સચ્ચાઈના રનવે પર કલ્પનાની ઉડાન…

વાત હશે 1997ની આસપાસ. એક બહુ મોટી ઘટના ઘટી રહી હતી હિંદી સિનેમા માટે. પાંચેક વર્ષના વિરામ બાદ મહાનાયક અમિતાભ બચ્ચન પરદા પર પુનરાગમન કરી રહ્યા હતા. (શુદ્ધ ગુજરાતીમાં લખતા અમુક લેખકો જેને માટે “કમબેક કર્યું” લખે છે તે). ફિલ્મ હતી મેહુલકુમારની ‘મૃત્યુદાતા.’ ફિલ્મમાં હીરો ડૉ. રામ પ્રસાદ ઘાયલ (અમિતાભ બચ્ચન) અત્યંત જટિલ એવાં ઑપરેશન દારૂ ઢીંચીને જ કરે છે. એ એટલો ચિક્કાર પીને હૉસ્પિટલમાં આવે કે લથડિયાં ખાતાં ખાતાં ઑપરેશન થિએટર સુધી પહોંચે.

આ ફિલ્મ જોયા બાદ મેં મેહુલકુમારને સવાલ કર્યો કે, “આવું પાત્રાલેખન? આવું પોસિબલ હોય ખરું?”

મેહુલકુમારનો જવાબ હતોઃ “આ કેરેક્ટર મેં રિયલ લાઈફના ડૉક્ટર પરથી લખ્યું છે. મુંબઈની બહુ જાણીતી હૉસ્પિટલના આ ડૉક્ટર બે-ચાર પેગ લઈને જ ઑપરેશન કરે. તારી ઈચ્છા હોય તો મળાવું, પણ એના વિશે તારે કંઈ લખવા-બખવાનું નહીં.”

“થૅન્ક્સ પણ મને એવા દારૂડિયા દાક્તરને મળવાની ઈચ્છા થતી નથી. ચાલો ત્યારે, સાહેબજી” કહી અમે છૂટા પડ્યા.

આ પ્રસંગ આ ક્ષણે યાદ આવવાની વજહ છે અજય દેવગનની આગામી ફિલ્મ ‘રનવે-34.’ હમણાં જ એનું ટ્રેલર જોયું, જેમાં અજય દેવગન કૉકપીટમાં સિગારેટ ફૂંકનારો જોશીલો પાઈલટ બન્યો છે.ડૉક્ટર ઘાયલની જેમ સિગારેટ ફૂંકતાં ફૂકતાં જ એ પ્લેન ઉડાડી શકતો હશે?

વાર્તા બ્લાઈન્ડ લૅન્ડિંગની છે, જે ૨૦૧૫માં બનેલી સત્ય ઘટનાથી પ્રેરિત છે. હોંશીલા પાઈલટને લાગે છે કે ખરાબ હવામાન હોવા છતાં પોતે સુરક્ષિત લૅન્ડિંગ કરી શકશે… જો કે એવું થતું નથી. પ્લેન ક્રૅશ થાય છે ને પછી આ કમનસીબ ઘટનાની તપાસ કરવા પાઈલટ તથા એની ક્રૂ, વગેરેની ઈન્ક્વાયરી શરૂ થાય છે.

સામે પક્ષે અમિતાભ બચ્ચન છે, જે અજય દેવગનને આ દુર્ઘટના માટે જવાબદાર માને છે. ઍરલાઈન કંપનીના માલિકની ભૂમિકામાં બોમન ઈરાની છે, કો-પાઈલટ રકૂલપ્રીતસિંહ છે, ઍરલાઈન બિઝનેસની આંટીઘૂંટી અને ડર્ટી પોલિટિક્સ છે.

હવે, ઘડિયાળના કાંટા ઊંધા ફેરવીને પહોંચી જઈએ 2015ના ઑગસ્ટમાં. કતારના પાટનગર દોહાથી કોચી આવતું જૅટ ઍરવેઝનું વિમાન ખરાબ હવામાનમાં તિરુઅનંતપુરમ્ ઍરપૉર્ટ પર ક્રૅશ થયું હતું. વિમાનમાં 142 પેસેન્જર અને આઠ ક્રૂ મેમ્બરહતા. પછી ખબર પડી કે સમસ્યા ઈંધણની હતી. ઍક્ચ્યુઅલી, ત્રણ-ત્રણ વાર કોચીમાં ઊતરવાની નિષ્ફળ કોશિશમાં ખૂબ ફ્યુઅલ વપરાઈ ગયું. વિમાનમાં એટલું જ ફ્યુઅલ હતું કે એ માત્ર પંદર મિનિટના અંતર પર આવેલા બેંગલુરુ ઍરપૉર્ટ પર ઊતરીશકે, પણ કોઈ અકળ કારણસર ક્રૂએ વિમાન તિરુઅંનતપુરમ્ લઈજવાનું નક્કી કર્યું. જ્યાં ત્રણેક નિષ્ફળ પ્રયાસ બાદ વિમાન પટકાયું ત્યારે ટાંકીમાં માત્ર 349 કિલો જ ફ્યુઅલ બચ્યું હતું. બીજા શબ્દોમાં, દસેક મિનિટ હવામાં રહી શકે એટલું જ ઈંધણ બચ્યું હતું એટલે નીચે ઊતરવા સિવાય પાઈલટ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો.

આ દુર્ઘટના માટે પાઈલટ જ જવાબદાર હતા કે ઍરલાઈન બિઝનેસના ભેદભરમ એ હજી ક્લિયર થયું નથી. ફ્લાઈટના બે પાઈલટને સસ્પેન્ડ કરવામાં આવેલા.

‘રનવે 34’ની વાત કરીએ તો ટ્રેલર તો થ્રિલિંગ લાગે છે. આમ તો હોલિવૂડમાં આવી ઘણી ફિલ્મ બનતી રહે છે, જેમાં દુર્ઘટનામાં પાઈલટ કાં ઘવાયા હોય કાં માર્યા ગયા હોય, પછી પેસેન્જરમાંથી (મોટે ભાગે હીરો કે હીરોઈન) કોકપીટમાં ઘૂસે ને ઍર ટ્રાફિક કન્ટ્રોલરની સૂચના બાદ જેમતેમ પણ હેમખેમ પ્લેન લૅન્ડ કરે… પણ વિમાનદુર્ઘટના પર બનેલી આ પહેલી દેશી ફિલ્મ હશેઃ હજારો ફીટ આકાશમાં ફસાયેલું વિમાન, પેસેન્જરો, ક્રૂ, દિલધડક ક્રૅશ લૅન્ડિંગ અને એની કોર્ટ રૂમ ડ્રામા જેવી ઈન્વાયરી.

ડિરેક્ટર તરીકે અજય દેવગનની આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલાં એ ‘યુ મી ઔર હમ,’ ‘શિવાય’ ડિરેક્ટ કરી ચૂક્યો છે. હવે ફિલ્મ કેવી છે અને વાસ્તવિકતામાં કલ્પનાનાં કેટલાં મરીમસાલા ભભરાવ્યા છે એ તો ફિલ્મ 29 એપ્રિલે થિએટરમાં લૅન્ડ થાય ત્યારે ખબર પડે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]