મુંબઈ: બોલિવૂડના લોકપ્રિય ગાયક અરમાન મલિકે નવા વર્ષના બીજા દિવસે પોતાના ચાહકોને ખુશખબર આપી છે. અરમાન મલિકે લગ્ન કરી લીધા છે અને તેના ઇન્સ્ટાગ્રામ પર સત્તાવાર જાહેરાત કરી છે. અરમાને તેની ગર્લફ્રેન્ડ અને મંગેતર આશના શ્રોફ સાથે પ્રભુતામાં પગલા માંડ્યા છે. આશના અને અરમાને તેમના ડ્રીમ વેડિંગની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર કોલેબ પોસ્ટ દ્વારા શેર કરી હતી અને હૃદયને સ્પર્શી જાય તેવું કેપ્શન પણ લખ્યું હતું.
ગુરુવારે અરમાન મલિક અને આશનાએ સોશિયલ મીડિયા પર ઘણી તસવીરો પોસ્ટ કરીને સારા સમાચાર શેર કર્યા. હિન્દીમાં લખેલા કેપ્શનમાં લખ્યું છે, ‘તમે મારું ઘર છો.’ આ તસવીરો જોઈને સ્પષ્ટ થાય છે કે હિંદુ રીતિ-રિવાજોની સાથે ક્રિશ્ચિયન સ્ટાઈલ લગ્નને પણ મહત્વ આપવામાં આવ્યું છે. લગ્ન સમારોહ ખુલ્લા બગીચામાં યોજાયો હતો, જ્યાં વર્માલા પછી, બંનેએ ફેરા નહોતા લીધા પરંતુ ખ્રિસ્તી અને ઇસ્લામિક શૈલીમાં એકબીજાને જીવન સાથી તરીકે સ્વીકાર્યા હતા. બંને માઈક પકડીને એકબીજાને પતિ-પત્ની તરીકે પસંદ કરતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
અરમાન મલિક અને આશના શ્રોફ બંને એકબીજાની બાહોમાં ખુશીથી હસતા જોવા મળ્યા હતા. એક તસવીરમાં અરમાન મલિકે આશના શ્રોફને માળા પહેરાવીને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે બંને ખુબ જ ખુશ અને સુંદર દેખાતા હતા. આશનાએ ડાર્ક ઓરેન્જ કલરનો લહેંગા પહેર્યો હતો તો અરમાન મલિક લાઈટ પિન્ક રંગની શેરવાનીમાં ડેશિંગ દેખાતો હતો. આ તસવીરો જોયા બાદ એક વ્યક્તિએ લખ્યું, ‘ઉહ તમે બંને, તમારા માટે ઘણો પ્રેમ.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘તમને બંનેને અભિનંદન.’
તમને જણાવી દઈએ કે, બંનેએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. અરમાન મલિકે ઓગસ્ટ 2023માં આશના શ્રોફને પ્રપોઝ કર્યું હતું. બાદમાં તેણે તેની ગર્લફ્રેન્ડ માટે કસમ સે – ધ પ્રપોઝલ નામનો મ્યુઝિક વીડિયો પણ બહાર પાડ્યો. લગભગ બે મહિના પછી કપલે સત્તાવાર રીતે ઔપચારિક વિધિમાં સગાઈ કરી. ત્યારથી બંને સાથે છે. બંને રજાઓ પણ સાથે વિતાવે છે અને લાંબા સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે. અરમાન મલિક પ્રખ્યાત ગાયક અન્નુ મલિકનો ભત્રીજો છે, જ્યારે આશના શ્રોફ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે.