કોલકાતાઃ વિવેક રંજન અગ્નિહોત્રીની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘ધ બેંગોલ ફાઇલ્સ’ જ્યારથી અનાઉન્સ થઈ છે, ત્યારથી જ આને લઈને વિવાદ થઈ રહ્યો છે. આજે 16 ઓગસ્ટે મેકર્સે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું અને તેના ટ્રેલર રિલીઝ ઇવેન્ટમાં જોરદાર હંગામો પણ જોવા મળ્યો. પહેલા ફિલ્મનું ટ્રેલર બપોરે 12 વાગ્યે રિલીઝ થવાનું હતું, પરંતુ પછી તેમાં વિલંબ થયો અને તે લગભગ એક કલાક બાદ શરૂ થયું. હકીકતમાં, પોલીસ ત્યાં પહોંચી અને ઇવેન્ટ બંધ કરાવી દીધી. હવે આ મામલે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ડિરેક્ટરે કહ્યું છે કે અમારા અવાજને દબાવવામાં આવી રહ્યો છે.
શું કહ્યું વિવેક અગ્નિહોત્રીએ?
“હું તમને માહિતી આપવા માગું છું અને આ બહુ જ જરૂરી માહિતી છે. મને હમણાં જ ખબર પડી કે અહીં આવીને તેમણે બધા તાર કાપી નાખ્યા છે. શું તમે આજ પહેલાં ક્યારેય આ જોયું છે કે પ્રાઇવેટ હોટેલની અંદર આવીને કોઈ તાર કાપી નાખે?
કોણ છે જે અમારી પાછળ પડ્યું છે, તેનો જવાબ બધાને ખબર છે. અમારી સામે ઘણી FIR થઈ છે. અમે દરરોજ વકીલ સાથે લડાઈ લડીએ છીએ કે કેવી રીતે તેના પર સ્ટે મેળવવો. અમે અહીં આવ્યા ત્યારે ખબર પડી કે ટ્રેલર ચલાવવાની મનાઈ કરી છે. આજે આ પ્રાઇવેટ હોટેલ છે, ક્યાંય ક્યારેય આવું જોયું છે?

ફિલ્મ ક્યારે રિલીઝ થશે
‘ધ બેંગોલ ફાઇલ્સ’ની વાર્તા વિવેક રંજન અગ્નિહોત્રીએ જ લખી છે અને તેને ડિરેક્ટ પણ તેમણે જ કરી છે. જ્યારે પ્રોડક્શનની જવાબદારી અભિષેક અગ્રવાલ અને પલ્લવી જોશીએ સંભાળી છે. ફિલ્મની કાસ્ટની વાત કરીએ તો તેમાં મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી, અનુપમ ખેર અને દર્શન કુમાર જેવા અનેક સ્ટાર્સ જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બર, 2025એ થિયેટર્સમાં રિલીઝ થશે. તે પહેલાં અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘ધ તાશકંદ ફાઇલ્સ’ પર પણ ફિલ્મ બનાવી ચૂક્યા છે, જેમની રિલીઝ પહેલા પણ ઘણો વિવાદ થયો હતો.


