એક વાર્તા અનેક ફિલ્મઃ ગુંજતા હૈ મોહબ્બત કા નગમા…

વેલ વેલ વેલ… દેશભરમાં ધીરે ધીરે થિયેટરો ઊઘડી રહ્યાં છે, ફિલ્મો રિલીઝ થઈ રહી છે, એક પોઝિટિવ પવન ફૂંકાવા માંડ્યો છે. આમ છતાં મનોરંજનની કાશી એવી મુંબઈમાં થિયેટરો હજી ઊઘડ્યાં નથી, અહીં ફિલ્મો રિલીઝ થઈ રહી નથી એટલે આપણે આજે ફરીથી સ્મૃતિસફર પર જવું છે ને વાત કરવી છે મહેશ ભટ્ટ દિગ્દર્શિત આમીર ખાન-પૂજા ભટ્ટ અભિનિત ‘દિલ હૈ કિ માનતા નહીં’, જેણે હાલમાં જ રિલીઝનાં 30 વર્ષ પૂર્ણ કર્યાં.

1991માં રિલીઝ થયેલી ‘દિલ હૈ કિ માનતા નહીં’ 1956ની રાજ કપૂર-નરગિસને ચમકાવતી ‘ચોરી ચોરી’થી પ્રેરિત હતી. અગેન, ‘ચોરી ચોરી’ પ્રેરિત હતી 1934માં આવેલી ફ્રાન્ક કાપ્રા દિગ્દર્શિત, ક્લાર્ક ગેબલ-ક્લોડેટ કોલ્બર્ટ અભિનિત ‘ઈટ હૅપન્ડ વન નાઈટ’થી. તો ‘ઈટ હૅપન્ડ વન નાઈટ’ સર્જાયેલી ‘નાઈટ બસ’ નામની એક ટૂંકી વાર્તા પરથી. રિમેકની રિમેક ‘દિલ હૈ કિ માનતા નહીં’ આજે પણ જોવી ગમે એવી ફ્રૅશ છે.

 

રિમેકની વાત કરીએ તો, એક સમયે મહેશ ભટ્ટ (અન્ય કેટલાક ડિરેક્ટરોની માફક) ‘પ્રેરણા’ના કસબ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જાણીતા હતા. એક લેખમાં એમણે કાનની બૂટ પકડીને કબૂલાત કરેલી કે “હોલિવૂડની ફિલ્મો દેખાડતાં મુંબઈનાં થિયેટરોમાં મેં વિતાવેલા સમયનો મારી સફળતામાં બહુ મોટો હાથ છે. સાઉન્ડ અને પિક્ચરની મદદથી વાર્તા કેવી રીતે કહેવી એ હું એમાંથી શીખ્યો.” આને કહેવાય નિખાલસતા!

તો, રાજ કપૂર-નરગિસની લાસ્ટ રોમાન્ટિક ફિલ્મ ‘ચોરી ચોરી’માં શેઠ ગિરધારીલાલ (ગોપ) પોતાની ઈકલૌતી બેટી કમ્મો (નરગિસ)નાં લગ્ન એવા છોકરા સાથે કરવાનું નક્કી કરે છે, જેને સસરાની ધનસંપત્તિમાં બિલકુલ રસ નથી, પણ કમ્મોને તો પાઈલટ સુમનકુમાર (પ્રાણ) સાથે પ્રેમ છે એટલે એ એને મળવા ઘરેથી ભાગી જાય છે. કમ્મો મુંબઈ-બેંગલોર બસ પકડે છે, જેમાં એને રિપોર્ટર સાગર (રાજ કપૂર) મળે છે. સંજોગવશાત્ આગળનો પ્રવાસ બન્નેને સાથે કરવો પડે છે. શરૂઆતની આપસી લડાઈ, નોંકઝોંક આગળ જતાં પ્યારમાં પરિવર્તિત થાય છે.

‘દિલ હૈ કિ માનતા નહીં’માં મુંબઈના શેઠ ધરમચંદ (અનુપમ ખેર)ની ઈકલૌતી બેટી પૂજા (પૂજા ભટ્ટ)ને ફિલ્મસ્ટાર દીપક કુમાર (સમીર ચિત્રે) સાથે પ્રેમ છે. ધરમચંદને આ સંબંધ મંજૂર નથી એટલે પૂજા પ્રેમી દીપકકુમારને મળવા ઘરેથી ભાગી જાય છે. મુંબઈ-બેંગલોર બસમાં એનો ભેટો પત્રકાર રઘુ જેટલી (આમીર ખાન) સાથે થાય છે, બલકે (ડ્રાઈવર અચાનક બસ સ્ટાર્ટ કરતાં) એ રીતસરની રઘુ જેટલીના ખોળામાં આવીને પડે છે. સંજોગવશાત્ આગળનો પ્રવાસ બન્નેને સાથે કરવો પડે છે. શરૂઆતની આપસી લડાઈ, નોંકઝોંક આગળ જતાં પ્યારમાં પરિવર્તિત થાય છે.

મદ્રાસની પ્રોડક્શન કંપની ‘એવીએમ’ માટે અનંત ઠાકૂરે ડિરેક્ટ કરેલી ‘ચોરી ચોરી’માં રાજ કપૂર-નરગિસના કમાલના સંયોજન ઉપરાંત શંકર-જયકિશનનાં સ્વરાંકન તથા આગા જાની કશ્મીરીના મશ્કરા સંવાદનો બહુમૂલ્ય ફાળો હતો. જેમ કે આખી ફિલ્મમાં સાગર ગળે પડી ગયેલી કમ્મોને “ખૂબસૂરત બલા” તરીકે સંબોધે છે. અલબત્ત, કમ્મોની “ખૂબસૂરત સી નાક” માટે એને અનુરાગ ખરો. તો કમ્મો એને “મિસ્ટર ઈન્સાનિયત” તરીકે સંબોધે છે. નવાઈની વાત એ કે મહેશ ભટ્ટે ‘ચોરી ચોરી’નાં વાર્તા-સીન ઉપરાંત અમુક સંવાદ પણ બેઠ્ઠા ઉઠાવેલાં.

‘ચોરી ચોરી’માં શંકર જયકિશનનો જાદુ હતો તો ‘દિલ હૈ કિ માનતા નહીં’માં નદીમ-શ્રવણની જોડીએ મારા જેવા સિનેમાપ્રેમીને રીતસરનું ઘેલું લગાડેલું. સમીર લિખિત “ઓ મેરે સપનોં કે સૌદાગર મુઝે ઐસી જગા લે જા” સાંભળતાં આજેય મન સીધું ઊટીનાં લીલાછમ્મ જંગલમાં પહોંચી જાય છે, જ્યાં નિલગિરિનાં ખુશબોદાર વૃક્ષો વચ્ચે પૂજા ભટ્ટ પર એ શૂટ થયેલું. યાદ કરો આ પંક્તિઃ “યે પરિયોં કી બસ્તી, સિતારોં કા મજમા, યહાઁ ગુંજતા હૈ મોહબ્બત કા નગમા…”

એક રસપ્રદ વાત એ કે પૂજા ભટ્ટને તે વખતે સ્પીચ-ડિફેક્ટ હતી. એના અમુક જરા જુદા રહેતા. ગાયિકા અનુરાધા પૌડવાલે ગીત રેકોર્ડ કરતાં પહેલાં પૂજાને પોતાના ઘરે બોલાવી જે મનમાં આવે એ બોલવા કહ્યું, જેથી ગીતમાં એ પૂજાની કહેવાતી સ્પીચ-ડિફેક્ટ ભેળવી શકે.

ઈન્ટરેસ્ટિંગ્લી, હોલિવૂડની ફિલ્મ, રાધર એક ટૂંકી વાર્તા ‘નાઈટ બસ’ પરથી દુનિયાની વિવિધ ભાષામાં અનેક રોમાન્ટિક કૉમેડી બની. હોલિવૂડમાં અડધો ડઝન જેટલાં સર્જન ઉપરાંત ભારતમાં ચોરી ચોરી, દિલ હૈ કિ માનતા હૈ ઉપરાંત દેવ આનંદની ‘નૌ દો ગ્યારહ’ પણ ‘ઈટ હૅપન્ડ વન નાઈટ’થી પ્રેરિત હતી. આ ઉપરાંત બંગાળી, તમિળ, કન્નડ ભાષામાં ફિલ્મો બની. પણ, યે કહાની ફિર કભી…

કેતન મિસ્ત્રી