તુલસી ઈસ સંસાર મેં ભાતભાત કે રાવણ…

શ્રીઈઈઈઈઈઈ મત કહો… આ ત્રાડ સંભળાતી ને દર્શકો ખુરશીમાં ટટાર થઈ જતા. ભગવાન રામને કોઈ શ્રીરામ કહેતું ને રાવણ ચીસ પાડતાઃ એને શ્રીઈઈઈઈ ના કહો.

ગયા અઠવાડિયે આ જગ્યાએથી પ્રૉમિસ કરેલું કે આવતા અઠવાડિયે આપણે અરવિંદ ત્રિવેદી અને એમણે ભજવેલા રાવણ વિશે વાત કરીશું. રામાનંદ સાગરની સીમાચિહ્ન રૂપ સિરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને અરવિંદભાઈ અમર થઈ ગયા, બાકી અભિનય ક્ષેત્રે એમનું પ્રદાન આ સિરિયલથી ઘણું વિશેષ હતું. 1938માં ઈંદોરમાં જન્મેલા અરવિંદભાઈએ 5 ઑક્ટોબરે અંતિમ શ્વાસ લીધા. 300થી વધુ ગુજરાતી હિંદી ફિલ્મોમાં કામ કરનારા તથા એક સમયે ગુજરાતી રંગભૂમિ ગજાવનારા અરવિંદભાઈને ઘેર ઘેર જાણીતા કર્યા ટેલિવિઝન પર એમણે સાકાર કરેલા લંકેશના કૅરેક્ટરે…

અરવિંદભાઈ પોતે રામભક્ત હતા, પણ એમણે ભજવેલા પાત્ર રાવણ વિશેનો એમનો અભ્યાસ ગજબનો હતો. આજે એટલે કે દશેરાના સપરમા દિવસે અરવિંદભાઈથી લઈને જાતજાતનાં રાવણ વિશે વાત કરવી છે.

આ માટે આપણે ઘડિયાળના કાંટા ઊંધા ફેરવીને જવું પડશે 2008માં. સ્થળ છેઃ રૅરિટન સેન્ટર નામનું એક ગંજાવર એક્સપો સેન્ટર. નૉર્થ અમેરિકાના ગાર્ડન સિટી તરીકે પ્રખ્યાત એવા ન્યુ જર્સીના આ રૅરિટન સેન્ટરમાં 2006થી યોજાતા કમ્યૂનિટી ઈવેન્ટ ‘ચાલો ગુજરાત’માં અરવિંદ ત્રિવેદી આમંત્રિત છે. જો સ્મૃતિ દગો દેતી ન હોય તો એમનાં પુત્રી સાથે આવેલાં. સંયોગથી હું પણ ત્યાં હાજર. રોજ સવાર-સાંજ હોટેલથી ઉત્સવસ્થળે જતાં, ભોજન વખતે કે હોટેલ પર ચા-પાણી વખતે અરવિંદભાઈનો સત્સંગ થતો. બ્રધર ઉપેન્દ્રભાઈની જેમ જ અરવિંદભાઈનું ગુજરાતી સાહિત્ય, પુરાણ, રંગભૂમિથી લઈને ફિલ્મો એમ વિવિધ વિષયનું જ્ઞાન મારા જેવા જિજ્ઞાસુ પત્રકારને અચંબામાં પાડી દેતું.

એક સવારે નાસ્તાને ન્યાય આપતાં એવી જ એક ઈન્ફૉર્મલ ચર્ચામાં રામાયણ અને લંકેશનો ટોપિક નીકળ્યો ત્યારે એ કહેઃ “આપણે સૌ રાવણને લંકાના રાજા અને સીતાનું હરણ કરી રામના હાથે હણાનાર તરીકે ઓળખીએ છીએ, પણ રાવણ પોતે શિવભક્ત હતો ને વેદોમાં પારંગત હતો. વેદપઠનના ક્રમ, ધન, જટા ઈત્યાદિ પ્રકાર એણે હસ્તગત કરેલા. નિઃસંદેહ, ભારતીય ઈતિહાસનો એ મહાનતમ ખલનાયક હતો, પણ સાથે જ એ સૌથી વિચક્ષણ, બુદ્ધિશાળી દૈત્ય હતો.”

થોડુંક અટકીને એમણે ઉમેર્યુઃ “પ્રકાંડ પંડિત, મહા અહંકારી, વૈભવને ચાહનારો, જાતજાતનાં વરદાનથી પ્રાપ્ત થયેલી અમર્યાદ શક્તિ ધરાવતા રાવણને કેન્દ્રમાં રાખીને કોઈ મૉડર્ન ફિલ્મ બનાવે તો હું વિનામૂલ્યે માર્ગદર્શન આપવા તૈયાર છું…”

એમની આ વાત આજે લગભગ એક દાયકા બાદ અક્ષરસઃ સાચી પડી રહી છે. આજે એકાએક રાવણમાં સાહિત્યકારો, ફિલ્મડિરેક્ટરોને રસ જાગ્યો છે. જેમ કે અંગ્રેજીમાં લખતા આનંદ નીલકાંતન તથા અમીષ રાવણની સાહત્યિક છણાવટ કરતા પુસ્તક લખ્યાં. 2019માં પ્રકાશિત થયેલું અમીશ ત્રિપાઠીનું ‘રાવણઃ ધ એનિમી ઑફ આર્યવ્રત’ બેસ્ટ સેલર સાબિત થયું છે.

તો આવતા શુક્રવારે હાર્દિક ગજ્જરની ‘ભવાઈ’ આવી રહી છે, જેના કેન્દ્રમાં છે રામલીલા અને રાવણ (પ્રતીક ગાંધી) તો અજય દેવગનને લઈને ‘તાનાજી’ જેવી સુપરહિટ ફિલ્મ બનાવનારા ઓમ રાઉત ‘આદિપુરુષ’ સર્જી રહ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત ‘આદિપુરુષ’માં રાવણ બન્યો છે સૈફ અલી ખાન તો રામ બન્યો છે ‘બાહુબલી’ ફેમ પ્રભાસ. આ ફિલ્મ રામાયણના રાવણ વિશેના એક એવા અધ્યાય પર આધારિત છે, નવાઈની વાત એ કે અરવિંદભાઈએ દાયકા પહેલાં અમેરિકામાં જે વાત કહેલી. એ જ વાત આદિપુરુષના ડિરેક્ટર ઓમ રાઉતે હમણાં જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે “એ રાવણના વ્યક્તિત્વની આ જ બાજુ બતાવવાના છે.”

 

અલબત્ત, આ પહેલાં રામાયણ કે રાવણનાં અનેક મૉડર્ન વર્ઝન આવ્યાં જ છે. સુભાષ ઘાઈની ‘ખલનાયક’થી લઈને મણિરત્નમની 2010માં આવેલી ‘રાવણ’, જેમાં સીતા (ઐશ્વર્યા રાય બચ્ચન) પોતાનું હરણ કરનાર રાવણ (અભિષેક બચ્ચન) પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે. તો અર્જુન રામપાલને ચમકાવતી રુદ્રાક્ષ (ડિરેક્ટર મણિશંકર) રાવણના મૃત્યુ પર આધારિત હતી, જેમાં રાવણભક્ત ભૂરિયા (અર્જુન રામપાલ) રાવણના મહાશક્તિશાળી, ચમત્કારિક રુદ્રાક્ષની શોધમાં નીકળે છે.

હાર્દિક ગજ્જરની ‘ભવાઈ’માં એક સંવાદ છે, રાજારામ જોશી એ રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા ઍક્ટરનું નામ છે. એ જ રામલીલામાં સીતામાતાનું પાત્ર ભજવતી અભિનેત્રીના મોંમાં મૂકવામાં આવ્યો છેઃ “ઈસ યુગ મેં સભી રાવણ હૈ, રાજારામ”.

હાલો ત્યારે, સૌને હેપી દશેરા.

(કેતન મિસ્ત્રી)