ગુજરાતી રંગભૂમિ ને હિંદી સિનેમાઃ બહુત યારાના લગતા હૈ !

નખશિખ, હાડોહાડ રંગભૂમિના આદમી અરવિંદ જોશીની આખરી એક્ઝિટ (29-1-2021)ને સપ્તાહ વીતી ગયું છે. આપવા જેવી તમામ આદરાંજલિ, ભાવાંજલિ, નાટ્યાંજલિ અપાઈ ગઈ છે. જો કે મારે અહીં જરા જૂદી વાત કરવી છે. અરવિંદભાઈના એક નાટક ‘ધુમ્મસ’ પરથી યશ ચોપડાએ સર્જેલી ‘ઈત્તેફાક’ વિશે તથા ગુજરાતી રંગભૂમિ અને હિંદી સિનેમાની યારીદોસ્તી વિશે.

તો, બનેલું એવું કે હિંદી સિનેમાના ટૉપ ડિરેક્ટરોએ બનાવેલી રાજેશ ખન્નાની કારકિર્દીની પહેલી પાંચ ફિલ્મ ખરાબ રીતે પિટાઈ ગયેલી. 1966માં ચેતન આનંદની ‘આખરી ખત’થી લઈને જી.પી. સિપ્પીની ‘રાઝ’, નસીર હુસૈનની ‘બહારો કે સપને’, મદ્રાસના બડેખાં એસ.એસ. વાસનની ‘ઔરત’ તથા એ. સુબ્બારાવની ‘ડોલી’, જે 1969માં રિલીઝ થયેલી. ‘આખરી ખત’ને 1967માં ઑસ્કાર માટે ભારતની એન્ટ્રી તરીકે મોકલવામાં આવેલી, પણ નૉમિનેટ થઈ નહીં. ‘ડોલી’ પહેલા હફ્તામાં ઠીક ઠીક ચાલી, પણ પછી ભપ્પ થઈ ગયેલી. ટૂંકમાં પાંચ નિષ્ફળતા બાદ રાજેશ ખન્ના ઉદાસીની ગર્તામાં ધકેલાઈ ગયેલા. પુત્રની આવી હાલતથી વિચલિત પિતાએ તો કહી દીધું કે “બીજી કોઈ લાઈનનું વિચાર, કેમ કે ફિલમમાં તું ચાલતો નથી”. ત્યાં એમની ઝોળીમાં આવી પડી ‘ઈત્તેફાક’.

‘ઈત્તેફાક’ના સર્જનની પાછળ એક રસપ્રદ કથા છે, જે વર્ષો પહેલાં અરવિંદભાઈએ સ્વમુખે મને સંભળાવેલી. 1969માં યશ ચોપડા એક મોટી ફિલ્મ બનાવી રહેલાઃ ‘આદમી ઔર ઈન્સાન’. કમનસીબે, ફિલ્મની હીરોઈન સાયરાબાનો ગંભીર માંદગીમાં પટકાતાં ઈલાજ માટે લંડન ગયાં. આ બાજુ યશજીથી લઈને આખું યુનિટ નવરું પડ્યું. યશજીને વિચાર આવ્યો કે સાયરા ટ્રીટમેન્ટ કરાવીને પરત ફરે ત્યાં સુધીમાં એક સસ્તી, ઝટ બની જાય એવી ફિલ્મ કરીએ. તે વખતે હોલિવૂડની ‘સાઈનપોસ્ટ ટુ મર્ડર’થી પ્રેરિત ગુજરાતી નાટક ‘ધુમ્મસ’ની ચોમેર ચર્ચા ચાલતી. ‘ધુમ્મસ’ જોવા ગયેલા યશ ચોપડા નાટક તથા અરવિંદભાઈના અભિનય પર ઓળઘોળ થઈ ગયા. એમને ઝટપટ બની જાય એવી ફિલ્મ મળી ગઈ.

કોઈ પણ જાણીતા સ્ટાર-સૉન્ગ-ડાન્સ વિનાની ‘ઈત્તેફાક’ 28 દિવસમાં બની. ‘ઈત્તેફાક’ બાદ રાજેશ ખન્નાની ‘આરાધના’ અને ‘દો રાસ્તે’ રિલીઝ થઈ. અને બોલિવૂડને નવો સુપરસ્ટાર મળી ગયો. એમ કહી શકાય કે હિંદી સિનેમાના એક સુપરસ્ટાર-સર્જનમાં ગુજરાતી રંગભૂમિનો, અરવિંદભાઈનો મહત્વનો ફાળો હતો.

ઈન્ટરેસ્ટિંગ્લી, બોલિવૂડમાં ગુજરાતી નાટકો પરથી ઘણી ફિલ્મ બની છેઃ આતિશ કાપડિયા લિખિત ‘આંધળોપાટો’ અને ‘આવજો વહાલા ફરી મળીશું’ પરથી અનુક્રમે ‘આંખે’ તથા ‘વક્તઃ રેસ અગેન્સ્ટ ટાઈમ’, મિહિર ભુતા લિખિત ‘અફલાતૂન’ પરથી રોહિત શેટ્ટીની ‘ગોલમાલ’. 1970ના દાયકામાં ‘ચકડોળ’ પરથી કિરણ કુમાર-રાધા સલુજાને ચમકાવતી ‘આજ કી તાજા ખબર’ બનેલી. આ જ નાટક-ફિલ્મનાં કથાનકની સેળભેળ કરી રોહિત શેટ્ટીએ ‘ગોલમાલ-ટુ’ બનાવી નાખી. (અજય દેવગન-કરીના કપૂર-અરશદ વારસી-શ્રેયસ તળપદે, વગેરે). ‘ગોલમાલ-ટુ’ની રિલીઝ બાદ રોહિત શેટ્ટીને આ વિશે પૂછવામાં આવ્યું તો એમણે ખભા ઉલાળતાં કહ્યુઃ “આજ કી તાજા ખબર મેં નથી જોઈ… હવે કદાચ જોઈશ”. આ ઉપરાંત ભાવેશ માંડલિયા લિખિત ‘કાનજી વિરુદ્ધ કાનજી’ પરથી ‘ઓ માય ગૉડ’, સૌમ્ય જોશીના નાટક ‘102 નૉટ આઉટ’ પરથી એ જ શીર્ષકવાળી અમિતાભ બચ્ચન-રિશી કપૂરને ચમકવાતી ફિલ્મ. આ વર્ષે વધુ એક ગુજરાતી નાટક પરથી ધમાલમસ્તીવાળી એક ફિલ્મ રિલીઝ થશે.

તો, જોતા-વાંચતા રહો ‘મોજમસ્તી અનલિમિટેડ’.

ગુજરાતી નાટકોથી પ્રેરિત હિંદી ફિલ્મ
1) ધુમ્મસ- ઈત્તેફાક 6) વિસામો- બાગબાન
2) ચકડોળ- આજ કી તાજા ખબર, ગોલમાલ-2 7) અફલાતૂન-ગોલમાલ (2006)
3) અમે બરફનાં પંખી- મિલી 8) બાએ મારી બાઉન્ડરી- સુપર નાની
4) આંધળોપાટો-આંખે (2002) 9) 102 નૉટઆઉટ-102 નૉટઆઉટ
5) આવજો વહાલા ફરી મળીશું-વક્તઃ રેસ અગેન્સ્ટ ટાઈમ 10) કાનજી વિરુદ્ધ કાનજી-ઓ માય ગૉડ

 

(કેતન મિસ્ત્રી)