ઈત્તા સા ચાંદ કા ટુકડા…

ભઈ, એક જમાનો હતો જ્યારે પ્રેમિકા એને ‘હાટું પાટણથી પટોળાં’ લાવવાની ડિમાન્ડ કરતી. એથીયે પહેલાં એક ગૃહિણીને અર્જન્ટ ચંદનહાર જોઈતો હતો (‘ઝટ જાઓ ચંદનહાર લાવો’) પરંતુ આજકાલ સોશિયલ મિડિયા પર એક વિડિયો ક્લિપ ફરી રહી છે, જેમાં સુખી ઘરની એક જુવાન કન્યા પોતાના પ્રેમીને #ચાંદ કા ટુકડા ચૅલેન્જ આપે છે. આવીબધી ચૅલેન્જ વિશે તો ખબર છેને તમને? કોઈ લલ્લુપંજુ લખી કાઢે કે આજે #સાડીચૅલેન્જ એટલે બહેનોમાં સાડી પહેરેલા પોતાના ફોટા સોશિયલ મિડિયા પર મૂકવાની હોડ લાગે… કોઈ ઊઠીને કહે કે #બ્લુચૅલેન્જ એટલે બધા ભૂરા ને ભૂરી બ્લુ કપડાં પહેરેલાં ફોટાના ખડકલા કરી દે.

પેલી વિડિયો ક્લિપની વાત કરીએ તો, એમાં પ્રેમિકા ‘મારે હાટું ચંદ્રમાનો એક ટુકડો લાવ જોઉં’ એવી ડિમાન્ડ કરે છે… અને તમે શું માનો છો? પેલો મનનો માણીગર આવી ડિમાન્ડને હસી કાઢે છે એમ? ના, એ તો પ્રેમિકાનું મન જીતવા આકાશમાં દોરડું ફેંકી પૂર્ણ કળાએ ખીલેલા ચંદ્રમાનો એક ટુકડો બંગલાના ડ્રૉઈંગ રૂમમાં લાવીને જ જંપે છે. લિટરલી. કોઈ અતિશયોક્તિ નહીં.

આ સીન, ‘યે જાદુ હૈ જિન કા નામની સિરિયલનો છે, જે વૉટ્સઍપથી લઈને ફેસબુક ને ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ પર વાઈરલ થયો. આ બધું શું ચાલી રહ્યું છે એ જાણવા એક ટીવીરાઈટર સાથે આ વિશે વાત થઈ તો એ કહેઃ “આજે સિરિયલલેખકો-દિગ્દર્શકો સામે નિર્માતાની ચૅલેન્જ હોય છે કે આપડી સિરિયલના મિનિમમ્મ 2000 એપિસોડ્સ તો થવા જ જોઈએ. હવે, ક્યાંથી કાઢવા આટલા બધા પ્રસંગ-વાર્તા-ટ્વિસ્ટ ઍન્ડ ટર્ન? એટલે પછી ઘુસાડે વાર્તામાં નાગણ બની જતી હીરોઈન, ગોરીલાના પ્યારમાં પડતી કન્યા (થપકી), માખી બની જતી નાયિકા (સસુરાલ સિમર કા) વગેરે.”

આવાં તો અનેક કોમિક સીન્સ (જે એના સર્જકો માટે સિરિયસ સીન્સ છે) આપણા ટીવીશોમાં જોવા મળે છેઃ ‘ઈશ્ક મેં મરજાવાં-ટુ’ નામની એક સિરિયલમાં અભિનેત્રી હેલી શાહને બેભાન બનીને ત્યાં પડેલી એક સૂટકેસમાં પડી જતી બતાવવામાં આવેલી. એ સૂટકેસમાં બરોબર ફિટ પણ થઈ ગઈ, કોઈએ એને બંધ કરી દીધી ને પૂલમાં ફંગોળી દીધી. એ પહેલાં ‘સાથ નિભાના સાથિયા’ સિરિયલનાં કોકિલાબહેન (રૂપલ પટેલ)નો “રસોડે મેં કૌન થા”વાળો વિડિયો વાઈરલ થયેલો. તો આ જ સિરિયલની ગોપીબહુ પોતાના હસબંડના લૅપટૉપને સાબુથી સારી પેઠે ધોઈને, માંજીને દોરી પર સૂકવી દે છે એવો સીન વાઈરલ થયેલો.

કમનસીબી એ છે કે દેશના અમુક પ્રાંતમાં આવી વાર્તા-ઘટનાક્રમવાળા શો લોકો જુવે છે. નિર્માતાની દલીલ છે કે અમને ટીઆરપી મળે છે એટલે બનાવીએ છીએ. દર્શકો કહે છે કે આ લોકો બનાવે છે એટલે અમે જોઈએ છીએ. આ એક વિષચક્ર છે. આનો એકમાત્ર ઉપાય છેઃ એક જમાનામાં 13-13 એપિસોડ્સવાળી સ-રસમજાની ફિનાઈટ એટલે મર્યાદિત એપિસોડવાળી સિરિયલ આવતી એ પ્રથાને પુનઃજીવિત કરવાનો.

દરમિયાન ‘યે જાદુ હૈ જિન કા’ને ન્યાય કરવા ખાતર કહેવું જોઈએ કે એ સુપરનેચરલ વિષયવસ્તુવાળી સિરિયલ છે, જેમાં નાયિકાને અમુક પ્રકારનું વરદાન છે, જ્યારે નાયક એક જિનના પડછાયા સાથે જીવી રહ્યો છે એટલે એમાં કંઈ પણ બની શકે.

સંયોગથી સલમાન ખાન-શ્રીદેવીની ફ્લૉપ ફિલ્મ ‘ચાંદ કા ટુકડા’ (1994)ની રજૂઆતને હમણાં 26 વર્ષ પૂર્ણ થયાં. આ જ જોડીએ 1993માં એક ફ્લૉપ ફૅન્ટસી ફિલ્મ આપેલી. એના શીર્ષકમાંયે ચંદ્ર હતોઃ ‘ચંદ્રમુખી’, તો આઠ વર્ષ પહેલાં આવેલી અનુરાગ બસુની ‘બરફી’માં એક સોંગ છેઃ “ઈત્તી સી હઁસી, ઈત્તી સી ખુશી, ઈત્તા સા ટુકડા ચાંદ કા… ખ્વાબોં કે તિનકોં સે ચલ બનાયેં આશિયાં… શમણાંના તણખલાથી ઘર તો બનશે ત્યારે બનશે, હાલ તો સિરિયલો ને પ્રેક્ષકો બની રહ્યા છે.

 (કેતન મિસ્ત્રી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]