ફ્રાઈડે ફર્સ્ટ શોઃ સીઝન ટુ

બેએક અઠવાડિયાં પહેલાં 1970ના દાયકામાં સિંગલ સ્ક્રીન થિએટરમાં ફિલ્મો જોવાના અનુભવ વિશે એક પીસ લખેલો. તે વખતે કહેલું કે વાચકોના પ્રતિભાવ મળશે તો આનો બીજો મણકો અથવા સેકન્ડ સીઝન કરીશું. આ રહી એ સેકન્ડ સીઝન તથા વાચકોના પ્રતિભાવ…

જેમ કે જીવનમાં પહેલી ફિલ્મ થિએટરમાં જઈને જોયેલી પહેલી ફિલ્મ, કદાચ, વિનોદ ખન્ના-રાજેશ ખન્ના-આશા પારેખની આન મિલો સજના. તે વખતે અમે મુંબઈના હાર્દ સમા ફૉર્ટ વિસ્તારમાં જનરલ પોસ્ટ ઑફિસની નજીક રહેતા. પપ્પાને શનિવારે હાફ ડે હોય. નમતા બપોરે અમે ગ્રાન્ટ રોડ વિસ્તારમાં આવેલા ‘અપ્સરા’ થિએટરમાં ગયેલા. હકીકતમાં ફિલ્મ એટલે શું, થિએટર એટલે શું, અંદર શું હશે એની મને કંઈ જ ખબર નહોતી. થિએટરમાં પ્રવેશ્યા પછી કોઈ જુદી જ દુનિયામાં આવી ગયાનો ભાસ થયેલો. લાલ કારપેટ પરથી ઢાળ ચડીને ઉપર જવાનું, સેન્ટરમાં ફુવારો, ચકચકિત કાચના શો-કેસ, ફૂડ કાઉન્ટર, વગેરે.

જેમ કે, પછી જ્યારે જ્યારે ફિલ્મ જોવા જતા અને કુટુંબનિયોજનને લગતી દસ્તાવેજી ફિલ્મ કે સમાચાર બતાવતા ત્યારે પપ્પા અમને મજાકમાં કહેતા કે “ઍક્ટર-ઍક્ટ્રેસ તૈયાર થાય છે એટલે આ બતાવે છે.”

જેમ કે, ન્યુસરીલમાં ભારતીય ક્રિકેટરો ઈન્ગ્લેન્ડમાં ટેસ્ટમૅચ સિરીઝ જીતીને આવે તો ‘ફિલ્મ્સ ડિવિઝન’ એ વિશેના પાંચેક મિનિટના સમાચાર બતાવે. કાળા કોટ પહેરીને અજિત વાડેકર, વેંકટ રાઘવન, બિશનસિંહ બેદી કે સુનીલ ગાવસકરને હાથ હલાવતાં હલાવતાં પ્લેનની સીડી ઊતરતા જોવા એ લહાવો હતો. માત્ર અને માત્ર ન્યુઝરીલમાં ક્રિકેટરોના અને મૅચનાં દશ્ય જોવા મળતાં. રેડિયો કોમેન્ટરી હતી, પણ એમાં દશ્યો આપણે કલ્પી લેવાનાં

-અને હવે પ્રતિભાવોઃ

જેમ કે, લલિત લાડે જણાવ્યું કે “મજા આવી. સિરીઝ ચાલુ રાખજો. મુંબઈનો સિનારિયો અમદાવાદ-ગુજરાતથી અલગ હોય. જો કે લેખ સાથે મૂકવામાં આવેલું પાટિયું હરિશ્ચંદ્ર સિનેમાનું નહીં, પણ એકાદ થિમ રેસ્ટોરાંમાં લગાડેલો ડેકો પીસ હશે કેમ કે ત્રણે ફિલ્મો અલગ અલગ દાયકાની છે. વળી પ્રાઈમટાઈમમાં એક જ ફિલ્મ હોય. માત્ર વડોદરા અને મુંબઈમાં મેટિની શો માટે અલગ ફિલ્મ રહેતી.”

જી લલિતભઈ, મને પણ એવું લાગ્યું કે આ ફોટોશૉપની કરામત હશે.

જેમ કે, મેટિનીની વાત નીકળી છે તો એક વાત એ જણાવવાની કે એ જમાનામાં અમારે ત્યાં મેટિની એટલે કે સવારે નવ વાગ્યે રનિંગ ફિલ્મથી સાવ જુદી જ ફિલ્મનો અને તે પણ એક જ શો રાખવાની પ્રણાલી હતી. મેં પોતે મિત્રો સાથે મળીને આવું કરવાની ટ્રાય કરેલી. મુંબઈમાં ગ્રાન્ટ રોડ નજીક હિંદી સિનેમાનું હાર્દ ગણાતા ‘નાઝ સિનેમા’ વિસ્તારમાં ફિલ્મવિતરકોની ઑફિસો હતી. ત્યાં જઈને એક શો માટે ફિલ્મ લેવાની વાટાઘાટ કરવાની. મોટે ભાગે જૂની હિટ ફિલ્મ લેવાની. ટિકિટો વેચાય એ પ્રમાણે નફો-નુકસાન થાય. જો કે છેલ્લી ઘડીએ નુકસાન થશે એવો ધ્રાસકો પડતાં. યોજના પડતી મૂકેલી. ‘બૉમ્બે ટુ ગોવા’નો શો રાખવાના હતા.

જેમ કે, મૂળ અમદાવાદી પણ હાલ ઍટલાન્ટામાં સૅટલ થયેલા નિમિષ સેવકે સંદેશ પાઠવ્યોઃ “વન્ડરફુલ. તમે તો મને મેમરી લેનમાં લઈ ગયા… જેમ કે, અમારા અમદાવાદમાં ‘રૂપમ’ થિએટર હતું. એના સંચાલક બધી ટિકિટો વેચાઈ જાય તો કાળા પાટિયા પર ‘હાઉસફુલ’ને બદલે ‘ભરચક્ક’ લખતા. હજી હમણાં સુધી અમે ગુલાબી-પીળી-લીલી ટિકિટો સાચવી રાખેલી… હવે નથી.”

જેમ કે, દુર્ગેશ મહેતા નામના એક વાચકે જણાવ્યું કે અનેક વાર મોટી (અને ડિસ્ટ્રિબ્યૂટરે જેની પ્રાઈસ ઊંચી રાખી હોય એવી) ફિલ્મોની પ્રિન્ટ બે થિએટરો વહેંચી લેતાં. શોના ટાઈમ એવી રીતે આગળપાછળ રાખે કે એક થિએટરમાં અમુક રીલ પૂરા થાય એટલે માણસ સાઈકલ પર જઈને નજીકના બીજા થિએટરમાં પહોંચાડી આવે. આમાં ક્યારેક પેલો માણસ ટ્રાફિક કે કોઈ કારણસર મોડો પડે તો વણજોઈતો ઈન્ટરવલ પડી જાય.

જેમ કે, મસ્તંમસ્ત માહિતી ઈતિહાસકાર વીરચંદ ધરમશીએ આપી. એમણે કહ્યું કે “આઝાદી પછી મુંબઈમાં કોઈને થિએટર બાંધવાંની પરમિશન મળતી નહીં, કેમ કે સ્ટીલ, સિમેન્ટ, એલ્યુમિનિયમ જેવા રૉ મટીરિયલની અછત હતી, શહેર વિકસી રહ્યું હતું અને થિએટર કંઈ પ્રાયોરિટી નહોતી. અર્થશાસ્ત્રી મનુ સુબેદારના પ્રયાસથી 1947 બાદ એકમાત્ર ‘લિબર્ટી’ થિએટર બંધાયેલું. પરાં વિસ્તારનાં થિએટરો બહુ પાછળથી બંધાયાં.”

જેમ કે, જૂના જમાનાનાં ‘નૉવેલ્ટી’ (જે પછી ‘એક્સલસિયર’ના નામે નવું બંધાયું), ‘એમ્પાયર,’ ‘ઑપેરા હાઉસ’ કે ‘કેપિટલ’ જેવાં થિએટરોમાં નાટકો, બૅલે, સંગીતના પ્રોગ્રામ થતાં. કોટ વિસ્તારનાં બે પ્રતિષ્ઠિત થિએટરમાં ગુજરાતી નાટક થતાં. જેમ કે ‘એમ્પાયર’માં ‘ભતૃહરિ’ માટે જાણીતી એવી ‘મોરબી નાટક મંડળી,’ જ્યારે ‘કેપિટલ’માં ‘ગુજરાતી નાટક મંડળી’નાં નાટક થતાં. 3-4 શોમાં માત્ર ફિલ્મ દેખાડવાનું બહુ પાછળથી શરૂ થયું. ફિલ્મો મોટે ભાગે અંગ્રેજી જે દેખાડવામાં આવતી.

બસ તો, આવી છે સ્મૃતિની સફર. હજી કોઈને કાંઈ સૂઝે તો જણાવજો. ચાલો ત્યારે સૌને દીપાવલી તથા નૂતન વર્ષની અઢળક શુભેચ્છાઓ.