ચઢાવ્યા પાસ જેવી દસવીં…

સશક્ત અભિનય તથા સારા હેતુસર, પણ અધકચરા લેખનથી લડખડાઈ ગયેલી ફિલ્મનું વધુ એક ઉદાહરણ આ અઠવાડિયે સામે આવ્યું છેઃ ‘નેટફ્લિક્સ’ પર રિલીઝ થયેલી ‘દસવીં’. વિવિધ રાજકારણીઓથી પ્રેરિત ‘દસવીં’ જોતાં ક્યારેક દર્શકને ઓમપ્રકાશ ચૌટાલા યાદ આવી જશે તો ક્યારેક લાલુ પ્રસાદ યાદવ તો ક્યારેક રાબડી દેવી… દિગ્દર્શક તુષાર જલોટાએ લેખક જોડી (સુરેશ નાયર-રિતેશ શાહ) સાથે મળીને વાર્તાની પૃષ્ઠભૂ હરિયાણા રાખી, 3-4 રિયલ પોલિટિશિયનની જિંદગાનીમાંથી થોડું થોડું લઈને એક નવી કહાણી રચી કાઢી. ગુજરાતી ટીવી-ચેનલોનો પ્રિય તકિયાકલામ વાપરીને કહીએ તો, “બતાવી દઈએ કે ‘દસવીં’ના કો-રાઈટર છે જાણીતા હિંદી વ્યંગકવિ તથા સોશિયલ મિડિયા પર પ્રખ્યાત એવા ડૉ. કુમાર વિશ્વાસ.”

દિગ્દર્શક તથા ત્રણ રાઈટર એમ ચાર જણે મળીને કહેલી કથાના કેન્દ્રમાં છે એક અભણ રાજકારણી, જે જેલમાં જઈને ભણતરનું મહત્વ સમજે છે અને (ફિલ્મ દ્વારા) સમજાવે છેઃ

હરિત પ્રદેશ રાજ્યના જાટ મુખ્ય મંત્રી ગંગારામ ચૌધરી (અભિષેક બચ્ચન), જે અંગૂઠાછાપ હોવા છતાં જાતિની રાજનીતિ કરીને ખુરશી ટકાવી રાખવામાં ઉસ્તાદ છે. કાળક્રમે ગંગારામ એક કૌભાંડમાં ફસાઈ જાય છે, પણ જેલ જતાં પહેલાં પત્ની વિમલા (નિમ્રત કૌર)ને ગાદી સોંપતા જાય છે. જેલમાં ગંગારામનો સામનો કર્તવ્યનિષ્ઠ પુલીસ અફ્સર જ્યોતિ દેસવાલ (યામી ગૌતમ) સાથે થાય છે, જે ગંગારામને અભણ, ગામડિયો ગણી, એની પાસે મજૂરી કરાવે છે. જેલમાં ગંગારામ નક્કી કરે છે કે હવે તો બસ, “દસવીં પાસ નહીં કરુંગા તો દોબારા સીએમ કી કુર્સી પર નહીં બૈઠૂંગા.”

એ પછીની વાર્તા ગંગારામના દસમું પાસ કરવાના પ્રયાસની આસપાસ ફરે છે અને એ પ્રયાસોમાંથી હાસ્ય નિષ્પન્ન કરવાના પ્રયાસ સર્જકે કર્યા છે, જેમાં અમુક અંશે એ સફળ થયા છે. પ્રોબ્લેમ એ છે કે પોતે એક હળવીફૂલ ફિલ્મ બનાવી રહ્યા છે એ વાતે સર્જક એટલા સિરિયસ થઈ ગયા છે કે ફિલ્મ અચાનક સિરિયસ લાગવા માંડે છે, જેને લીધે ફિલ્મ બનાવવા પાછળના એમના આશય વિશે એ દ્વિધામાં હોય એવું લાગ્યા વગર રહે નહીં.

અભિષેક-નિમ્રત અને યામી ત્રણેવ કલાકારોએ સરસ કામ કર્યું છે, કમનસીબે એમને બહેતર સ્ક્રિપ્ટ મળવી જોઈતી હતી. અભિષેકની વાત કરીએ તો, ઓટીટી પર ‘ધ બિગ બુલ’ બાદ રિલીઝ થયેલી આ એની આ બીજી ફિલ્મ છે અને એણે કિરદાર બખૂબી નિભાવ્યું છે. સત્તાનો મદ એક ગૃહિણીમાં કેવું પરિવર્તન લાવી દે છે એ નિમ્રત કૌરે આબેહૂબ રજૂ કર્યું છે. યામી ગૌતમ પણ સરસ. અને હા, સચીન-જિગરને કેમ ભુલાય વિષય-કથાને અનુરૂપ મ્યુઝિક.

‘દસવીં’ની સરખામણી હુમા કુરેશી-સોહમ શાહના વેબશો ‘મહારાની’ સાથે અવશ્ય થશે. તો અમુક દર્શકોને ફિલ્મના નિમાતા ‘મૅડૉક ફિલ્મ્સ’ની આ પહેલાંની ‘હિંદી મિડિયમ’ યાદ આવી જશે.

તો શું કરવું? ફિલ્મ જોવી કે નહીં?

ઓકે, ‘દસવીં’ સદંતર ખરાબ ફિલ્મ હરગિજ નથી. એની પોતાની મોમેન્ટસ છે. અને જુઓ, ફિલ્મ જોતી વખતે બહુ મગજ કસતા ન હો કે લોજિકબોજિકની જફા કરતા ન હો અને કોઈ પાત્ર (ગંગારામ) હૃદય પાસે હાથ મૂકીને કહે કે “મારા લીવરમાં દુખાવો છે” તથા અંગ્રેજી વાક્ય “રણવીર લવ્સ દીપિકા” શીખતાં શીખતાં ગંગારામ કહે કે “એવરીબડી લવ્સ દીપિકા” જેવા સંવાદોથી હસવું આવતું હોય, તો ‘દસવીં’ જોઈ કાઢજો.