારીઓ જીએસટીના ભરવાના થતા રિટર્ન્સ અને જીએસટી ભરતાં  ન હોવાનુ જણાતા તેમની એક યાદી તૈયાર કરીને તેમની સામે સઘન ઝુંબેશ ચાલુ કરીને અંદાજે 50 કરોડની જીએસટીની ચોરી પકડી પાડવામાં આવી છે. કરચોરીની રકમ વસુલવા માટેના તેમના બેન્ક ખાતાઓ અને માલના સ્ટોકને ટાંચમાં લેવામાં આવ્યા છે.

આ વેપારીઓ પાસેથી તપાસ દરમિયાન જ રૂ.12 કરોડની વસૂલી કરી લેવામાં આવી છે. માત્ર ઈ-વે બિલ જનરેટ કરાવીને મોટી રકમનો માલ સ્પ્લાય કર્યો હોય તેવા ડિફોલ્ટર્સના નામની યાદી તૈયાર કરવામાં આવી હતી. તેમની સાથે મળીનેકામકરતા 15 જેટલા બોગસ વેપારીઓની પણ યાદી તૈયાર કરવામાં આવી હતી. કરચોરી કરવાના ઈરાદા સાથે જ વેપારીઓએ બોગસ વેપારીઓનો ઉપયોગ કરીને માલ સ્પ્લાય કર્યો હોવાનો દેખાવ ઉભો કર્યો હતો. બે રજીસ્ટર્ડ વેપારીઓ વચ્ચે જીએસટી જમા કરાવ્યા વગર સોદો કરાવવા માટે બે માત્ર બિલિંગનુ કામ કરતા વેપારીઓને ઉભા કરીને તેમના માધ્યમથી તેઓ ઈ-વે બિલ ઈશ્યુ કરાવી લે છે. તેને આધારે અમદાવાદનો માલ દિલ્હી પહોચ્યો હોવાનુ દર્શાવી દેવામાં આવે છે.

આ માલ ખરેખર ટ્રાન્સફર ન થયો હોવાની સંભાવના છે. તેમ છતાં તેને આધારે મોટી રકમની ક્રેડિટ કે રિફંડ મેળવવામાં આવી રહ્યા છે. આ રીતે જીએસટીની ચોરી કરી રહેલા વેપારીઓની આકરી પૂછપરછ ચાલી રહી છે. જીએસટી કચેરી તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ કરશે.

જે વેપારીઓની ચોરી પકડવામાં આવી છે તે યાદીમાં સી.એમ. સ્મિથ એન્ડ સન્સ લિ. નડિયાદ, રૂ.12.00 કરોડ, લાવા કાસ્ટ પ્રાઈવેટ લિમિટેડ હાલોલ રૂ.6.29 કરોડ, નવકાર ઈસ્પાત પ્રાઈવેટ લિ. સામખિયાળી રૂ.3.34 કરોડ, વિજય ફાયર વ્હિકલ્સ એન્ડ પમ્પસ ઉમરગમ રૂ.2.51 કરોડ, તરૂણ સ્ટીલ અમદાવાદ રૂ.2.49 કરોડ, ઓરેકલ ગ્રેનિટો લિમિટેડ હિંમતનગર રૂ.2.33 કરોડ, રિક્રિયેશન પ્રાઈવેટ લિમિટેડ મોરબી રૂ.2.13 કરૉડ, મનપસંદ બેવરજીસ લિમિટેડ સાવલી રૂ.1.97 કરોડ, શ્રીનાથજી કોટન એન્ડ ઓઈલ ઈન્ડ. મોરબી રૂ.1.85 કરોડ, અર્જુન એલોઈઝ અમદાવાદ રૂ.1.84 કરોડ, અલીન્ટા ગ્રેનિટો પ્રા.લિ. મોરબી રૂ.1.75 કરોડ, આરએમપી બેરિંગ્સ લિમિટેડ રાણપુર રૂ.1.56 કરોડ, સૈયદ પેપરમિલ્સ લિમિટેડ વાપી રૂ.1.23 કરોડ, મોંઝા ગ્રેનિટો પ્રા. લિમિટેડ મોરબીરૂ.1.18 કરોડ, દેવશિયા ઈંફ્રા. પ્રા. લિમિટેડ વડોદરા રૂ.1.06 કરોડ, સુમંગલ ગ્લાસ પ્રા.લિ. ગાંધીધામ રૂ.00.99 કરોડ અને નામી સ્ટિલ પ્રા.લિમિટેડઅમદાવાદ રૂ.00.98 કરોડ નો સમાવેશ થાય છે.