યૂસુફસાહેબે વેધક દષ્ટિએ દાદામુનિને જોતાં સન્નાટો છવાઈ ગયો…

યૂસુફ ખાન ઉર્ફે દિલીપકુમાર એમની ફિલ્મનાં વિષયવસ્તુને લીધે ટ્રેજેડી કિંગ તરીકે પંકાયેલા, પણ રમૂજની એમની સૂઝ ગજ્જબની હતી. આનો પુરાવો આપતો એક પ્રસંગ ગયા વર્ષે સ્વર્ગસ્થ થયેલા રિશી કપૂરે વર્ણવેલો, જે રમેશ તલવાર દિગ્દર્શિત ‘દુનિયા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન બનેલો. 1984માં રિલીઝ થયેલી ‘દુનિયા’ના નિર્માતા કરણ જોહરના પપ્પા યશ જોહર હતા, કથા-પટકથા જાવેદ અખ્તરની ને સંગીત આર.ડી. બર્મનનું હતું. યાદ કરો કિશોરકુમારનેઃ “તૂ ચાંદ નગર કી શહઝાદી, મૈં ઈસ ધરતી કા બંજારા…”

ખેર. એ દિવસે ફિલ્મનો એક બહુ જ અગત્યનો સીન શૂટ કરવાનો હતો. સેટ પર ફિલ્મના બધા મુખ્ય કલાકારો હાજરઃ દિલીપકુમાર-અશોકકુમાર-પ્રાણ-પ્રેમ ચોપડા-રિશી કપૂર-અમરીશ પુરી-અમૃતાસિંહ, વગેરે. સીન એવો હતો કે દિલીપકુમાર ગુસ્સામાં આવી જઈને બેટા રિશી કપૂરને ઘરમાંથી કાઢી મૂકે છે. મૅથડ ઍક્ટર દિલીપકુમારે સીનની પૂરી તૈયારી કરી લીધી. એમણે તાકીદ કરી કે “મને સેટ પર પિન ડ્રૉપ સાયલન્સ જોઈએ.” લાઈટ્સ, કૅમેરા, વગેરે બરાબર ગોઠવાઈ જતાં ડિરેક્ટરે કહ્યુઃ ‘ઍક્શન.’ એક ખૂણામાં બેઠેલા અશોકકુમારે ઘાંટો પાડ્યોઃ

“ઓયે યૂસુફ, મૈંને સુના તુને દૂસરી શાદી કર લી અરે ભાઈ, આદમી એક બિવી કો મુશ્કિલ સે સંભાલતા હૈ ઔર તૂમ દો દો બિવીયોં કો સંભાલને નિકલે… ભઈ, વાહ!”

અશોકકુમારના કથનનો પૂર્વાપર સંબંધ એવો કે એ દિવસોમાં હૈદરાબાદનાં અસ્મા નામનાં એક બાનુ સાથે દિલીપકુમારે સિક્રેટ નિકાહ કરેલા, જેના વિશે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કાનાફુસી થતી રહેતી. સેટ પર ઉપસ્થિત સૌને લાગ્યું કે આવો સંવેદનશીલ મુદ્દો આ સ્થળે ને સમયે છેડીને દાદામુનિ તરીકે જાણીતા સિનિયરમોસ્ટ કલાકાર અશોકકુમારે મોટી ભૂલ કરી છે. સૌ સ્તબ્ધ હતા. એમાંય દિલીપકુમારે વેધક નજરે અશોકકુમાર તરફ જોયું ત્યારે સૌને ટેન્શન થઈ ગયું કે હવે બરાબરની જામવાની. આ તરફ અશોકકુમાર તો જાણે કંઈ બન્યું જ નથી એમ નિરાંતે બેઠેલા. મીઠું મલકતાં દિલીપકુમારે વળતો જવાબ આપ્યોઃ

“અશોક ભૈય્યા, આ સીન પતાવી લઉં પછી તમે છેડેલો મુદ્દો ડિસકસ કરીએ તો ચાલે? કબૂલ કે, આ એક ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ થોડી રાહ જોવામાં કંઈ ખાટુંમોળું નહીં થાય એની મને ખાતરી છે.”

દિલીપકુમારનો પ્રતિભાવ સાંભળી સૌ હસી પડ્યા. પ્રાણ અને અશોકકુમારનાં અટ્ટહાસ્યના અવાજ છેક બહાર સુધી સંભળાતા હતા. વાતાવરણ હળવું થઈ ગયું. વિનાવિઘ્ને શૂટિંગ પણ આટોપાઈ ગયું.

આ પ્રસંગમાં યૂસુફસાહેબની સેન્સ ઑફ હ્યુમર તો નીખરી ને બહાર આવી જ, પણ સમકાલીન અને સહકલાકાર પ્રત્યેનો એમનો આદર પણ કાબિલ-એ-તારીફ હતો. રિશી કપૂર ઉમેરે છે કે ‘દુનિયા’ના નિર્માણ દરમિયાન જે રીતે પ્રાણ-અશોકકુમાર-દિલીપકુમાર એકબીજાને આદર આપતા એના સાક્ષી બનવું એ મારે માટે એક લહાવો હતો.

કેતન મિસ્ત્રી

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]