અભી અભી તો મિલે હૈ, અભી ન કરો છૂટને કી બાત

વાત જરા જૂની છે. એ અરસામાં મારે ‘ચિત્રલેખા’ના કામસર છએક મહિના ન્યૂ જર્સીમાં રહેવાનું થયેલું. એક વીકએન્ડમાં નવા બનેલા ઈન્ડિયન-અમેરિકન મિત્રો સાથે જુગારનગરી આટલાન્ટિક સિટી જવાનો પ્રોગ્રામ બન્યો. ફ્રીવે પર સડસડાટ દોડી રહેલી અમારી કારના ચાલક-માલિકનો પ્રણયભંગ થયેલો કે શી ખબર, કારની મ્યુઝિકસિસ્ટમમાં એ ત્રણ-ચાર ગીતો રીપીટ કર્યા કરતાઃ ‘રેફ્યુજી’નાં બેએક ગીત (“મેરે હમસફર” તથા “ઐસા લગતા હૈ”) અને વિશેષ તો ‘હમ દિલ દે ચૂકે સનમ’નું “તડપ તડપ કે ઈસ દિલસે આહ નિકલતી રહી…” દરેક વખતે સાંભળતી વખતે એ ફ્રૅશ લાગતું ને દરેક વખતે અમારા પાંચેય પ્રવાસીનાં દિલમાંથી ‘આહ’ નીકળતી રહેતી.

‘જાતસ્ય હિ ધ્રુવં મૃત્યુ’ એવું ભગવદ્ ગીતામાં કહ્યું છે. જો કે ગીતા વાંચ્યા વગર પણ આપણને એ ધ્રુવસત્ય ખબર છેઃ જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત જ છે આમ છતાં અમુક મોત આપણને આઘાત આપી જતાં હોય છે. દિલ્હીમાં વસેલાં મૂળ કેરળનાં માવતરને ત્યાં જન્મીને ભારતીય સંગીતસૃષ્ટિમાં પોતીકી ઓળખ બનાવનાર કૃષ્ણકુમાર કુન્નથ, કેકેનું મૃત્યુ આઘાત દઈ ગયું. યાર, 53 એ કંઈ મરવાની ઉંમર નથી.

આજની ‘સ્પૉર્ટિફાય’ જનરેશન “અટ્ટાવાં મામા” કે “શ્રીવલ્લી” કે અરિજિતસિંહ, અરમાન મલિક સાંભળીને ઝૂમે છે એને માલૂમ થાય કે કેકેનાં ગીત અમારી એકલતાનાં સાથી હતાં, એ સુરાવલીઓ અમને એક અજાયબ સૃષ્ટિની સફર કરાવતી. “તડપ તડપ” સોંગ કેકેની કરિયરમાં સીમાદર્શક પથ્થર સાબિત થયું. આવાં તો અનેક માઈલસ્ટોન રચનાર કેકેને, કમનસીબે, એ જેના હકદાર હતા એવાં માનસમ્માન-અકરામ મળ્યાં નહીં.

31 મે, 2022ના રોજ કોલકાતામાં ગુરુદાસ કૉલેજના ફેસ્ટિવલમાં ગાવા ગયેલા કેકેનો કાર્યક્રમ રાતે લગભગ સાડાઆઠ વાગ્યા સુધી ચાલ્યો. જે સ્થળે કાર્યક્રમ યોજાયો હતો એ નઝરુલ મંચ ઑડિટરિયમ વિશે, કાર્ક્રમના આયોજન વિશે અનેક સવાલ થયા. એમાં હાજરી આપનારાએ કહ્યું કે સભાગૃહમાં હૈયેહૈયું દળાય એવી ભીડ હતી, ઍરકન્ડિશન કામ કરતાં નહોતાં, હવાની અવરજવર માટે કોઈ જગ્યા નહોતી, ચારે બાજુથી રેલાતા ઝળાંહળાં પ્રકાશના શેરડા આંખ માટે ત્રાસદાયી હતા, અવારનવાર ટપોરીબાજો સ્ટેજ પર ચડી જતા, સેલ્ફી લેવાનો આગ્રહ કરતા, છતાં કેકે ટૉવેલથી ઘામ લૂછતાં લૂછતાં લોકોને એન્ટરટેન કરતા રહ્યા. છેવટે એક તબક્કે આ બધું અસહ્ય બનતાં એ હોટેલ પરત આવી ગયા. હોટેલમાં તબિયત વધુ બગડતાં રાતે દસેક વાગ્યે એમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા, ત્યાંના ડૉક્ટરે તપાસીને કહ્યું કે હી ઈઝ ડેડ… 2 જૂને મુંબઈમાં એમના અંતિમસંસ્કાર થયા.

કાળનું કરવું, એના શ્વાસ જ ખૂટ્યા, ઈશ્વરે કોલકાતાનું નિમિત્ત ઊભું કરી પોતાની પાસે બોલાવી લીધા, વગેરે ફિલસૂફીની વાતો છે, પણ, બેજવાબદાર પ્રેક્ષકો, બેપરવા આયોજન, લાઈવ કન્સર્ટમાં જરૂરી એવી એમ્બ્યૂલન્સના તથા સમયસૂચકતાના અભાવે કેકેનો જીવ લીધો.

અહીં સ્ટેન્ડઅપ કૉમેડિયન મંજુનાથ નાયડુનું સકારણ સ્મરણ થઈ આવે છે. ત્રણેક વર્ષ પહેલાં 36 વર્ષી મંજુનાથ દુબઈમાં પૅક્ડ ઑડિયન્સ સામે પરફોર્મ કરી રહ્યા હતા ને અચાનક એ સ્ટેજ પર મૂકેલી બેન્ચ પર ફસડાઈ પડ્યા, એમણે ઍન્કઝાઈટીની કમ્પ્લેન કરી. આ તરફ પ્રેક્ષકો મંજુનાથને જોઈ ખડખડાટ હસતા રહ્યા- એમને એમ કે આ તો પરફોરમન્સનો જ ભાગ હશે, ગણતરીની પળમાં કાર્ડિયાક અરેસ્ટથી મંજુનાથનું ત્યાં જ અવસાન થયું. શાયર શૈલેન્દ્રએ કદાચ આવા કલાકારો માટે લખ્યું હશે? “રહેંગેં યહીં અપને નિશાન, ઈસકે સિવા જાના કહાઁ… ”

30 મેએ મુંબઈ ઍરપૉર્ટ પર પોતાની ટીમ સાથે લીધેલી સેલ્ફી સોશિયલ મિડિયા પર મૂકી કેકેએ લખ્યું, “એનરુટ કોલકાતા સેલ્ફી… કોલકાતા, આમિ આસ્ચી… કાન્ટ વેઈટ ટુ બી વિથ યૂ.” કોને ખબર હતી કે “કાન્ટ વેઈટ ટુ બી” એ કોલકાતા માટે નહીં, પણ ઈશ્વર માટે હશે. કેકે, ઈશ્વરને મળવાની આટલી ઉતાવળ?

બીજું તો શું? સ્વરાકારના આત્માને શાંતિ તથા એમનાં પત્ની જ્યોતિ, સંતાનો નકુલ-તામારાને આ વજ્રાઘાત સહન કરવાનું બળ મળે એ જ ‘ચિત્રલેખા’ની ઈશ્વરને પ્રાર્થના.