જેસલ તોરલની રિલીઝનાં પચાસ વર્ષ

મનું નામઃ રવીન્દ્ર દવે. હળવદના ઝાલાવાડી બ્રાહ્મણકુટુંબના રવીન્દ્રભાઈનો જન્મ 16 એપ્રિલ, 1919ના મંગળ દિવસે અખંડ ભારતના કરાચીમાં. આઝાદી પહેલાં લાહોરમાં ફિલ્મનો જંગી વેપાર કરતા, ટોચના સર્જક દલસુખ પંચોલી એમના મામા થાય… કાચી વયે દલસુખમામાની નિશ્રામાં ફિલ્મ કરિયરનો  આરંભ કર્યો. રાજ કપૂરની જેમ રવીન્દ્ર દવેએ પહેલી ફિલ્મ ડિરેક્ટ કરી 23 વર્ષની યુવાવયે… પણ આપણે વાત કરવી છે રવીન્દ્રભાઈની એક સીમાચિહ્ન રૂપ ગુજરાતી ફિલ્મની. એ ફિલ્મ એટલે 1971માં આવેલી યુગપ્રવર્તક ‘જેસલ તોરલ’. જો કે આ ફિલ્મનું નિર્માણ કેવા સંજોગમાં થયું એની કથા પરથી એક ઈન્ટરેસ્ટિંગ શૉર્ટ ફિલ્મ બની શકે.

-તો… ‘જેસલ તોરલ’ના સર્જન માટે જવાબદાર હતી એક રિમેક. હા, પુરાણી નીવડેલી ફિલ્મને ફરીથી બનાવવાની આજે ફાટીને ધુમાડે ગયેલી પ્રથા તે વખતે પણ અસ્તિત્વમાં હતી. 1951માં રવીન્દ્રભાઈએ પંચોલી પ્રોડક્શન્સના નેજા હેઠળ બનાવેલી ‘નગીના’ અને એનું મ્યુઝિક હીટ થયેલાં. 1970ના દાયકામાં રવીન્દ્રભાઈએ એની રિમેકની યોજના બનાવી. કલાકારો: સંજય ખાન-લીના ચંદાવરકર-બિપિન ગુપ્તા-કેકે (કૃષ્ણકાંત) વગેરે. ફિલ્મમાં એક નવાસવા યુવાન વિલન હતાઃ ઉપેન્દ્ર ત્રિવેદી… પણ કહે છેને કે દરેક ફિલ્મની એક કુંડળી હોય છે. ‘નગીના’ની કુંડળીમાં કોણ જાણે શું લખાયેલું તે ત્રણ-સાડાત્રણ વર્ષે મહામુશ્કેલીએ પૂરી થઈ ત્યારે રવીન્દ્રભાઈ જેવા કાબેલ સર્જક બધી રીતે તૂટી ગયેલા. ત્યાં સુધી કે ફિલ્મને સેન્સર બોર્ડમાં મોકલી સર્ટિફિકેટ લેવાની હામ પણ ન રહી. આજેય ક્યાંક ટિનના ડબ્બામાં રેડી ફૉર રિલીઝ ‘નગીના’ના રિલ પડ્યા હશે.

કારકિર્દીમાં કદાચ પહેલી વાર આવી સરિયામ નિષ્ફળતા મેળવનારા રવીન્દ્રભાઈને મિત્રોએ સૂચન કર્યું કે એક સસ્તા બજેટની ગુજરાતી ફિલ્મ બનાવવી. ચાલી ગઈ તો જે થોડાઘણા પૈસા મળ્યા એ. ન ચાલી તો ઝાઝું નુકસાન નહીં. આમ સ્ટેજ રચાયું ‘જેસલ તોરલ’ના સર્જનનું. વાર્તા માટે અત્યંત જાણીતી લોકકથા પસંદ કરવામાં આવી. કથાનાયિકા અનુપમા. નાયક એ જ, જે ‘નગીના’માં ખલનાયક હતા: ઉપેન્દ્ર ત્રિવેદી. બાકીના કલાકારોમાં- અરવિંદ ત્રિવેદી-મૂળરાજ રાજડા-ઈંદુમતી રાજડા-જયંત ભટ્ટ-રમેશ મહેતા, વગેરે. દર્શકને હિંદી ફિલ્મ જેવી ફીલ મળે તે માટે કૅમેરાનું સંચાલન સોંપવામાં આવ્યું જાણીતા સિનેમેટોગ્રાફર, રવીન્દ્રભાઈના પીતરાઈ પ્રતાપ દવેને. ફિલ્મને સંગીતથી મઢી અવિનાશ વ્યાસે.

-અને ફિલ્મને અકલ્પનીય સફળતા મળી. રવીન્દ્રભાઈનું ડિરેક્શન, અવિનાશભાઈનાં દિલડોલ સ્વરાંકન, ત્રિવેદી-બ્રધર્સનો અભિનય અને ફર્સ્ટ ગુજરાતી ઈસ્ટમેન કલરની અજાયબીવાળી ‘જેસલ તોરલે’ ગુજરાત રાજ્યના અઢળક અવૉર્ડ જીત્યા. આજે પણ ગુજરાતી ફિલ્મઈતિહાસની વાત નીકળે ત્યારે ‘જેસલ તોરલ’ અને રવીન્દ્ર દવેનાં નામ માનપૂર્વક લેવામાં આવે છે. એ પછી તો રવીન્દ્ર દવે-ઉપેન્દ્ર ત્રિવેદી-અવિનાશ વ્યાસની ત્રિપુટીના નામના રીતસરના સિક્કા પડવા લાગ્યા.

કારકિર્દીના છેલ્લા તબક્કામાં રવીન્દ્રભાઈએ ફરી હિંદી ફિલ્મ ભણી નિશાન તાક્યું. 1980ના દાયકામાં એમણે ‘મેરા પતિ મેરા કાતિલ’ શીર્ષકવાળી એક વાર્તા એમણે રાકેશ રોશનને સંભળાવી, જે એમને ગમી ગઈ. કમનસીબે, રવીન્દ્રભાઈની નાદુરસ્ત તબિયતને લીધે ફિલ્મ પોસ્ટ-પ્રોડક્શન સુધી પણ પહોંચી ન શકી.

-અને ક્લાઈમેક્સ હવે આવે છેઃ રવીન્દ્રભાઈની વાર્તામાં થોડાઘણા સુધારા કરી ઑસ્ટ્રેલિયન મિની સિરીઝ ‘રિટર્ન ટુ એડન’માંથી થોડુંક ઉઠાવી રાકેશ રોશને ‘ખૂન ભરી માઁગ’ બનાવી, જે સુપરહીટ નીવડી.

બૉક્સ

હિંદીમાં આગ્રા રોડ-પોસ્ટ બૉક્સ 999-સટ્ટાબાઝાર-ઘર ઘર કી બાત જેવી અનેક ફિલ્મો બનાવ્યા બાદ નિર્માતા-દિગ્દર્શક રવીન્દ્ર દવેની ગુજરાતી ઈનિંગ્સની ટૉપ ટેન ફિલ્મઃ

1) જેસલ તોરલ

2) રાજા ભરથરી

3) હોથલ પદમણી

4) કુંવરબાઈનું મામેરું

5) શેતલને કાંઠે

6) માલવપતિ મુંજ

7) ભાદર તારાં વહેતાં પાણી

8) સોન કંસારી

9) પાતળી પરમાર

10) સંત સુરદાસ

(કેતન મિસ્ત્રી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]