સેમ ટુ સેમ, પણ ડિફરન્ટ?

એક સવાલઃ ધારો કે કોઈ એક ભાષામાં સર્જાયેલી અને નીવડેલી ફિલ્મ (કે નવલકથા કે નાટક) બીજી કોઈ ભાષામાં બને તો મૂળ કૃતિના સર્જકે જ એ બનાવવી કે બીજા કોઈએ? હવે, નવલકથામાં તો આ પોસિબલ નથી, કેમ કે લેખકને એ ભાષા આવડતી ન હોય, પણ રૂપેરી પરદા પરની ભાષા તો અખિલ બ્રહ્માંડમાં લગભગ એક જ હોય. બીજો સર્જક સર્જન કરે તો સરખામણીનું પણ જોખમ રહેવાનું. બન્ને કૃતિ જોનારા (કે વાંચનારા) તરત તૂટી પડેઃ હાય હાય, ઓરિજિનલ કેટલી બેસ્ટ હતી, અને આ તો જો. આણે શું કરી નાખ્યું?

આપણે ફિલ્મની જ વાત કરીએઃ વર્ષો પહેલાં દક્ષિણના દિગ્ગજ સર્જક મણિરત્નમની ‘નાયકન્’ પરથી ફિરોઝ ખાને હિંદીમાં ‘દયાવાન’ બનાવેલી, જે જોઈને કપાળ કૂટતાં મણિરત્નમે નાયકનના હીરો કમલ હસનને એટલું જ કહ્યું કે “આ લોકો (હિંદીવાળા) મૂળ મુદ્દો જ ચૂકી ગયા.” તો મુંબઈનાં સુનીલ સુકઠણકર-સુમિત્રા ભાવેએ હૃદયસ્પર્શી મરાઠી ફિલ્મ ‘દોઘી’ (બે બહેન)  બનાવેલી, જેના પરથી યશરાજે રાની મુખર્જીને લઈને ‘લાગા ચુનરી મેં દાગ’ બનાવેલી. બન્ને મૂળ સર્જકોએ પોતાની કૃતિની અવદશા થયેલી જોઈને કપાળે કુઠારાઘાત કરેલો.

આજે, 18 નવેબરે મલયાલમ્ સર્જક જિતુ જૉસેફની ‘દ્રશ્યમ્ – 2′ હિંદીમાં રિલીઝ થઈ. પહેલી ‘દ્રશ્યમ્’ પણ મૂળ તો એમણે જ લખેલી ને ડિરેક્ટ કરેલી. હિંદી ‘દ્રશ્યમ્’ 2015માં નિશિકાંત કામતે ડિરેક્ટ કરેલી, જે સરસમજાની સૌને ગમી જાય એવી રિમેક હતી. હવે બીજી ડિરેક્ટ કરી છે અભિષેક પાઠકે, જે ‘દ્રશ્યમ’ના સહનિર્માતા કુમાર મંગત પાઠકના પુત્ર થાય અને જે આ પહેલાં યુવાવસ્થામાં ટાલ પડી જવાના વિષય પર ‘ઉજડા ચમન’ બનાવી ચૂક્યા છે.

હવે, પહેલી ફિલ્મ ડિરેક્ટ કરનાર નિશિકાંત કામત હયાત હોત તો એમણે જ આ પાર્ટ ટુ ડિરેક્ટ કરી હોત. ભાઈ, વેવારિક વાત છે, પણ ગયા વર્ષે એમનું અકાળ અવસાન થઈ ગયું એટલે…

હમણાં ભાઈ અભિષેક પાઠકને સવાલ થયો કે તમને એમ ન થયું કે હવે નિશિકાંતજી આપણી વચ્ચે નથી તો મૂળ મલયાલમ્ ફિલ્મના ડિરેક્ટરને જ હિંદીમાં બનાવવાનું કહીએ?

અભિષેક ઉવાચઃ “અમને લાગ્યું તો ખરું, પરંતુ આ વાર્તા માટે મારો એક જુદો દષ્ટિકોણ છે. જુઓ, ગયા વર્ષે કોચીમાં અમે પહેલી વાર મલયાલમ્ ‘દ્રશ્યમ્-ટુ’ જોઈ ત્યારે પ્રોડ્યુસર તરીકે જોયેલી. પછી જ્યારે ડિરેક્ટ કરવાનો મોકો મળ્યો ત્યારે નક્કી કર્યું કે હું સીધેસીધી કૉપી નહીં કરું. મારું પોતાનું કંઈ ઉમેરીશ. તે પછી શું ઉમેરવું એ નક્કી કરીને નવેસરથી વાર્તા લખવી શરૂ કરી. એક ઉદાહરણ આપું તો, અક્ષય ખન્નાનું પાત્ર મેં નવેસરથી લખ્યું, જે મૂળ ફિલ્મમાં છે જ નહીં. મલયાલમ ફિલ્મ કરતાં અમારી સિક્વંસીસ, મૂડ સાવ જુદાં છે. હા, વાર્તાનું હાર્દ મૂળ છે એ જ રાખ્યું છે. આનાથી બનશે એવું કે ઓટીટી પર જેમણે ઓરિજિનલ ફિલ્મ જોઈ છે એમને પણ અમારી ફિલ્મ જકડી રાખશે.”

પહેલી અને બીજી ઓરિજિનલ ‘દ્રશ્યમ’માં જ્યૉર્જ કુટ્ટી (મોહનલાલ) અને એના પરિવારનો સંઘર્ષ બતાવવામાં આવ્યો છે. પોલીસ મહાનિરીક્ષકના દીકરા સૅમના ગુમ થવા બાદ શંકાના કૂંડાળામાં આવી જાય છે. હિંદીમાં જ્યૉર્જ કુટ્ટી બની ગયો વિજય સાળગાવકર (અજય દેવગન) જ્યારે પોલીસ મહાનિરીક્ષક છે ગોવાની આઈજી મીરા દેશમુખ (તબુ). આ બન્ને બીજી ‘દ્રશ્યમ’માં જોવા મળશે. બોનસમાં આ વખતે અક્ષય ખન્ના છે. હા ભઈ હા, ઈન્સ્પેક્ટર ગાયતોંડે પણ ખરો જ.

અભિષેક પાઠક કહે છે કે નિઃશંક જિતુ જૉસેફ ઉમદા સર્જક છે, એણે કમાલની ફિલ્મ બનાવી છે, પણ જો હિંદીનાય એ જ ડિરેક્ટર હોત તો કાર્બન કૉપી જેવી ફિલ્મ બની જાત.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]