મુગલ-એ-આઝમનું ‘કોરોના’ રિ-મિક્સ!

કબરના મહેલમાં તેની દાસીઓ વારાફરતી આવીને ખુશખબરી આપી જાય છે : “શહેજાદે સલીમ જંગ જીત કર આ રહે હૈં….” “આ ગયે હૈં…” “આ ચૂકે હૈં…” “તશરીફ લા રહે હૈં…”
એ પછીનું દૃશ્ય :
સલીમ થાકેલો પાકેલો, પરસેવે રેબઝેબ, આવીને માથા ઉપરથી દસ કિલોનો લોખંડી ટોપો ઉતારીને તેનો ખૂણામાં ઘા કરતાં ગાદી ઉપર બેસી પડે છે.
અકબર પૂછે છે : “બેટે, જંગ કૈસી રહી ?”
જવાબમાં, છંછેડાયેલો સલીમ મધપૂડાની ૧૦૦ માખીઓ એક સાથે બણબણતી હોય એવા ગૂંગણા અવાજે ફરિયાદ કરે છે : “હું કંટાળી ગયો છું, બાપા !”
“કેમ, શું થયું ?”
“અરે આ તે કંઈ જંગ છે ? મેલેરિયા સામે જંગ લડતાં લડતાં મને 3000 મચ્છરોએ ફોલી ખાધો છે… બર્ડ-ફ્લુ સામેની જંગમાં મારે દોડી દોડીને 2000 મરઘીઓ જોડે પકડદાવ રમવાનો આવ્યો… અને સ્વાઈન-ફ્લુની જંગમાં સાલાં ડુક્કરોએ મને પાછળથી ગોદા મારી મારીને ઠેર ઠેર સોજા લાવી દીધા… અને તોય બાપા, તમે અહીંથી મચ્છર અગરબત્તી અને હિટ-કોક્રોચનો સ્ટોક પુરેપુરો મોકલતા જ નહોતા ! મારે તમારા આ સેનિટેશન ખાતાના સેનાપતિની નોકરી કરવી જ નથી !”
સલીમે શરીર ઉપર પહેરેલું તેત્રીસ કિલોનું લોખંડી બખ્તર પણ કાઢીને ફેંકી દીધું. આ જોઈને રાજા અકબરની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
“બાપા, આમ આંખો ફાડીને જોયા શું કરો છો ?”
“બેટા, બખ્તરની નીચે કમ સે કમ સદરો પાયજામો તો પહેરવાનું રાખ ? સાવ આમ જાંઘિયા બનિયાનમાં તો બધું છોલાઈ જાય..”


સલીમ ચીડાઈ જાય છે. “જીલ્લે ઈલાહી, હમેં આપ સે સખ્ત નફરત હૈ…” એમ કહીને તે રીસાઈને પગ પછાડતો જતો રહે છે.
અકબર મુંઝાઈ જાય છે. રુઠેલા દિકરાને મનાવવો શી રીતે ? એક દરબારી સલાહ આપે છે કે “બોસ, એેને કોઈ છોકરી-બોકરી મોકલી આપો ને ? જરા એન્ટરટેઈનમેન્ટ મળશે એટલે બાબો ઓકે થઈ જશે.”
છેવટે ‘બિગ બોસ’ અકબર અનારકલીને પૂતળું બનીને સલીમ સામે ઉભા રહેવાનો ‘ટાસ્ક’ આપે છે. સલીમ એની પાસે જાય છે. જોતાંની સાથે એના પ્રેમમાં પડી જાય છે ! એનો મલમલનો ઘુંઘટ ઊઠાવે છે…
– ત્યાં જ અનારકલીને છીંક આવે છે !
બસ, એ પછી સલીમને કોરોના વાયરસનો ચેપ લાગી જાય છે !
બાપા એને લોકડાઉનમાં રહીને સોશિયલ ડિસ્ટન્સિંગ પાળવાનું કહે છે પણ સલીમડો માનતો નથી. એમાં ને એમાં છેવટે અનારકલીને બળજબરીથી છેક સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે અને સલીમડાને 14 દિવસ માટે મહેલના દરવાજે લાલ સ્ટિકર મારીને અંદર ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવે છે.
ત્યાર બાદ જોકે અકબરે થાળી વગાડવાની તથા દિવા પ્રગટાવવાની બાધાઓ લીધી તો છે, પણ છેલ્લા ન્યુઝ બુલેટિન મુજબ ‘હાલાત’ મેં કુછ ‘સુધાર’ નજર નહીં આયા હૈ…

  • મન્નુ શેખચલ્લી