સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી પર યૌન ઉત્પીડન કેસ નોંધાયો

નવી દિલ્હી: નવી દિલ્હીના એક નામી આશ્રમમાં ચાલતા ગંદા ખેલનો પર્દાફાશ થયો છે. ત્યાં અભ્યાસ કરતી 17 યુવતીઓએ પોલીસ સમક્ષ ત્યાં થતી ગંદી હરકતોનો ખુલાસો કરતાં જ આશ્રમ ચલાવનાર સ્વામી ચૈતન્યાનંદ ભાગી ગયો છે. હકીકતમાં, મેનેજમેન્ટ કોર્સની અભ્યાસ કરતી 17 વિદ્યાર્થીનીઓએ સંચાલક ચૈતન્યાનંદ પર છેડછાડના ગંભીર આરોપ લગાવ્યા છે. શૃંગેરી મઠ અને તેની સંપત્તિના પ્રશાસક પી.એ. મુરલીની ફરિયાદ પર સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી સામે BNS ની અનેક કલમોમાં યૌન શોષણનો કેસ નોંધાયો છે. આ મામલો દિલ્હીના પોશ વિસ્તારમાં વસંત કુજના એક જાણીતા આશ્રમનો છે.

આ ફરિયાદ મળ્યા બાદ વસંત કુંજ (ઉત્તર) પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો અને આરોપોની તપાસ શરૂ કરી દીધી છે. આ આશ્રમમાં બે બેચ ચાલી રહી છે, જેમાં લગભગ 35થી વધુ વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરે છે. તેમાંની 17 વિદ્યાર્થિનીઓએ પોલીસને આપેલા નિવેદનમાં કહ્યું છે કે આશ્રમ સંચાલક ચૈતન્યાનંદ સરસ્વતીએ તેમની સાથે છેડછાડ કરી છે. પોલીસે CCTV ફુટેજ જપ્ત કર્યા છે અને સંસ્થામાંથી મળેલા હાર્ડ ડિસ્કને પણ FSL તપાસ માટે મોકલી આપ્યો છે. તે જ સમયે 16 પીડિતાઓના નિવેદન પટિયાલા હાઉસ કોર્ટમાં પણ નોંધાયા છે.

આ મામલે દક્ષિણામન્ય શ્રી શારદા પીઠમ્, શ્રૃંગેરી આશ્રમે આ આરોપોને લઈને સ્પષ્ટતા કરી છે. આશ્રમે નિવેદન જાહેર કરીને કહ્યું હતું  કે સ્વામી ચૈતન્યાનંદ સરસ્વતી ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પીઠે તેના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી છે. તેનું આચરણ અને પ્રવૃત્તિઓ ગેરકાયદે, અયોગ્ય અને પીઠનાં હિતો સામે હતી. એ કારણે તેના સાથે પીઠના બધા સંબંધ તોડી નાખવામાં આવ્યા છે. સ્વામી ચૈતન્યાનંદના ગેરકાયદે કાર્યો અંગે સંબંધિત અધિકારીઓ સમક્ષ ફરિયાદ નોંધવામાં આવી છે.

વોર્ડન પર આરોપ

આ વિદ્યાર્થિનીઓનો આક્ષેપ છે કે આશ્રમમાં કામ કરતી કેટલીક વોર્ડન તેમને આરોપી સાથે મિલાવતી હતી. તમામ પીડિત વિદ્યાર્થિનીઓના નિવેદન અદાલતમાં કલમ 164 CrPC હેઠળ નોંધાઈ ગયા છે. તે જ સમયે, કેસ નોંધાયા બાદથી આરોપી ફરાર છે. પોલીસે તેની શોધ માટે અનેક જગ્યાએ દરોડા પાડ્યા પરંતુ અત્યાર સુધી તેનો પત્તો મળ્યો નથી.