બોલિવૂડનાં સર્જન-વિસર્જન…

આ લો… ફરી એક વાર સામસામે તલવારો મ્યાનમાંથી નીકળી છે. વાત છે ગયા વર્ષે (2019ના જાન્યુઆરી) ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઑફ ઝાંસી’ની. ફિલ્મના મૂળ ડિરેક્ટર રાધાક્રિશ્નન ઉર્ફે ક્રિશે વ્યથા વ્યક્ત કરી છે કે, ‘લોકો મારું પ્રદાન સાવ ભૂલી જશે એનો મને ડર લાગે છે. મેં આખી ફિલ્મ બનાવી પછી કંગનાએ એમાં પોતાની મેળે આડેધડ ફેરફાર કરી દિગ્દર્શક તરીકે પોતાનું નામ રાખ્યું, જ્યારે મને સહદિગ્દર્શક તરીકે ક્રેડિટ આપી.’ તેલુગુ ફિલ્મની પ્રસિદ્ધ અભિનેત્રી સામંતા અક્કિનેનીના ચૅટ શો ‘સૅમજૅમ’ના એપિસોડમાં ક્રિશે બે વર્ષ પહેલાં શું બનેલું એનું વર્ણન કર્યું છે.

આ એપિસોડ આજે (18 ડિસેમ્બરે) પ્રસારિત થશે. રસ હોય તો આ રહી લિન્કઃ https://www.aha.video/shows

આ પહેલાં કંગનાબહેને ડિરેક્ટર હંસલ મહેતાની ‘સિમરન’માં પટકથા-સંવાદલેખક અપૂર્વ અસરાનીના અમુક ડાયલોગ્સમાં સુધારાવધારા કરી કો-ડાયલોગરાઈટર તરીકે ક્રેડિટ માગીને વિવાદ સર્જેલો.

જી ના, અહીં આપણે વિવાદની વનિતા કંગના રણોટ વિશે વાત નથી કરવી, બલકે થોડા રસપ્રદ કિસ્સા મમળાવવા છે, બોલિવૂડની આવી ટક્કરના. જેમ કે કમલ હાસનની ‘ચાચી 420’નો વિવાદ. 1996માં કમલ હાસને હોલિવૂડની હીટ ‘મિસિસ ડાઉટફાયર’ પરથી તમિળમાં ‘અવ્વઈ શણમુઘી’ નામની ફિલ્મનું નિર્માણ કરેલું. ડિરેક્ટર હતાઃ કે.એસ.રવિકુમાર. એ જ ફિલ્મ હિંદીમાં ‘ચાચી 420’ તરીકે બનાવવાનું નક્કી કરી કમલે દિગ્દર્શનનું સુકાન સોંપ્યું બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર શાંતનુ શેવરેને. કમલ હાસન સિવાય લગભગ બધા કલાકાર હિંદી સિનેઉદ્યોગનાઃ તબુ-અમરીષપુરી-ઓમ પુરી, લગભગ 30 વર્ષ પછી કૅમેરા સામે આવેલા જૉની વૉકર-પરેશ રાવલ-આયેશા જુલ્કા, વગેરે. સંવાદ-ગીત લખ્યાં ગુલઝારસાહેબે. શૂટિંગ શરૂ થયું. પાંચેક દિવસ પછી સમાચાર આવ્યા કે શાંતનુને કાઢી મૂકવામાં આવ્યા છે. હવે ફિલ્મ કમલ પોતે ફિલ્મ ડિરેક્ટ કરશે. બન્ને પક્ષે આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા. શાંતુનુએ ત્યાં સુધી કહ્યું કે ‘મુંબઈ હોત તો મેં કમલને ધિબેડી નાખ્યો હોત. મદ્રાસમાં કમલ વિશે કંઈ બોલાય નહીં.’ તો કમલે કહ્યું કે ‘શાંતનુને કંઈ આવડતું નથી.’ 1997માં ફિલ્મ રિલીઝ થઈ ને સુપરહીટ થઈ.

બોલિવૂડમાં આવી ટક્કર નવીનવાઈની નથી. 2009માં રાજકુમાર હીરાણીની ‘થ્રી ઈડિયટ્સ’ વખતે ચેતન ભગત સાથેનો ઝઘડો જગજાહેર બની ગયેલો. ચેતનની બુક ‘ફાઈવ પૉઈન્ટ સમવન’ પરથી ‘થ્રી ઈડિયટ્સ’ બનાવવાનું નક્કી થયું ત્યારે આપણા અભિજાત જોશીએ ફિલ્મ માટે નવેસરથી કથા-પટકથા આલેખ્યાં, ચેતન ભગત સાથે પ્રોપર કૉન્ટ્રાક્ટ થયો. કરારમાં લખવામાં આવેલું કે ફિલ્મના અંતમાં ચેતન ભગતનું નામ આવશે, પણ રિલીઝ વખતે ચેતને ‘અંચઈ અંચઈ’ની બૂમરાણ મચાવી અને શરૂઆતમાં પોતાનું નામ મૂકવાની માંગ કરી. જો કે સર્જકો કૉન્ટ્રાક્ટને વળગી રહ્યા. પછી ચેતનભાઈ પણ કિસ્સો ભૂલી ગયા.

તો ‘તારે ઝમીં પર’ માટે નિર્માતા-અભિનેતા આમીર ખાન અને દિગ્દર્શક અમોલ ગુપ્તેને ક્રિયેટિવ મતભેદ થયેલા. છેવટે કંટાળીને અમોલ દાદાએ અડધોઅડધ ફિલ્મ ડિરેક્ટ કર્યા બાદ છોડી દીધી ને આમીરે દિગ્દર્શનનાં સુકાન હાથમાં લીધાં. એક ઈન્ટરવ્યુમાં અમોલભાઈએ કહેલું કે ‘હવે એ વિવાદને ગંગાજીમાં પધરાવી જીવનમાં આગળ વધવા માગે છે’.  ભલે, પણ આ કડવો અનુભવ એમની સાથે દિલના છાના ખૂણામાં ધરબાયેલો રહેશે.

એ પહેલાં 2006માં સ્વર્ગસ્થ નાટ્યલેખક-વાર્તાકાર ઉત્તમ ગડા-નસીરુદ્દીન શાહનો ઝઘડો એ હદે પહોંચેલો કે ઉત્તમભાઈએ પ્રેસ કૉન્ફરન્સ બોલાવી લેખક તરીકે પોતાને અન્યાય થયો છે એવું જાહેરમાં કહેલું. નસીરભાઈએ ‘યૂં હોતા તો ક્યાઃ વૉટ ઈફ’ નામની ફિલ્મ ઉત્તમભાઈની વાર્તા પરથી બનાવી, પણ મૂળ વાર્તામાં ધરખમ ફેરફાર કર્યા, જે નૅચરલી, કથાકાર તરીકે ઉત્તમભાઈને મંજૂર નહોતા.

‘ચિત્રલેખા’માં આ વિવાદ વિશે લખ્યું ત્યારે ફિલ્મના મહત્વના કલાકાર પરેશ રાવલે વિવાદ વિશે વધુ બોલવાનું ટાળતાં એક વાક્ય મને કહેલુઃ ‘દોસ્ત, તમારી વાર્તા દિગ્દર્શકના હાથમાં સોંપવી એ દીકરીને વળાવવા જેવું છે. પછી એ ભલી ને એનું સાસરું ભલું.’

લેખક-ડિરેક્ટરની ટક્કરનો તાજો વિવાદ છે ‘રાઝી’નો. ‘કૉલિંગ સેહમત’ નામની હરીન્દર એસ. સિક્કાની સત્યઘટના આધારિત નવલકથા પરથી મેઘના ગુલઝારે 2018માં ‘રાઝી’ બનાવી. એક સમયે ઈન્ડિયન નેવીમાં ફરજ બજાવી ચૂકેલા હરીન્દરસિંહજીએ ફિલ્મ જોઈને કપાળ કૂટ્યું. તાજતેરમાં એમણે કહ્યું કે ‘મેઘનાને ફિલ્મ બનાવવા વાર્તા આપી એ મારી મોટી ભૂલ. એણે પાકિસ્તાનીઓને ખુશ કરવા કથાનક બદલી નાખ્યું. ફિલ્મના અંતમાં ભારતના જાસૂસ તરીકે પાકિસ્તાન ગયેલી સેહમતને (આલિયા ભટ્ટને) ભારે હૈયે, ભારત પાછી ફરતી બતાવવામાં આવી છે. ખરેખર એવું કંઈ નહોતું. સેહમત રાજીખુશીથી, પોતાનું મિશન પૂરું કરીને પાછી ફરેલી.’

ડિયર રીડર, તમને આવા કોઈ કિસ્સા યાદ આવે તો અહીં મમળાવીએ?

(કેતન મિસ્ત્રી)

(બધી તસવીરો પ્રતીકાત્મક છે)