કૂલી નંબર વનઃ ઓવરઍક્ટિંગનો બોજ!

જે  ખ્રિસ્તીલોકના પવિત્ર તહેવારે, પચીસ ડિસેમ્બરે, ‘અમેઝોન પ્રાઈમ’ પર ‘કૂલી નંબર વન’ રિલીઝ થઈ. ફિલ્મ-એડિટરમાંથી ડિરેક્ટર બનેલા ડેવિડ ધવનની આ 45મી ફિલ્મ છે. નવાઈ એ લાગે કે કારકિર્દીના આવા એક માઈલસ્ટોન માટે એ કોઈ તાજી, મૌલિક વાર્તા પરથી ફિલ્મ બનાવવાને બદલે બેટા વરુણને લઈને, 1995ની પોતાની જ ફિલ્મ રિબૂટ કરે છે. એ 1995, જેમાં ‘દિલવાલે દુલ્હનિયા’ અને ‘રંગીલા’ જેવી ફિલ્મો આવેલી. ઓક્કે, એવું પણ નથી કે ગોવિંદા-કરિશ્મા કપૂર-કાદર ખાનવાળી ‘કૂલી નંબર વન’, જેને સંગીતથી સજાવેલી આનંદ મિલિંદે, એ ઓરિજિનલ હતી. એ વળી 1993માં આવેલી તમિળ ફિલ્મ ‘ચિન્ના મપિલ્લઈ’ પરથી સર્જાયેલી. મતલબ, 1993માં આવેલી એક તમિળ સુપરહીટ ફિલ્મનું રિસાઈક્લિંગ 2020માં કરવામાં આવે છે. કમૉન, ડેવિડભાઈ.

ઑલરાઈટ ધેન, ગોવિંદા-કરિશ્મા-કાદર ખાનની જગ્યાએ વરુણ-સારા અલી ખાન-પરેશ રાવલ છે. વાર્તા એ જ છેઃ મસ્તમજાની લાઈફ જીવતો એક કૂલી અમીર છોકરીના પ્રેમમાં પડે છે, પણ એના બાપાને દીકરી માટે રાજકુમારથી ઓછો દામાદ ચાલે એમ નથી. એટલે કૂલી વિચારે છે કે તો પછી હીરોઈન સાથે પ્રેમ-નાચના-ગાના-શાદી કેવી રીતે પોસિબલ બને એટલે એ સુપર રીચ હોવાનો ડોળ કરી બાપાને ગંડાવે છે…

ડેવિડ ધવને આ વાર્તા યાદ રાખી, પણ એ ભૂલી ગયા કે છેલ્લાં પચીસ વર્ષમાં પ્રેક્ષકનો ટેસ્ટ, મનોરંજન મેળવવાનાં માધ્યમ… આ બધું ધરમૂળથી બદલાઈ ગયું છે. ઓરિજિનલ ફિલ્મમાં ગોવિંદા ગામમાં સિમેન્ટ ફૅક્ટરી સ્થાપવાનો ડોળ કરે છે, કરિશ્મા ચણિયાચોળી પહેરીને દોડતીકૂદતી ગામડાની છોરી હતી, જ્યારે અહીં ઓવરઍક્ટિંગની હોલસેલ વખાર જેવો વરુણ ધવન એક પોર્ટ સ્થાપવાનું ડીંડવાણું હાંકે છે, ગામને બદલે ગોવા છે અને ચણિયાચોળીની જગ્યાએ સારા અલીના તન પર વેસ્ટર્ન વસ્ત્ર છે. અર્થાત, મૂળ ફિલ્મની વાર્તામાં કોઈ ફેરફાર નહીં, કોઈ સરપ્રાઈઝ નહીં, ખાલી હીરો-હીરોઈનનાં કપડાં, શહેર ને પાત્રોનાં નામ બદલી કાઢ્યાં: ગામના ધનાઢ્ય જમીનદાર શેઠ હોશિયારચંદને બદલે અહીં ગોવામાં હોટેલબિઝનેસ ધરાવતો જેફ્રી રોઝારિયો (પરેશભાઈ) છે એટલે આવી ગયું નાવીન્ય. લગ્ન કરાવી આપતા શાદીરામ ઘરજોડે (સદાશિવ અમરાપુરકર)ને બદલે અહીં જયકિશન (જાવેદ જાફરી) છે, જે રેલવે પોર્ટર રાજુને કુંવર પ્રતાપ સિંહ બનાવી જેફ્રીની દીકરી સાથે લગ્ન કરાવે છે.

શા માટે આ રિમેક નક્કામી છે એનું એક ઉદાહરણઃ મૂળ ફિલ્મ જ્યારે બનેલી ત્યારે ગૂગલ હજુ નવું નવું હતુ, સ્માર્ટ ફોન આવ્યા નહોતા. 2020માં ડેવિડ ધવનનાં બધાં કેરેક્ટર સ્માર્ટફોન વાપરે છે, પણ હરામ બરોબર જો કોઈ ગૂગલ-બૂગલ-ટ્રુકૉલર કે સોશિયલ મિડિયા ચેક કરે કે કુંવર પ્રતાપ સિંહ હોવાનો દાવો કરતો આ પ્રિન્સ ખરેખર પ્રિન્સ છે કે?

ફિલ્મમાં સાહિલ વૈદ-શિખા તલસાણિયા-મનોજ જોશી-અનિલ ધવન-ભારતી આચરેકર-જાવેદ જાફરી-રાજપાલ યાદવ, વગેરે છે. અને “તેરી માઁ કા ઘોસલા” ટાઈપ સંવાદો ફરહાદ સામજીએ લખ્યા છે.

એક ઈન્ટવ્યૂમાં સારા અલીએ પ્રેક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરી છે કે ઓરિજિનલ સાથે અમારી કમ્પેરિઝન ન કરશો. સારાબહેનને (અને ડેવિડભાઈને) એટલું કહેવાનું કે તો ઓરિજિનલને ઓરિજનલ જ રહેવા દેને, બહેન! (અને ડેવિડભાઈ). શું કામ આવી નબળી કૉપી અમારા માથે મારીને અમને કમ્પેરિઝન કરવા પ્રેરો છો?

અંતે, છેલ્લા થોડા સમયથી એક રિવાજ ચાલ્યો છે. નવી ફિલ્મ વિશે લખતી વખતે અમુક લોકો લખી કાઢે છેઃ “યે તો માસ એન્ટરટેનર હૈ”… આ “માસ એન્ટરટેનર” શબ્દસંજ્ઞા વાપરી વાપરીને સમીક્ષકોએ કંઈકેટલી વાહિયાત ફિલ્મોને ફટવી મારી છે. એક જમાનામાં સમીક્ષક કહેતા કે “આગલી હરોળના પ્રેક્ષકને ગમી જાય એવી”. કમનસીબે, વરુણ ધવન-સારા અલી ખાનની ઓવરઍક્ટિંગવાળી, વાસી વાર્તા અને બેહૂદા સંવાદવાળી આ રિમેક કોઈ બી હરોળના પ્રેક્ષકને રીઝવે એવી નથી. સૉરી, બેટર લક નેક્સ્ટ ટાઈમ, મિસ્ટર ડેવિડ. મેરી ક્રિસમસ ઍન્ડ હેપી ન્યૂ યર.

(કેતન મિસ્ત્રી)

(તસવીરો પ્રતીકાત્મક છે)