શેરબજારમાં નવી તેજીની આશા સાથે સંવત 2073ને અલવિદા

અમદાવાદ– શેરબજારમાં નવી તેજીના આશાવાદ વચ્ચે વિક્રમ સંવત 2073ને અલવિદા કરી હતી. જો કે આજની ટ્રેડિંગ સેશનમાં નફારૂપી વેચવાલીથી નરમાઈ રહી હતી. એશિયાઈ સ્ટોક માર્કેટના પોઝિટિવ સમાચાર છતાં ભારતીય શેરોમાં દરેક ઊંચા મથાળે વેચવાલી આવી હતી, જેથી માર્કેટમાં નવી તેજી ટકી શકી ન હતી. જો કે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ આવ્યા હતા, જેથી બ્લુચિપ શેરોમાં ટેકારૂપી નવી લેવાલી આવી હતી અને શેરોના ભાવ ઘટ્યા મથાળેથી ઊંચકાયા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 24.81(0.08 ટકા) ઘટી 32,584.35 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફટી ઈન્ડેક્સ 20(0.20 ટકા) ઘટી 10,210.85 બંધ થયો હતો.

નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી રહી છે. ટ્રમ્પની વિદેશ નિતીનો વિરોધ અમેરિકામાં થઈ રહ્યો છે. આમ જીઓ પોલિટકલ ટેન્શનને કારણે શેરબજારમાં સાવચેતીનો માહોલ હતો. ગ્લોબલ માર્કેટ પણ આજે સાંકડી વધઘટમાં અથડાઈ ગયા હતા.

BSE સેન્સેક્સ 24.81 માઈનસ બંધ

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ આગલા બંધ 32,609.16ની સામે આજે સવારે 32,518.56 ખુલીને શરૂમાં સામાન્ય વધીને 32,670.32 થઈ અને ત્યાંથી ઘટીને 32,462.85 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 32,584.35 બંધ રહ્યો હતો. જે 24.81ની નરમાઈ દર્શાવે છે.

NSE નિફટી 20 પોઈન્ટ નરમ

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ આગલા બંધ 10,230.85ની સામે 10,209.40ના નીચા મથાળે ગેપમાં ખુલીને શરૂમાં વધીને 10,236.45 થઈ અને ત્યાંથી ઝડપી ઘટીને 10,175.75 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 10,210.85 બંધ થયો હતો. જે 20 પોઈન્ટની નરમાઈ દર્શાવે છે.

દીવાળીના મુહૂર્તના ટ્રેડિંગ

કાલે 19 ઓકટોબરને શુક્રવારે દીવાળીના શુભ દિવસે સાંજે 6.30થી 7.30 વાગ્યા દરમિયાન વિક્રમ સંવત 2074ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થશે.

  • વિક્રમ સંવત 2073ના વીતેલા વર્ષમાં સેન્સેક્સમાં 4654.14(14.28 ટકા)નો ઉછાળો નોંધાયો છે.
  • વિક્રમ સંવત 2073ના વીતેલા વર્ષમાં નિફટીમાં 1585.15(15.52 ટકા)નો ઉછાળો આવ્યો છે.
  • નાણાકીય વર્ષ 2018ના બીજા કવાર્ટરમાં એક્સિસ બેંકનો નફો 35.5 ટકા વધીને રૂપિયા 432 કરોડ આવ્યો હતો, પણ બીજા કવાર્ટરમાં ત્રિમાસિકગાળાના આધાર પર એક્સિસ બેંકની ગ્રોસ એનપીએ વધીને આવી છે, જેથી આજે એક્સિસ બેંકના સ્ટોકમાં ભારે વેચવાલીથી 10 ટકાનું ગાબડુ પડ્યું હતું.
  • અમેરિકામાં કંપનીઓના પ્રોત્સાહક પરિણામોને પગલે સ્ટોક માર્કેટમાં સતત તેજી જોવાઈ રહી છે. ડાઉ જોન્સ પહેલીવાર 23,000ની સપાટી પાર કરી ગયો હતો.
  • આજે એમએએસ(માસ) ફાઈનાન્સિયલનું શાનદાર લિસ્ટીંગ થયું હતું. કંપનીએ શેરહોલ્ડરોને રૂ.459ની પ્રાઈઝથી શેર આપ્યા હતા, આજે તેનું લિસ્ટીંગ રૂપિયા 460ના ભાવે થયું હતું. બીએસઈમાં શેરનો ભાવ રૂ.625 અને 680.95ની વચ્ચે રમીને ટ્રેડિંગ સેશનને અંતે 654.75 બંધ રહ્યો હતો. જે 44 ટકાનું વળતર દર્શાવે છે.
  • આજે રીલાયન્સ(4.59 ટકા), પાવર ગ્રીડ(4.22 ટકા), ઓએનજીસી(1.90 ટકા), વિપ્રો(1.69 ટકા) અને કોટક મહિન્દ્રા(1.60 ટકા) સૌથી વધુ ઊંચકાયા હતા.
  • આજે એક્સિસ બેંક(9.48 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.92 ટકા), ભારતી ઈન્ફ્રાટેલ(3.64 ટકા), સિપ્લા(3.34 ટકા) અને ટેક મહિન્દ્રા(3.08 ટકા) સૌથી વધુ ગગડેલા રહ્યા હતા.
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]