83નું ટ્રેલરઃ રણવીરસિંહ ને ટીમનો વિજયી પરફોરમન્સ

“મેદાનની બહાર અમારાં જીવનમાં કંઈ પણ બની રહ્યું હોય, પણ એક વાર અમે (ભારતીય) ગણવેશ પહેરીને પિચ પર જઈએ એ પછી અમારું એક જ લક્ષ્ય હોયઃ જીવસટોસટની બાજી ખેલીને દેશ માટે રમવું.”

આ અઠવાડિયે ડિરેક્ટર કબીર ખાનની ફિલ્મ ‘83’નું ટ્રેલર રિલીઝ બહાર પડ્યું, જેનો આ સંવાદ છે. ચારેક મિનિટનું ટ્રેલર જોતાં ખ્યાલ આવી જાય છે કે ફિલ્મ કમાલની હશે.

ટ્રેલરનો આરંભ થાય છે ઝિમ્બાબ્વે સામેની એ મૅચથી, જેમાં આપણી હાલત ભયંકર ખરાબ હતી. વર્લ્ડ કપની એ 20મી મૅચ હતી. 18 જૂન, 1983. ટૉસ જીતીને કપિલ દેવે બેટિંગ તો લીધી, પણ… સુનીલ ગવાસકર-ક્રિશ શ્રીકાંત-મોહીન્દર અમરનાથ-સંદીપ પાટીલ 9 રનમાં જ પેવેલિયનભેગા થઈ ગયેલાં. ડ્રેસિંગ રૂમમાં શાવર લઈ રહેલા કપ્તાન કપિલ દેવ ઉતાવળે બહાર આવ્યા ને બેટિંગ કરવા મેદાનમાં ઊતર્યા. એ પછી તો યશપાલ શર્મા, રૉજર બિન્ની, રવિ શાસ્ત્રી પણ સસ્તામાં આઉટ થઈ ગયા. 9મા નંબરે વિકેટકીપર સૈયદ કિરમાની આવ્યા અને… ઈનિંગ્ઝ પૂરી થઈ ત્યારે સ્કોર હતોઃ 266 પર આઠ. કપિલ દેવઃ 175 નૉટઆઉટ, (16 ચોગ્ગા, 6 સિક્સ) સૈયદ કિરમાનીઃ 24 નૉટઆઉટ. આ કપિલ દેવની સર્જિકલ સ્ટ્રાઈક હતી.

-અને આ એ મૅચ હતી, જે જીતવી જરૂરી હતી. આ મૅચ હાર્યા તો આપણે વર્લ્ડ કપમાંથી આઉટ. 235માં ઝિમ્બાબ્વેને ઑલઆઉટ કરીને ભારતીય ટીમ સેમી ફાઈનલમાં પ્રવેશી.

કમનસીબે, આ ઐતિહાસિક મૅચનું રેકોર્ડિંગ, વિડિયો-કવરેજ કોઈની પાસે નથી. વસ્તુ એવી બનેલી, સાહેબ, કે એ દિવસે ઑસ્ટ્રેલિયા-વેસ્ટ ઈન્ડીઝની મૅચ હતી એટલે કૅમેરામૅન અને બધાં સાધન ત્યાં ગયેલાં. ઈન્ડિયા-ઝિમ્બાબ્વેની મૅચ ‘બીબીસી’ને ખાસ મહત્વની લાગી નહોતી. ભારતીય ટીમ? હવે ઠીક મારા ભાઈ અને ઝિમ્બાબ્વે? એ તો સાવ નવી જ હતી. વળી સ્ટાફની પણ શૉર્ટેજ હતી કેમ કે ‘બીબીસી’ના અમુક કર્મચારીએ પગારવધારાની માગ સાથે હડતાળ પાડેલી. અર્થાત જે લોકો સ્ટેડિયમ પર હાજર હતા એમણે જ આ મૅચ જોઈ.

1983માં રાણીના દેશ ઈંગ્લાંડના લૉર્ડ્સ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ-ટીમે વર્લ્ડ કપી જીતીને રચેલા ઈતિહાસનું પુનરાવર્તન રૂપેરી પરદા પર કર્યું છે ડિરેક્ટર કબીર ખાન અને એમના રાઈટરોની ટીમે. રણવીરસિંહ બન્યો છે કપિલ દેવ. અન્ય પ્રમુખ કલાકારોઃ પંકજ ત્રિપાઠી (એણે ભજવી છે ભૂમિકા ઈન્ડિયન ક્રિકેટટીમના મૅનેજર પીઆર માનસિંહની), તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, વગેરે. રણવીર સિંહની રિયલ લાઈફની ઘરવાળી દીપિકા પદુકોણ બની છે કપિલ દેવની પત્ની રોમી ભાટિયા. 24 ડિસેમ્બરે ‘83’ રિલીઝ થશે.

ટ્રેલરમાં આ ઐતિહાસિક વિજય પાછળની કેટલીક વણકથી વાતો જોવા મળે છે. જેમ કે આપણી ટીમ લંડનના ઍરપૉર્ટ પર લૅન્ડ થઈ ત્યારે કોઈ રિસીવ કરવા જ આવ્યું નહોતું, ઈન્ડિયન ટીમની પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોની પાંખી હાજરી, એ જ પ્રેસ કૉન્ફરન્સમાં કપિલ દેવના આત્મવિશ્વાસ (અમે અહીં મૅચ જીતવા આવ્યા છે)ની હાંસી ઉડાડતા પત્રકારો, વગેરે.

યાદ રહે, આજથી 38 વર્ષ પહેલાં યોજાયેલા વર્લ્ડ કપમાં આપણું કંઈ ગજું વાગે એમ નહોતું, પણ કપિલ દેવનો શાનદાર દેખાવ, એમનું નેતૃત્વ, અને ટીમવર્કથી ઈન્ડિયાએ ફાઈનલમાં વેસ્ટ ઈન્ડીઝે હરાવી ટ્રૉફી જીતી લીધી. ખરું જોતાં 1983ના વર્લ્ડ કપના અસલી હીરો કપિલ દેવ જ હતા. કપિલ દેવને પરદા પર આબેહૂબ સાકાર કર્યા છે રણવીરસિંહે. ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ કમાલની હશે. 24 ડિસેમ્બરે ખબર.