અમેરિકાના સુપરમેનો કેમ હારી ગયા?

સુપરમેનનું શીશ શરમથી ઝુકેલું હતું. સ્પાઈડરમેન પોતાના મોં ઉપર બેઠેલી માખ પણ ઉડાડી શકવાની સ્થિતિમાં નહોતો. બેટમેનનું મોં ચામાચિડીયાની જેમ ધડ ઉપરથી લગભગ ઊંધુ થઈને લબડી રહ્યું હતું. બેટમેનનો ચેલો રોબિન હતાશ થઈને પોતાનો કોસ્ચ્યુમ પોતે જ ચાવી રહ્યો હતો અને કેટ-વુમન પોતાના જ નહોર વડે પોતાને જખ્મી કરીને ગુસ્સો પ્રગટ કરી રહી હતી.

વ્હાઈટ હાઉસમાં ઊભેલા આ તમામ સુપરહિરો સામે ટ્રમ્પ ધૂવાંપૂવાં થતા આંટામારી રહ્યા હતા. મનમાં તો ‘શોલે’ના ગબ્બરનો ડાયલોગ ચાલી રહ્યો હતો કે “ક્યા સોચ કર વાપસ આ ગયે ? કે સરકાર તુમ્હેં શાબાશી દેગા ?”

પરંતુ ટ્રમ્પે એ જ સવાલ જુદી રીતે પૂછ્યો : “વ્હાય આર યુ બેક ? મેં તમને કોરોના વાયરસ સામે લડવા માટે મોકલ્યા હતા. તમે પાછા કેમ આવી ગયા?”

જવાબ આપતાં પહેલાં સુપરમેનને છીંક આવી ગઈ !

તેની છીંક સાંભળીને વ્હાઈટ હાઉસનો આખો સ્ટાફ ફફડી ગયો. “સાલું ? ખુદ સુપરમેન છીંકો ખાય છે ત્યાં આપણી શી વિસાત ?”

જોકે ટ્રમ્પનો પ્રશ્ન હજી ત્યાં જ હતો : “વ્હાય ? વ્હાય ? વ્હાય ડીડ યુ કમ બેક ?”

જવાબ આપતાં પહેલાં સ્પાઈડરમેને નર્વસ રીતે ખાંસી ખાધી. પછી માંડ માંડ આંખોમાં ધસી આવેલાં આંસુ ખાળતાં તેણે કહ્યું :

“પિપલ આર રિફ્યુઝિંગ અસ ! લોકો અમારો બહિષ્કાર કરે છે !”

“પણ કેમ ?”

“કારણ કે…”

જવાબ આપતાં પહેલાં બેટમેનના ગળે ડૂમો બાઝી ગયો. તે ખાંસી ખાઈ-ખાઈને ખોખરા થઈ ગયેલા અવાજે બોલ્યો : “કારણ કે અમને વારંવાર છીંકો અને ખાંસીઓ આવી રહી છે ! લોકો અમારાથી દૂર ભાગી રહ્યા છે !”

“તમને ?” ટ્રમ્પને આશ્ચર્ય થયું. “તમને સુપરમેનોને ખાંસી અને છીંકો આવી રહી છે ? હદ થઈ ગઈ ! આવું શી રીતે થયું ?”

ત્યાં તો CIAનો એક એજન્ટ અંદર આવીને બોલી ઉઠ્યો : “સર, આખું કાવતરું પકડાઈ ગયું છે !”

“શું હતું કાવતરું ?” ટ્રમ્પના કાન તેના વાળ કરતાં પણ અધ્ધર થઈ ગયા.

“સર, તમે જ્યારે કોમિકબુકના આ સુપરહીરો લોકોને અમેરિકાનું રક્ષણ કરવા માટે બોલાવ્યા ત્યારે સૌને ખબર હતી કે આમાં તો ચોવીસે ચોવીસ કલાકની ડ્યૂટી છે. સપ્તાહોના સપ્તાહો સુધી લડાઈ ચાલશે. તેથી…”

સીઆઈએના એજન્ટે સ્હેજ રોકાઈને વાત આગળ ચલાવી.

“તેથી સુપરમેનોને રોજેરોજ તેમના કોસ્ચ્યુમો બદલવા જરૂરી હતા. આના માટે આપણે એક કંપનીને રાતોરાત છ-છ જોડી કોસ્ચ્યુમો બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. કોસ્ચ્યુમો બનીને આવી પણ ગયા હતા. પરંતુ…”

“પરંતુ શું ?”

“શી ખબર કોઈ ખૂફિયા એજન્ટે તમામ કોસ્ચ્યુમોનાં મહોરામાં છીંકણી નાંખી દીધી હતી ! જેના કારણે…”

– બરોબર એ જ ક્ષણે સ્પાઈડરમેને ‘હાઆઆઆક્…. … છીં !’ કરીને મોટી છીંક ખાધી !

બીજી ક્ષણે જોયું તો ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાંથી ગાયબ હતા.

-મન્નુ શેખચલ્લી