રૂહીઃ અધકચરી હૉરર-કૉમેડી…

 અઠવાડિયે પાંચેક ફિલ્મ રીતસરની થિયેટરમાં રિલીઝ થઈ છે. મોટા ભાગની મલયાલમ કે તેલુગુ કે એવી દક્ષિણ ભારતીય ભાષાની છે, પણ એક છે જેની સાથે ખાસ આપણને નિસબત હોવી ઘટે એ છે હાર્દિક મહેતાની ‘રૂહી’. યાદ હોય તો યુવા ગુજ્જુ સર્જક હાર્દિક મહેતાની ફિલ્મ ‘અમદાવાદમાં ફેમસ’ને બેસ્ટ નૉન-ફીચર ફિલ્મને નેશનલ એવૉર્ડમાં ‘સ્વર્ણ કમલ’થી સમ્માનિત કરવામાં આવેલી. એ પછી આવી ગયા વર્ષે આવી કામ્યાબ, ડિરેક્ટ તરીકેની હાર્દિકની પહેલી ફિલ્મ. શાહરુખ ખાને પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મમાં સંજય મિશ્રાનો અદભુત અભિનય હતો અને આ મારી પર્સનલ ફેવરીટ ફિલ્મ છે. આ અઠવાડિયે હાર્દિક રૂહી લઈને આવ્યા છે.

આ પ્રોબ્લેમેટિક ફિલ્મમાં ભાઈ હાર્દિક મહેતાનો પ્રોબ્લેમ એ છે કે એમણે તદ્દન નબળી સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ બનાવવાની હતી. પટકથા આલેખી છે મૃગદીપસિંહ લામ્બા અને ગૌતમ મેહરાએ. મૃગદીપની કલમે આ પહેલાં ‘ફુકરે’ અને ‘ફુકરે ટુ’ જેવી ફિલ્મો લખી છે. એ જાણીતા છે અમુક ટિપિકલ લઢણ કે બોલીમાં કહેવાતા ટુચકા માટે. અહીં બન્યું છે એવું કે એમણે સતત પંચલાઈન પર જ ધ્યાન આપ્યું છે, વાર્તા, પ્રસંગની ઘટમાળ નામે મીંડું. ‘પકડુઆ શાદી’થી આખી વાતની શરૂઆત થાય છે, પણ આગળ પછી એનું કંઈ નહીં… કથાપટકથા તો કાચીપાકી છે જ, ક્લાઈમેક્સ પણ એવો જ અડબંગ. આંખો પર વિશ્વાસ નથી આવતો ફિલ્મનો અંત આવી રીતે કેવી રીતે આવી શકે.

પહેલાં તો શેના વિશે સ્ટોરી છે એ ઍસ્ટાબ્લિશ કરવામાં જ બહુ ટાઈમ લઈ લીધો ડિરેક્ટરે. લગનમાં મહાલી રહેલી એક મહિલા ફુસફુસાતા સ્વરમાં અન્ય મહેમાનોને ચેતવણી આપતી હોય એમ કહી રહી છેઃ ‘શાદી વાલે ઘર પે નજર રહતી હૈ ઉસકી, ઈધર દુલ્હે કી આંખ લગી, ઉધર દુલ્હન કો ઉઠા લે જાએગી વો’… પછી હવાથી ફરફર થતાં પાંદડાં, ડરામણું સંગીત અને… આપણે ખુરશીમાં જરા ટટાર થઈ જઈએઃ વાહ, બાકી હમણાં કંઈ જબરદસ્ત જોવા મળશે. તમે ધીરજપૂર્વક ફિલ્મ જોયા કરો છો ને ધત્તેરિકી… સાલ્લું, કંઈ બન્યું જ નહીં? ટાંય ટાંય ફિસ્સ…

વાર્તા એવી છે કે ઉત્તર ભારતના કોઈ ગામ બાગડપુરમાં પકડાઉ શાદી નામની એક કુપ્રથા (જે હવે બિઝનેસ બની ગયો છે) વર્ષોથી ચાલી આવે છે. આમાં દુલ્હનને કિડનૅપ કરી એનાં જબરદસ્તીથી લગ્ન કરાવી દેવામાં આવે. આપણી વાર્તાનાં બે પુરુષપાત્રો ભંવરા પાંડે (રાજકુમાર રાવ) અને કટન્ની કુરૈશી (વરુણ શર્મા)નું પણ આ જ કામકાજ છેઃ છોકરી ઉઠાવી લેવાની. જો કે આમ પાછા લોકલ ક્રાઈમ રિપોર્ટર છે ને અરમાન દિલ્હી જઈને ટોપના ક્રાઈમ રિપોર્ટર બનવાનાં છે. આવા જ એક પકડ વિવાહ અસાઈન્મેન્ટમાં બન્ને રૂહી (જાહન્વી કપૂર) નામની કન્યાને ઉઠાવે છે, પણ અમુક કારણસર એનાં જેની સાથે લગ્ન કરાવવાનાં છે એ છોકરા સુધી પહોંચાડી શકતા નથી. બૉસના આદેશાનુસાર બન્ને રૂહીને અવાવરુ જગ્યાએ એક બિસ્માર હાલતના કારખાનામાં પોતાની સાથે રાખે છે. સમસ્યા એ છે કે રૂહી સ્પ્લિટ પર્સનાલિટી ધરાવે છેઃ એ રૂહી પણ છે અને અફ્ઝા નામની મુડિયાપૈરી ચુડેલ પણ, જેને બસ, શાદી જ કરવી છે. એ કુંવારી છોકરીના શરીરમાં પ્રવેશીને ત્યાં સુધી રહે છે, જ્યાં સુધી એની શાદી ન થઈ જાય. બને છે એવું કે ભંવરાને રૂહી ગમે છે ને કટ્ટન્નીને અફ્ઝા. હવે જોવાનું એ છે કે અફ્ઝાની ચુંગાલમાં ફસાયેલી રૂહીને ભંવરા-કટ્ટન્ની બચાવી શકશે કે કેમ…

ફિલ્મની મને ગમી ગયેલી જે બેચાર વાત છે એ છેઃ રાજકુમાર રાવ અને વરુણ શર્મા. ખાસ તો વરુણ શર્મા. નીચલા મધ્યમ વર્ગમાંથી આવતા બન્ને યુવાનને અંગ્રેજીના લોચા છે, છતાં આત્મવિશ્વાસથી બોલીને લોચા મારતા રહે છે, જેમાંથી અમુક જગ્યાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. બીજું, ભૂત (કે ચુડેલ?)ને જે રીતે રજૂ કરવામાં આવી છે એ ગમ્યું. બાકી, ઓવરઑલ આ એક અધકચરી, બેસ્વાદ અનુભૂતિ રહી, જે ન તો પૂર્ણપણે હૉરર બની ન સાદ્યંત કૉમેડી.

(કેતન મિસ્ત્રી)