બૉયકૉટ બોલિવૂડથી એક ડગલું આગળ…

અયાન મુખર્જીને લગભગ નવ વર્ષ લાગી ગયાં ‘બ્રહ્માસ્ત્ર’ બનાવતાં અને હિંદી સિનેમાના ટ્રેડ પંડિતો, એટલે કે કઈ ફિલ્મે કેટલો વકરો કર્યો એનો હિસાબ રાખતા પંડિતોને બીજાં નવ વર્ષ લાગી જશે એ નક્કી કરતા કે ફિલ્મ હિટ છે કે ફ્લૉપ. ક્રિટિક્સ હજુ નક્કી કરી શકતા કે ‘બ્રહ્નાસ્ત્ર’ સારી છે કે ખરાબ કે સો સો. બૉયકૉટવાળા માથું ખંજવાળી રહ્યા છે કે આપણે બૉયકૉટ કર્યો તો લોકો ફિલ્મથી દૂર રહ્યા કે નહીં. કે વગર બૉયકૉટે જ લોકો ફિલ્મથી દૂર રહ્યા. કેમ કે ફિલમવાળા કહી રહ્યા છે કે ફિલ્મ ફુલ હાઉસ લઈ રહી છે, તો બૉયકૉટવાળા ખાલીખમ થિએટરોના વિડિયો રિલીઝ કરી રહ્યા છે.

બૉયકૉટની વાત નીકળી છે તો જરા આ પણ જોઈ લો. દક્ષિણના દિગ્ગજ મણિરત્નમે એક ફિલ્મ બનાવી છેઃ ‘પોન્નિયિન સેલ્વન’. બે ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મ આ મહિને રિલીઝ થવાની છે, ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન પણ છે. થોડા દિવસ પહેલાં આ ફિલ્મનું ટ્રેલર ચેન્નઈના નેહરુ સ્ટેડિયમમાં રજનીકાંત અને કમલહસન જેવા સાઉથ સ્ટાર્સની હાજરીમાં રજૂ કરવામાં આવ્યું. હાલ બોલિવૂડ બૉયકૉટની બવાલ ચાલી રહી છે એનાં અગમ એંધાણ વર્તી લઈ મણિરત્નમે (ભાગ 1 અને 2) આગોતરા સ્ટ્રીમિંગ રાઈટ્સ વેચી દીધા. કહે છે કે ‘એમેઝોન પ્રાઈમ’ને સવાસો કરોડ રૂપિયા આપ્યા છે અને સેટેલાઈટ એટલે કે ટીવી પર રજૂ કરવાના રાઈટ્સ સન ટીવીને આપ્યા. પાછળથી માથાકૂટ નહીં. કોણ જાણે ક્યારે નવો વિવાદ થઈ જાય, ક્યારે દર્શકોની લાગણી દુભાઈ જાય, ક્યારે બૅનની હાકલ પડી જાય…

મણિરત્નમ્ અને એમની માર્કેટિંગ ટીમે સોશિયલ મિડિયા પર ફિલ્મ વિશે ભારે ઉત્કંઠા જગાવી છે એટલે ફિલ્મ કમાણીનો ઈતિહાસ રચી કાઢે તો નવાઈ નહીં. વિષય પણ ભારતના ગૌરવશાળી ઈતિહાસનો છે. ચોલા સામ્રાજ્યની વાત માંડતી કલ્કિ કૃષ્ણમૂર્તિની આ જ શીર્ષકવાળી 1955માં લખાયેલી નવલકથા પર આધારિત આઈમૅક્સ ફિલ્મ ‘પોન્નિયિન સેલ્વન’ (પોન્નીનો પુત્ર)માં ચિયાન વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, પ્રકાશ રાજ, સોભિતા ધુલિપાલા ત્રિશા, જયમ્ રવિ, વગેરે છે, એઆર રહેમાનનું સંગીત છે. ફિલ્મ તમિળ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને હિંદી ભાષામાં રિલીઝ થશે.

સિનેમાસૃષ્ટિમાં ગુસપુસ ચાલી રહી છે કે ઐતિહાસિક પૃષ્ઠભૂવાળી ‘પોન્નિયિન સેલ્વન’ના ભાગ 1 અને ભાગ બે બનાવવામાં પાંચસો કરોડ રૂપિયા ખર્ચાશે. વારે ખર્ચો તો પિરિયડ ફિલ્મ (અમુક ચોક્કસ સમયગાળાની ફિલ્મ) છે એટલે થયો.

મણિરત્નમની (આગોતરા સ્ટ્રીમિંગ, સેટેલાઈટ રાઈટ્સ વેચી કાઢવાની) હોશિયારી જોઈ એક જૂની ઘટના યાદ આવી ગઈ. માત્ર ટ્રેલર બતાડીને સવાસો-દોઢસો કરોડ લઈ લેનારા મણિરત્નમે વર્ષો પહેલાં આ જ રીતે ડિસ્ટ્રિબ્યૂટરોને માત્ર “છૈયાં છૈયાં” સોંગ બતાવીને ‘દિલસે’ ફિલ્મના વિતરણહક વેચી કાઢેલા. પાછળથી એ બધા પસ્તાયા હતા, ફિલ્મ બૂરી રીતે ફ્લૉપ થયેલી. આ ફિલ્મ પછી વિતરકો બરાબર ચેતી ગયેલા.

ભૂતકાળમાંથી વર્તમાન પર પાછા ફરીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચન આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકા ભજવી રહી છે. આમ તો એ ડબલ રોલમાં દેખાશે. બેમાંથી એક ભૂમિકા નેગેટિવ હશે. ઐશ્વર્યાની છેલ્લી ફિલ્મ 2018માં ‘ફન્ને ખાન’ (અનિલ કપૂર-રાજકુમાર રાવ) આવેલી અને નેગેટિવ ભૂમિકાની વાત કરીએ તો, ‘ખાકી’ અને ‘ધૂમ’માં નેગેટિવ ભૂમિકા ભજવેલી.

હવે જોવાનું એ રહેશે કે હોશિયાર કોણ સાબિત થશએઃ મણિરત્નમ્ કે ‘એમેઝોન પ્રાઈમ?’