આલિયાને અભિનયસમ્રાજ્ઞી બનાવતી ગંગુબાઈ…

સંજય લીલા ભણસાલીની ફિલ્મ રિલીઝ થવાની હોય એ સ્પેશિયલી મારા માટે ઘરનો પ્રસંગ જેવી ઘટના છે. એમની બહુચર્ચિત ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ આજે (પચીસ ફેબ્રુઆરીએ) રિલીઝ થઈ છે. પત્રકાર હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઑફ મુંબઈ’ના એક પ્રકરણ ‘ધ મૅટ્રિઆર્ક ઑફ કમાઠીપુરા’ પરથી બનેલી ફિલ્મમાં આલિયા ભટ્ટ ‘હંસ જેવી સફેદ’ સાડીમાં રીતસરની છવાઈ જાય છે. ‘હાઈવે’, ‘ઉડતા પંજાબ’ અને ‘રાઝી’ જેવી ફિલ્મોમાં અભિનયકૌવત બતાવ્યા બાદ એણે પોતાના નોટ સો નાજુક એવા ખભા પર આ ફિલ્મ ઊંચકી છે.

ફિલ્મની પટકથા સંજય લીલા ભણસાલી-ઉત્કર્ષિ વશિષ્ઠે આલેખી છે, સંવાદ પ્રકાશ કાપડિયાના છેઃ
કાઠિયાવાડના બૅરિસ્ટર જગજીવનદાસ કાઠિયાવાડની દીકરી ગંગા (આલિયા ભટ્ટ)ને મુંબઈ જઈને પોતાના મૅટિની આઈડલ દેવ આનંદ સાથે ફિલ્મમાં કામ કરવું છે.

માત્ર સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં જોવા મળે એવો એક ગરબો, જેમાં સૌ નર-નારી જાણે યુનિફૉર્મ પહેરીને આવ્યાં હોય એમ એકસરખાં આભલાં-ભરતકામવાળાં ચણિયા-ચોળી, કેડિયાં-ચોયણા પહેરીને હીંચ લેતાં હોય. આવો એક રાસ સમાપ્ત થતાં જ 16 વર્ષી ગંગાનો પ્રેમી રમણીક એને કહે છે કે “તારું હીરોઈન બનવાનું ગોઠવાઈ ગયું છે”. બન્ને મુંબઈ આવે છે, પણ લાઈટ-કૅમેરા અને ઍક્શનની દુનિયામાં જવાને બદલે રમણીક મુંબઈના બદનામ વિસ્તાર કમાઠીપુરાના એક વેશ્યાલયમાં ગંગાને વેચી મારે છે. ગંગા પરિસ્થિતિ સમજી જાય છે. એને પ્રતીતિ થઈ જાય છે કે હવે આમાંથી નીકળવું મુશ્કેલ છે. દેહવ્યવસાયને સ્વીકારી લઈ ગંગા એક રાતમાં ગંગુ બની જાય છે અને થોડા સમય બાદ ગંગુબાઈ.

કાઠિયાવાડની ધીંગી ધરાના છલોછલ આત્મવિશ્વાસવાળી ગંગુબાઈ વેશ્યાવૃત્તિમાં ધકેલાઈ ગયેલી છોકરીઓને ઉગારવાથી લઈને એમનાં બહેતર જીવન માટે તેમ જ વેશ્યાવ્યવસાયને કાયદેસર માન્યતા આપવા જેવા વિવિધ મુદ્દે લડાઈ લડતી રહે છે, એક તબક્કે એ વડા પ્રધાન જવાહરલાલ નેહરુ આગળ રજૂઆત કરવા ઠેઠ દિલ્હી પણ જાય છે.

ગંગાથી ગંગુ અને ગંગુબાઈ સુધીનો પ્રવાસ સંજયભાઈએ પરદા પર રજૂ કર્યો છે. ગંગુબાઈના જીવનમાં બનેલી ત્રણ-ચાર મહત્વની ઘટનાને નાટકીય બનાવીને રજૂ કરવામાં નાટકીયતા છવાઈ જાય છે, સંવાદોને બદલે ડાયલૉગબાજી વધુ છે, વાર્તા, પાત્રો ઈમોશનલી કનેક્ટ થતાં થતાં રહી જાય છે. બે કલાક ચાલીસ મિનિટ લંબાઈવાળી ફિલ્મ જોયા પછી દિલદિમાગમાં વિચાર-આંદોલન જાગતાં નથી.

1950ના દાયકાનો રેડ લાઈટ તરીકે કુખ્યાત કમાઠીપુરા વિસ્તાર ફિલ્મનું હાર્દ છે અથવા કહો કે આ એરિયા એક મહત્વનું કૅરેક્ટર છે. કમાઠીપુરાના ઈસ્ત્રીટાઈટ સેટ્સ (આર્ટ ડિરેક્ટરઃ પલ્લબ ચંદા)માં ડિટેલિંગ છે. ઑલમોસ્ટ એકસરખાં વસ્ત્રોમાં સજ્જ રસ્તા પર અને મકાનની બારીઓ પાસે ઊભેલી સ્ત્રીઓ, ધોતિયાં, કોટ પહેરીને આમતેમ હરતાફરતા શોખીન પુરુષો (જે શૂટિંગના પાસિંગ શૉટ્સ જેવા વધારે લાગે છે) ‘આલ્ફ્રેડ’, ‘ગુલશન’, ‘રોશન’ ટોકીઝ, ‘ચૌદહવી કા ચાંદ’, ‘મુઘલ-એ-આઝમ’, ‘બરસાત’નાં પોસ્ટર, એ જમાનાની મોટરો, વગેરે એક વાતાવરણ સર્જી આપે છે… અને મારું હૈયું ધબકારા ચૂકી જાય છે એક ફિલ્મપોસ્ટર જોઈને. ફિલ્મનું નામ ‘જહાઝી લૂટેરા’, જે ઍક્ચ્યુઅલી એ જમાનામાં સંજયભાઈના પિતા નવીન ભણસાલીએ પ્રોડ્યુસ કરેલી. જો કે સિનેમેટોગ્રાફર સુદીપ ચેટર્જીના કૅમેરાની કમાલ, એને આર્ટ ડિરેક્શન એક તબક્કે રીપિટેટિવ અને ઓવરડન લાગે છે.

અફલાતૂન આલિયા ઉપરાંત મહેમાન કલાકાર અજય દેવગન (રહીમ લાલાની ભૂમિકામાં), કોઠાની ક્રૂર માલિકણ શીલા માસીની ભૂમિકામાં સીમા પાહવા, ગંગુબાઈની ઑપોનન્ટ રઝિયાબાઈની ભૂમિકામાં વિજય રાઝ, ગંગુબાઈના બ્લાઉઝનું માપ લેતાં લેતાં એના પ્રેમમાં પડી જતા યુવા દરજી અફશાન રઝાકની ભૂમિકામાં શાંતનુ મહેશ્વરી, પત્રકાર બનતો જિમ સરભ, અને સૌથી બેસ્ટ, ગંગુની ટ્રસ્ટેડ, એના રાઈટ હૅન્ડ જેવી કમલીની ભૂમિકામાં ઈન્દિરા તિવારી પરફેક્ટ કાસ્ટિંગ છે.

વિષયને હાથ ધરવા પાછળ સંજયભાઈનું ડેડિકેશન, એમની પેશન, પેઈન્ટિંગ જેવી લાગતી એમણે સર્જેલી કલરફુલ સૃષ્ટિ, રિંગમાસ્ટરની અદાથી  કલાકારો પાસેથી કામ કઢાવવાની કુનેહ એ બધાંને સોમાંથી સો માર્ક્સ આપવા પડે. ફિલ્મ લાંબી હોવા છતાં સતત ઘટના-પ્રસંગ બનતા રહે છે એટલે કંટાળો આવતો નથી.

ફિલ્મનો ઉપાડ મિર્ઝા ગાલિબની ગઝલ “યે ન થી હમારી કિસ્મત” સાથે થાય છે. અને ક્લાઈમેક્સમાં સંવાદ છેઃ (ગંગા) “હીરોઈન બનવા આવેલી, પણ સિનેમા બની ગઈ.” તો આ સિનેમા એની થોડીક  ખામીને નજરઅંદાજ કરીને ખાસ તો સંજય લીલા ભણસાલીના જાદુ માટે નજીકના થિએટરમાં જઈને જોવી.