ધ બૅટમૅનઃ ફિલ્મરસિકો માટે વહેલી આવી રંગપંચમી…

હેલાં ‘ગંગુબાઈ કાઠિયાવાડી,’ ત્યાર બાદ ‘ડિયર ફાધર’ અને હવે ‘ધ બૅટમૅન.’ ડિરેક્ટર મૅટ રીવ્સની ‘બૅટમૅન.’ ક્રિસ્ટોફર નોલને ‘બૅટમૅન બિગિન્સ,’ ‘ધ ડાર્ક નાઈટ’ તથા ‘ધ ડાર્ક નાઈટ રાઈઝીસ’ સર્જીને બૅટમૅન અને એની દુનિયાના જુદા રંગ દેખાડ્યા તો રીવ્સ કંઈ ગાંજ્યા જાય એવા તો નથી.

હાં તો, ઓલમોસ્ટ બે વર્ષ બાદ થિએટરમાં જઈને જોવાયેલી ત્રીજી ફિલ્મ. સુપરહીરોની દુનિયા નિરાળી છે. શક્તિમાનના પુનરાગમનના સમાચાર વચાળે જૂનો ને જાણીતો વિદેશી અતિનાયક બૅટમૅન રૂપેરી પરદા પર ત્રાટક્યો છે. ફિલ્મની વાર્તાનું તો એવું છેને કે ગોથમ નગરીમાં એક નવોનક્કોર સાઈકો કિલર આવ્યો છે, જેણે કાળો કેર મચાવ્યો છે. એ ગોથમવાસીઓને મારી રહ્યો છે. કુકર્મ પતાવીને જતાં પહેલાં એ પાછળ કોઈ ને કોઈ કડી મૂકતો જાય. આ કડી અથવા ઉખાણાંના જવાબમાં જ એની ઓળખ છુપાયેલી છે. એનું નામ પણ પાછું એવું જઃ રિડ્લર (પૉલ ડાનો). રિડ્લરનું કહેવું છે કે એ ઉચ્ચ પદ પર બિરાજેલા ગોથમના ભ્રષ્ટ લોકોથી પ્રજાને છુટકારો અપાવી રહ્યો છે. રિડ્લરનો સામનો થાય છે બ્રુસ વેન ઉર્ફે બૅટમૅન (રૉબર્ટ પેટિન્સન) સાથે.

હવે, વસ્તુ એવી છે સાહેબ કે બધા હીરો કાંઈ માસ્ક નથી પહેરતા. ગોથમ સિટી પોલીસ ડિપાર્ટમેન્ટના વડા જેમ્સ ગોર્ડન (જેફ્રી રાઈટ્સ) આવા જ હીરો છે. એ રિડ્લરને નાથવામાં બૅટમૅનની મદદ માગે છે. પેલા વિલને મૂકેલી કડી ઉકેલતાં ઉકેલતાં અને કેસ સૉલ્વ કરતાં કરતાં બૅટમૅન અને ગોથમની પોલીસનાં એક પછી એક રહસ્ય ખૂલતાં જાય છે. આમ રિડ્લર નામના એ હત્યારા સહિત બધા ભ્રષ્ટ કૌભાંડીઓને ઉઘાડા પાડવાનો આખો ઘટનાક્રમ બની છે ફિલ્મની વાર્તા. આમાં એક સેલિના કાઈલ (જોઈ ક્રેવિત્ઝ)નું કેરેક્ટર પણ છે. એને બિલાડી પસંદ છે ને બિલાડી (કૅટવમુન)ની જેમ છાનેપગલે એ લોકોનાં ઘરમાં ઘૂસે છે. જો કે વધુ કંઈ પણ કહીશ તો ફિલ્મ જોવાની તમારી મજા બગડી જશે…

આ વખતે બ્રુસ વેન અને બૅટમૅન બન્યો છે ‘ધ ટ્વિલાઈટ સાગા’ માટે જાણીતો ઍક્ટર રૉબર્ટ પેટિન્સન. ભાઈ રોબર્ટ સામે એક મોટો પડકાર હતો ચારેક ફિલ્મમાં બૅટમૅન બનીને ફિલ્મરસિકો પર છવાઈ જનાર ફાંકડા ઍક્ટર બેન અફ્લેકને ભુલાવી પોતાની એક ઓળખ બનાવવી. જેમાં એ સફળ થયો છે. ડિરેક્ટર મૅટ રીવ્સે કદાચ પહેલી વાર બૅટમૅનને એક ડિટેક્ટિવ તરીકે રજૂ કર્યો છે. પાછલી બધી ફિલ્મોમાં બૅટમૅન સુપરહીરોગીરીથી ગોથમને બચાવે છે, જ્યારે અહીં એ ખલનાયકે પાછળ છોડેલી ક્લ્યૂ ઉકેલતો ડિટેક્ટિવ બન્યો છે. એંસી વર્ષના ઈતિહાસમાં કદાચ આવું પહેલી વાર બન્યું હશે.

ફિલ્મનો ઓવરઑલ ડાર્ક લુક, આંખો આંજી દેતા સેટ પીસીસ, ઍક્શન, વગેરેથી ડિરેક્ટરે એક મોહક સૃષ્ટિ ખડી કરી છે. અહીં મ્યુઝિકનો તથા સિનેમેટોગ્રાફીનો ઉલ્લેખ અવશ્ય કરવો પડે. ઝીરો ડાર્ક થર્ટીથી લઈને ગયા વર્ષે આવેલી ડ્યૂનમાં પોતાની કૅમેરાકલા બતાવનાર ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફી ગ્રેગ ફ્રેઝરે અહીં કમાલ કરી છે, તો, માઈકેલ જિઆચીનો (‘સ્પાઈડરમૅનઃ નો વે ટુ હોમ,’ ‘રોગ વનઃ અ સ્ટાર વૉર્સ સ્ટોરી,’ ‘જુરાસિક વર્લ્ડઃ ફૉલન નાઈટ,’ વગેરે)નું સંગીત કાનમાં લાંબો સમય ગુંજ્યા કરે છે.

ફિલ્મ ત્રણ કલાકની છે, પણ એ કોઈ પ્રોબ્લેમ નથી. ફિલ્મ જકડી રાખનારી હોય તો લંબાઈ કોઈ મુદ્દો નથી એટલે જ, ત્રણ કલાક સુધી વૉટ્સઍપ મેસેજીસ ચેક કરવાની ખાસ ઈચ્છા થઈ નહીં, કેમ કે દર થોડી થોડી વારે કંઈ ને કંઈ બન્યા કરે જે હાથ જીન્સના પૉકેટમાં (જેમાં ફોન રાખેલો) જતો રોકે. ટૂંકમાં આ વીકએન્ડમાં ક્રિસ્ટોફર નોલનના બૅટમૅનથી કંઈ જુદું કંઈ રોમાંચક જોવું હોય તો ટિકિટ બૂક કરાવી લો.

અમે ‘ધ બૅટમૅન’ ગઈ કાલે મધરાતે મુંબઈમાં આઈનૉક્સ મેગાપ્લેક્સમાં જોઈ એટલે એક વણમાગી સલાહઃ શક્ય હોય, મોકો હોય, દસ્તૂર હોય તો ફિલ્મ આઈમૅક્સમાં જોવાનું રાખજો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]