ડોલે જૈસે દારૂ કા ઘડાઃ અવિસ્મરણીય મુથ્થુકોડી કવાડી હડા

ક્ટર-પ્રોડ્યુસર-ડિરેક્ટર-સિંગર મેહમૂદ એટલે બોલિવૂડના બેસ્ટંબેસ્ટ કૉમેડિયન. કૉમેડીને અલગ ઊંચાઈએ લઈ જનારા મેહમૂદના ખભે આખી ફિલ્મ મૂકીને ઘણા નિર્માતા બૉક્સઑફિસ નામની વૈતરણા પાર કરી ગયા. અનેક ઍક્ટરો મેહમૂદ ફિલ્મમાં છે એવી ખબર પડતાં અસ્વસ્થ થઈ જતા, ઈન્સિક્યૉરિટી અનુભવતા. મેહમૂદની મારી પર્સનલ ફેવરીટ છે પ્યાર કિયે જા.

બટ વેઈટ અ મિનિટ. તમને થશે કે આજે મેહમૂદપુરાણ શીદને? તો વજહ છે હમણાં જ વાંચેલા એક સમાચાર. મુંબઈ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક શ્રમિક અબુ ધાબી જતી ફ્લાઈટમાં સામાન ચડાવતાં ચડાવતાં નિદ્રાધીન થઈ ગયો. ફ્લાઈટ તો નિર્ધારિત સમયે ઊડી ગઈ. પેલા શ્રમિકની આંખ ઊઘડી ત્યારે એ અબુ ધાબીમાં હતો. ઍરપૉર્ટ પર સ્ટાફને ખબર પડતાં જ થોડી પૂછપરછ બાદ એને વળતી ફ્લાઈટમાં મુંબઈ મોકલી દેવામાં આવ્યો.

આ ન્યુઝ વાંચતાં કાનમાં સંતૂરનું મંદ સંગીત સંભળાય છે, વર્તમાનનું દશ્ય ધૂંધળું બને છે ને કટ ટુ ફ્લૅશબૅક. 1973. બાલ્યાવસ્થામાં હું પપ્પા-મમ્મીની આંગળી ઝાલીને એક ફિલ્મ જોવા જાઉં છું. ટાઈટલઃ દો ફૂલ’. હવે પેલા સમાચારને અને મેહમૂદને અને ‘દો ફૂલ’ને શી લેવાદેવા? એ ક્લિયર કરીએ. ફિલ્મમાં કેરળના ગામડાનો શ્રમિક બનેલો મેહમૂદ દરિયાકિનારે નાંગરેલા કાર્ગો શિપમાં માલ ભરતાં ભરતાં પોઢી જાય છે. એની આંખો ખૂલે છે ત્યારે જહાજ કોચીન પહોંચી ગયું હોય છે. હાંફળોફાંફળો થઈ એ જહાજના કપ્તાન પાસે પહોંચે છે. કપ્તાન કહે છે કે “એક કામ કર. આ પૈસા રાખ, આવ્યો જ છે તો કોચીન ફરી આવ. વળતી ખેપમાં તને તારા ગામ પહોંચાડી દઈશું”.

આ ફિલ્મમાં મેહમૂદે ડબલ રોલ ભજવેલાઃ પવિત્ર (પુટ્ટન) અને મણિ. દીવાનબહાદુર અટલ રાય (અશોકકુમાર) મુંબઈના ધનાઢ્ય છે ને મલબાર હિલ વિસ્તારના વૈભવી બંગલામાં પત્ની ને બે પુત્રો સાથે વસે છે. પવિત્ર અથવા પુટ્ટન (મેહમૂદ) અને ચરિત્ર અથવા ચુટ્ટન (વિનોદ મેહરા)… ચુટ્ટન-પુટ્ટન લાડમાં ઊછરેલા, બેજવાબદાર યુવાન છે, જેમને નથી ભણવું નથી બાપાનો ધંધો સંભાળવો. બસ, ખાઈપીને જલસા કરવા છે. બીજી બાજુ, કેરળના ગામડામાં પુટ્ટનનો જૂડવા ભાઈ મણિ (મેહમૂદ) છે.

આ ફિલ્મનું એક ગીત યાદ છે? “મુથ્થુકોડી કવ્વાડી હડા”… આ ગીતથી મેહમૂદ સિંગર બન્યા, પણ એ પાછળ એક ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. મૂળ આ ગીત કિશોરકુમાર ગાવાના હતા, પણ જે દિવસે રેકોર્ડિંગ સ્ટુડિયો બુક થયો એ દિવસે કિશોરકુમારને કંઈ કામ આવી પડતાં સંગીતકાર આર.ડી. બર્મને નક્કી કર્યું કે હમણાં મેહમૂદના અવાજમાં રેકોર્ડ કરી લઈએ, પછી એ ભૂંસીને કિશોરકુમારનું વર્ઝન ઉમેરી દઈશું, પણ કિશોરદાએ જ્યારે ગીત સાંભળ્યું તો એમણે કહ્યુઃ “મેહમૂદે કમાલનું ગાયું છે. જેમ છે તેમ જ રહેવા દો”. સહગાયિકા આશા ભોસલેએ પણ કિશોરદાની વાતમાં સૂર પુરાવ્યો ને આમ રચાઈ ગયું એક અવિસ્મરણીય ગીત. પછી તો એ જ ફિલ્મમાં મેહમૂદે “ઓ બાબા માફ કરો” એ ગીતમાં પણ કિશોરકુમાર-ઉષા મંગેશકર સાથે સૂર પુરાવ્યા…

અહીં સન્મિત્ર અને પ્રકાંડ મ્યુઝિક સ્કોલર જયેશ મહેતા કિશોરકુમારનો આવો જ, પણ રિવર્સ કિસ્સો વર્ણવતાં કહે છેઃ “કિશોરકુમારને ચમકાવતી, 1962માં આવેલી ફિલ્મ ‘હાફ ટિકિટ’નું “આકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા” એ ગીત કિશોરકુમાર અને લતા મંગેશકરના અવાજમાં રેકોર્ડ કરવાનું હતું, પણ લતાદીદી આજે, કાલે કરતાં હતાં. વાત લંબાતી જતી હતી એટલે કિશોરદાએ કહ્યું કે લતાનો ભાગ પણ એ જ ગાઈ લેશે. સલીલદા ડઘાઈ ગયાઃ ક્યાં કિશોર અને ક્યાં લતા? પણ કિશોરકુમાર કૉન્ફિડન્ટ હતા. ગીત રેકોર્ડ થઈ ગયું. જયેશભાઈ ઉમેરે છેઃ “કિશોરકુમાર અને પ્રાણ પર ચિત્રિત થયેલા “આકે સીધી લગી દિલ પે જૈસે કટરિયા”માં કિશોરકુમાર ઘાઘરી-પોલકું પહેરીને પ્રાણ સાથે નાચે છે. પ્રાણનું પ્લેબૅક પણ એમનું ને ફિમેલનો વૉઈસ પણ એમનો જ. યુટ્યૂબ પર છે. પણ હા, જોતાં પહેલાં ખાલી સાંભળજો. પછી જોજો.”

‘દો ફૂલ’ પર પાછા ફરીએ તો, “મુથુકોડી કવાડી હડા”નું પિક્ચરાઈઝેશન પણ ગીત જેટલું જ કમાલનું. હિંદી-તમિળ-મલયામ શબ્દોના મિક્સચર જેવું મજરૂહ સુલતાનપુરી લિખિત આ ગીત કેરળના કોવાલમ્ બીચ અને એની આસપાસ શૂટ થયેલું. ગીતમાં મેહમૂદ-રમા પ્રભા (રુક્મિણી)એ ધમાલમસ્તી જ કરી છે. લુંગીધારી મણિ પ્રેમિકાને ઊંચકીને ખભે બેસાડી દે છે, પછી સમુદ્રમાં લઈ જઈને નાચે છે, સમુદ્રકાંઠા પર તાડનાં વૃક્ષો ફરતે ફુદરડી ફરે છે. બન્ને વચ્ચેનો તાલમેલ પણ ગજબનો દેખાય છે.

મેહમૂદ નિર્મિત ‘દો ફૂલ’ના ડિરેક્ટર હતા એસ. રામનાથન્ જેમણે ‘બૉમ્બે ટુ ગોવા’ ઉપરાંત ‘સબસે બડા રૂપૈયા’, ‘દેવતા’ તથા અમિતાભ બચ્ચનની ‘મહાન’ જેવી ફિલ્મો બનાવી. , દો ફૂલ રિમેક હતી 1967માં આવેલી તમિળ ફિલ્મ ‘અનુબવી રાજા અનુબવી’ની, જેના પરથી કન્નડમાં ‘કિટ્ટુ પુટ્ટુ’ તથા મરાઠીમાં ‘ચંગુ મંગુ’ બની. 1993ની સુપરહિટ ‘આંખે’ (ગોવિંદા-ચંકી પાંડે-કાદર ખાન) ‘દો ફૂલ’થી જ પ્રેરિત હતી.

ચાન્સ મળે તો જોઈ નાખજો ‘દો ફૂલ’ અથવા આપણે વાત કરી તે સોંગ. જલસા પડી જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]