…જાણે ’83’નું રીપીટ ટેલિકાસ્ટ!

કમાલની એ સાંજ હતી. દિવસ પણ અને તારીખ પણ કમાલનાં. પચીસ જૂન.

39 વર્ષ પહેલાં આ જ દિવસે કપિલ દેવ અને એમની ટીમે બબ્બે વાર ચૅમ્પિયન રહેલી વેસ્ટ ઈન્ડીઝની ટીમને ધૂળ ચાટતી કરી પ્રુડેન્શિયલ વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ જીતી લીધો હતો. શનિવાર પચીસ જૂન, 2022ની સમી સાંજે મુંબઈમાં એ હિસ્ટોરિકલ વિજયની ઍનિવર્સરી ઊજવવામાં આવી, જેમાં ઉપસ્થિત હતા કપિલ દેવ અને એ વખતની આખી ટીમ. આ અવસરે ‘૧૯૮૩ ક્રિકેટ વર્લ્ડ કપ ઓપસ’ શીર્ષકવાળી કૉફી ટેબલ બુકનો લોકાર્પણવિધિ પણ કરવામાં આવ્યો. ફિન-ટેક કંપની ‘પેમેન્ટઝ’ના સહયોગથી તૈયાર થયેલા આ દળદાર પુસ્તકનું વજન ૨૫ કિલો છે… અને એની માત્ર ૧૯૮૩ નકલ જ બહાર પાડવામાં આવી છે.

(પચીસ કિલોનો દળદાર ઈતિહાસ)

તમને થશે કે આ વળી ‘મોજમસ્તી…’માં ક્રિકેટ?

કારણ નંબર એકઃ આપણા દેશમાં ફિલ્મ અને ક્રિકેટ બન્ને સાથે સાથે જાય છે.

કારણ નંબર બેઃ આમાં ફિલ્મની બી વાત છે.

આપણે ફિલ્મની વાત કરીએઃ આ ઐતિહાસિક વિજય પર બનેલી ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મઃ ‘83.’ ડિરેક્ટર કબીર ખાન પણ એ સમી સાંજે ત્યાં હાજર હતા અને હતા 1983ની જીત વખતના આપણા મૅનેજર પીઆર માનસિં. એ પીઆર માનસિંહ, જેમની ભૂમિકા પંકજ ત્રિપાઠીએ ભજવી છે. આ તક ઝડપી લેતાં મેં માનસિંહ સાહેબને અને શ્રીકાંતને, બન્નેને એકસાથે પૂછ્યું કે “કપિલ દેવે 175 રન ફટકાર્યા તે વખતે મૅનેજર સાહેબે કોઈને પોતાની જગ્યા પરથી ખસવાની મંજૂરી નહોતી એવો એક સીન છે. આવું ખરેખર બનેલું?”

(ક્રિશ્નામાચારી શ્રીકાંત)

તો શ્રીકાંત કહેઃ “બિલકુલ. એમ જ બનેલું. હું ધડાધડ સિગારેટ ફૂંકતો મારી પત્ની વિદ્યા સાથે કપિલ પાજીની બેટિંગ જોતો હતો. ઠંડીને લીધે કે કેમ મને અચાનક જોરદાર સુસુ લાગી. હું ઊભો થવા ગયો ત્યાં માનસિંહ સરે ડોળા કકડાવીને કહ્યું કે, ત્યાં જ બેસી રહે. બહુ લાગી હોય તો અહીં જ કરી લે, પણ જગ્યા બદલવાની નહીં… ઘણાને એવું હોય છેને, એક ટશન, યૂ સી. પલાંઠી ખોલી નાખશે તો પેલો આઉટ થઈ જશે, એવું. જેવી બેટિંગ પૂરી થઈ કે દોડ્યો હું વૉશરૂમમાં.”

ઑલરાઈટ, ‘83’ ચાલવી જોઈએ એટલી ચાલી નહીં, પણ મારી દષ્ટિએ આ ફિલ્મનું સૌથી મોટું કોન્ટ્રિબ્યૂશન એ કે આજની તથા આવનારી જનરેશન માટે એ પ્રેરણા રૂપ બનશે, એમને ખબર પડશે કે ટાંચાં સાધનો અને અભાવમાં આપણે આ સિદ્ધિ હાંસલ કરેલી.

(કબીર ખાન-મોહીન્દર અમરનાથ)

-અને કબીર ખાને જે રીતે આખી ટીમ તથા એની આસપાસની મેજિકલ મૉમેન્ટસ રૂપેરી પરદા પર રજૂ કરી છે એની ઝાંખી મને આ કાર્યક્રમમાં જોવા મળી. આખી ટીમે મંચ પર એકબીજા સાથે ઠિઠૌલી કરી, એકમેકની ખિંચાઈ કરી. સુનીલ ગાવસકર અને રવિ શાસ્ત્રી, જો કે, સદેહે નરીમન પૉઈન્ટની ટ્રાઈટન્ટ હોટેલમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા, પણ વિડિયો કૉલથી જોડાઈને ટીમમેમ્બરોની પોલ ખોલી. મને એમનું, એમના પરિવારોનું બૉન્ડિંગ સ્પર્શી ગયું. ઘણા ત્યાં સપરિવાર ઉપસ્થિત હતા. કપિલનાં પત્ની રોમી દેવ તથા પુત્રી અમિયા પણ હાજર હતાં. અમિયાએ ’83’ના સર્જનમાં મહત્વનો ફાળો આપ્યો છે.

(1983ની ટીમના મૅનેજર પીઆર માનસિંહ)

‘સેલિબ્રેટિંગ ધ લેજન્ડ્સ’ નામના આ કાર્યક્રમમાં ગયા વર્ષે અકાળે અવસાન પામેલા ક્રિકેટર યશપાલ શર્માને વિશેષ અંજલિ આપવામાં આવી, એમનાં પત્ની રિતુ શર્માની ઉપસ્થિતિમાં.

ઓવરઑલ, એક રોમાંચક, ઉતાર-ચઢાવવાળી મૅચ જોયાનો અનુભવ.

(તસવીરોઃ દીપક ધૂરી)