બિહારમાં એક જ ઘરમાં 947 મતદારોઃ રાહુલ ગાંધીનો આક્ષેપ

પટનાઃ કોંગ્રેસે બિહારની મતદાર યાદીમાં વિસંગતિઓનો ફરીથી દાવો કર્યો છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે બોધગયાના નિદાની ગામમાં 947 મતદારોનાં નામ એક જ મકાન નંબર હેઠળ નોંધાયાં છે. આ અંગે સ્થાનિક અધિકારીઓ અને રાજ્યના મુખ્ય ચૂંટણી કાર્યાલયે સ્પષ્ટતા કરી છે કે મકાન નંબર કાલ્પનિક છે, કારણ કે ત્યાંનાં ઘરોમાં નંબર નથી.

કોંગ્રેસે X પર એક પોસ્ટમાં તેને ચૂંટણી પંચનો ચમત્કાર’ કહીને લખ્યું છે કે સત્તાવાર મતદાર યાદીમાં 947 મતદારો એક જ ઘર (મકાન નંબર 6)માં રહે છે. હકીકતમાં નિદાનીમાં સેંકડો ઘર અને પરિવારો છે, પરંતુ યાદીમાં આખા ગામને એક કાલ્પનિક ઘરમાં ઠૂંસી દેવામાં આવ્યું છે. આ ચૂંટણી પંચની મત ચોરી છે.પાર્ટીએ બૂથ લેવલ ઓફિસર દ્વારા ઘર-ઘર જઈને કરાયેલા સર્વે પર સવાલ ઉઠાવ્યો અને પૂછ્યું કે અસલી મકાન નંબરો મતદાર યાદીમાંથી કેમ કાઢી નાખવામાં આવ્યા અને તેનો લાભ કોને થશે. પાર્ટીએ દાવો કર્યો કે આ કોઈ સામાન્ય ભૂલ નથી, પરંતુ પારદર્શિતાને નામે મજાક છે. જ્યારે મકાન નંબરો હટાવી દેવામાં આવે છે, ત્યારે નકલી મતદારો, ડુપ્લિકેટ અને છદ્મ ઓળખોને છુપાવવી સરળ બની જાય છે. પાર્ટીએ દાવો કર્યો હતો કે જો એક નાના ગામના 947 મતદારોને એક જ ઘર પર Dumped કરી શકાય છે તો વિચારજો બિહારમાં અને આખા ભારતમાં કેટલી મોટી અનિયમિતતાઓ હશે. જેમ કે રાહુલ ગાંધીજી સતત કહી રહ્યા છે – ‘લોકશાહીની ચોરી થઈ રહી છે. નિદાની તેનો જીવંત પુરાવો છે.

કોંગ્રેસે મુખ્ય ચૂંટણી આયુક્ત જ્ઞાનેશ કુમાર પાસેથી પણ જવાબ માગ્યો. કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ આ પોસ્ટને રીટ્વીટ કરતાં ટિપ્પણી કરી, “ચૂંટણી પંચનો કમાલ જુઓ, એક ઘરમાં આખું ગામ આવી ગયું.