મુરઝાઈ રહ્યો છે સવાસો વર્ષનો મનોરંજન-ઈતિહાસ…

મારી એક ફેવરીટ પ્રવૃત્તિ શું છે, કહું?  જૂની બ્લૅક ઍન્ડ વ્હાઈટ ફિલ્મ જોતાં જોતાં તે સમયનું મુંબઈ, એની પ્રજા, પોશાક, વાહનો, વગેરે બારીકાઈથી નિહાળવાના. મુંબઈના ફૉર્ટમાં આવેલો એક વિસ્તાર એટલે કાલા ઘોડા, જે તમે ઘણી પુરાણી ફિલ્મોમાં કે પ્રત્યક્ષ જોયો હશે. શહેરની શાન ગણાતો આ વિસ્તાર નેશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટ, જહાંગીર આર્ટ ગૅલરી, રિધમ હાઉઝ, બૉમ્બે હાઈ કોર્ટ, ઈરાની હોટેલ આર્મી રેસ્ટોરાં, અને અલબત્ત, એસ્પ્લેનેડ મેન્સનને લીધે પ્રવાસપ્રેમી, ઈતિહાસપ્રેમી પ્રવાસીઓનો પ્રિય વિસ્તાર રહ્યો છે.

હવે આમાં મોજમસ્તીને શું લાગેવળગે? એ સવાલનો જવાબ પછી, પહેલાં આ વાંચોઃ

હેરિટેજ બિલ્ડિંગની યાદીમાં આવતું એસ્પ્લેનેડ મેન્સન આજકાલ સમાચારમાં છે. આ મકાન ગમે ત્યારે પડી શકે છે અને રિપેર પણ થઈ શકે એમ નથી એમ કહીને મ્હાડા (મહારાષ્ટ્ર હાઉઝિંગ ઍન્ડ એરિયા ડેવેલપમેન્ટ)એ બેએક વર્ષ પહેલાં ખાલી કરાવેલું. તે સમયે મકાનમાં આશરે સોએક ભાડવાત હતા. ત્રણેક દિવસ પહેલાં એસ્પ્લેનેડ મેન્સનના માલિક 78 વર્ષી સાદિક અલી નૂરાનીએ કોર્ટને અરજ કરી કે આ મકાન એના મૂળ માલિકને સોંપી દેવામાં આવે કેમ કે અમે કેટલાક ભાડવાત સાથે મળીને પચાસ કરોડ રૂપિયાના ખર્ચે એનું નવીનીકરણ કરવા માગીએ છીએ.

(તસવીર: દીપક ધુરી)

હવે, મોજમસ્તીને લાગેવળગેવાળી વાત. વસ્તુ એવી છે સાહેબ કે એસ્પ્લેનેડ મેન્સન એક જમાનામાં વૈભવશાળી વૉટ્સન’સ હોટેલ’ હતી. 1860ના દાયકામાં ઈન્ગ્લેન્ડના મોટા ગજાના બિઝનેસમેન જૉન એચ. વૉટસને એ બાંધેલી. અને 7 જુલાઈ, 1896ના મંગળ દિવસે એમાં પહેલવહેલી વાર પરદા પર રીતસરની હાલતીચાલતી ફિલ્મ દેખાડવામાં આવેલી. 28 ડિસેમ્બર, 1895ના રોજ પૅરિસના ગ્રાન્ડ કેફેના ભંડકિયામાં લુઈ લુમિયે અને અગસ્તે લુમિયે નામના ભાઈઓએ પોતાની 10 ફિલ્મો દેખાડેલી. લુમિયે ભાઈઓ પાસે એવો કૅમેરા હતો, જેનો જરૂર પડ્યે પ્રોજેક્ટર તરીકે પણ ઉપયોગ કરી શકાય ને પ્રિન્ટર તરીકે પણ. છએક મહિના બાદ લુમિયે ભાઈઓએ 7 જુલાઈ, 1896ના રોજ ‘વૉટ્સન’સ હોટેલ’માં છ ફિલ્મ પ્રદર્શિત કરી. મીન્સ કે, તે દહાડે ભારતીય સિનેમાનો જન્મ થયો એમ કહી શકાય. છએ છ શોને ઘણો સારો પ્રતિસાદ મળેલો. એ રીતે ‘એસ્પ્લેનેડ મેન્સનનું મહત્વ ઐતિહાસિક ગણાય.

દરરોજ સાંજે પ્રદર્શિત થતી લુમિયે બ્રધર્સની ફિલ્મોનાં શીર્ષક જુઓઃ ‘એન્ટ્રી ઑફ સિનેમેટોગ્રાફ,’ ‘અરાઈવલ ઑફ અ ટ્રેન,’ ‘ધ સી બાથ,’ ‘અ ડિમોલિશન,’ ‘લીવિંગ ધ ફૅક્ટરી’ અને, ‘લેડીસ ઍન્ડ સોલ્જર્સ ઑન ટ્રેન.’ ટિકિટની કિંમત હતીઃ એક રૂપિયો. પછી તો, આ ફિલ્મોને ભારતમાં લાવનારા મૂળ ફ્રેન્ચ કૅમેરા ઑપરેટરે ‘નૉવેલ્ટી થિયેટર’ લીઝ પર લીધું ને ત્યાં 24 જેટલી ફિલ્મો દેખાડી.

આ ઐતિહાસિક ઘટનાની એક સચ્ચાઈ એ હતી કે બ્રિટિશકાળની અન્ય હોટેલોની જેમ, ‘વૉટ્સન’સ હોટેલ’ ઑન્લી ફૉર યુરોપિયન હોટેલ નહોતી એટલે અનેક ભારતીયો આ ફિલ્મો જોવા ગયેલા, જેમાંના એક હતા હરીશ્ચંદ્ર સખારામ ભાટવડેકર અથવા સાવે દાદા. એ તો એટલા પ્રભાવિત થયા કે એમણે આવો સેમ કૅમેરા ઈન્ગ્લેન્ડથી મગાવીને 1899માં ‘ધ રેસલર્સ’ નામની ફિલ્મ શૂટ કરી.

(તસવીર: દીપક ધુરી)

બાકી ઈતિહાસ.

તો મૂળ વાત તે એ કે આ ઐતિહાસિક ‘વૉટ્સન’સ હોટેલ’માંથી બનેલું આશરે 157 વર્ષ પુરાણું ‘એસ્પ્લેનેડ મેન્સન’ આજે ખસ્તા હાલતમાં છે. આશા રાખીએ કે આનો ઝટ નિવેડો આવી જાય ને એ પહેલાં જેવું મજબૂત બની હજુ વર્ષોનાં વર્ષો અડીખમ ઊભું રહે.

તા.ક. ગયા અઠવાડિયે મેરી જાન જૂન કા મહિનાવાળા લેખનો પ્રતિભાવ આપતાં વર્લ્ડફેમસ મન્નુ શેખચલ્લી એટલે કે લલિત લાડે મારો કાન આમળતાં કહ્યું કે પુકાર નામના પિક્ચરમાં અમિતાભ બચ્ચન તૂ મૈકે મત જઈઓ સોંગમાં આખું કેલેન્ડર ગણાવે છે એ કેમ ચૂકી ગયો? તો સદરહૂ બાબત લલિતભૈને જણાવવાનું કે સૉરી અને થૅન્ક્સ લેખ વાંચીને પ્રતિસાદ આપવા બદલ… હવેથી વધુ ચીવટ રાખીશ. કોલમ વાંચતા રહેજો ને રાજી રહેજો.

(કેતન મિસ્ત્રી)