ગૂગલ એકદમ ગંભીરઃ જાતીય સતામણીના ગુનેગાર 48 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

સેન ફ્રાન્સિસ્કો – દુનિયાભરમાં લોકપ્રિય સર્ચ એન્જિન અને અગ્રગણ્ય ઈન્ટરનેટ ટેક્નોલોજી કંપની ગૂગલે જણાવ્યું છે કે જાતીય સતામણીના આરોપ મૂકાયા હતા એવા 48 કર્મચારીઓને એણે છેલ્લા બે વર્ષમાં નોકરીમાંથી તગેડી મૂક્યા છે. આ 48 જણમાં 13 સિનિયર એક્ઝિક્યૂટિવ્સનો પણ સમાવેશ થાય છે.

આ પગલું ભરીને ગૂગલ કંપનીએ દુનિયાને જણાવી દીધું છે કે મહિલાઓની જાતીય સતામણી તથા અભદ્ર વર્તનને રોકવાની બાબતમાં તે અત્યંત ગંભીર છે.

ન્યુ યોર્ક ટાઈમ્સ અખબારના એક અહેવાલના પ્રતિસાદમાં ગૂગલના ચીફ એક્ઝિક્યૂટિવ સુંદર પિચઈએ કંપનીના કર્મચારીઓને ઈમેલ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે છેલ્લા બે વર્ષમાં જાતીય સતામણીના આરોપને પગલે કંપનીએ 48 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આમાં 13 એવા સિનિયર મેનેજરો છે અને એ તમામને ‘એક્ઝિટ પેકેજ’ આપવામાં આવ્યું નથી.

ન્યુ યોર્કના અખબારમાં એવો દાવો કરાયો હતો કે ગૂગલના સિનિયર કર્મચારી અને એન્ડ્રોઈડ ક્રીએટર એન્ડી રૂબીન સામે અભદ્ર વર્તનના આરોપ મૂકાયા હોવા છતાં એને 9 કરોડ ડોલરનું ‘એક્ઝિટ પેકેજ’ આપવામાં આવ્યું છે અને ગૂગલે પોતાના કર્મચારીઓ વિરુદ્ધ કરાયેલા જાતીય સતામણીના આરોપોનો ઢાંકપિછોડો કર્યો છે. સુંદર પિચઈએ એ અહેવાલોનો જવાબ કંપનીના કર્મચારીઓને ઈમેલ મોકલીને આપી દીધો છે.

પિચઈએ નિવેદનમાં વધુમાં જણાવ્યું છે કે, તાજેતરના વર્ષોમાં આપણી કંપનીએ અનેક ફેરફારો કર્યા છે. જેમાંના એક ફેરફારમાં, ઉચ્ચ હોદ્દા ધરાવતા લોકોના અભદ્ર વર્તન વિરુદ્ધ એમની સામે વધારે કડક વલણના અમલનો સમાવેશ થાય છે.

પિચઈએ કહ્યું છે કે આપણી કંપનીમાં સુરક્ષિત અને સાનુકૂળ વાતાવરણ બનેલું રહે એની તકેદારી રાખવા આપણે અત્યંત ગંભીર છીએ. અમે તમને ખાતરી આપીએ છીએ કે જાતીય સતામણી કે અભદ્ર વર્તન વિશેની પ્રત્યેક ફરિયાદ પર ધ્યાન આપવામાં આવશે, અમે એ વિશે તપાસ કરીશું અને પગલું ભરીશું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]