ભ્રમણકક્ષાનું જ્ઞાન કે પછી ભ્રમણાકક્ષાનો વ્યાપ? 

અમે તો સવારના પહોરમાં છાપું વાંચતાંની સાથે જ રણઝણસિંહને ફોન લગાડ્યો :

“આમાં સાચું શું છે ?”

“શેમાં સાચું શું છે ?”

“ગઈકાલે તો વોટ્સએપમાં કોઈ નિષ્ણાતે એવું કીધું હતું કે મંગળગ્રહ અને શુક્રગ્રહ પોતાની ભ્રમણકક્ષા બદલવાના છે ! મેં તો આ ભ્રમણકક્ષા કોને કહેવાય એ જાણવા માટે નિશાળની‘પાંચવી કક્ષા’થી માંડીને ‘બારવીં કક્ષા’ સુધીનાં પાઠ્ય-પુસ્તકો ફેંદી નાંખ્યા…”

“સારું કર્યું. ભણવાની કોઈ ઉંમર નથી હોતી.”

“એમ નહીં, આજે વળી કોઈ રાજકોટના ખગોળ નિષ્ણાત કહે છે કે ગ્રહો પોતાની ભ્રમણકક્ષા કદી બદલાતા જ નથી.. આમાં સાચું શું ?”

“જો મન્નુડા…” રણઝણસિંહે અત્યંત શાંત અવાજે અમને સલાહ આપી “તારે ખરેખર સત્ય જાણવું હોય તો મંગળ ગ્રહ ઉપર વસતા કોઈ પરગ્રહવાસીને ફોન કરીને પૂછી લેવું જોઈં.”

અમે સખત બગડ્યા. “રણઝણસિંહ, મજાક ના કરો !”

“હું ક્યાં મજાક કરું છું ? મારા વ્હાલા, મજાક તો આખી દુનિયાની થઈ રહી છે.”

અમે ચૂપ થઈ ગયા. રણઝણસિંહ પાસે જ્યારે સીધો જવાબ ના હોય ત્યારે તે હંમેશાં આખી દુનિયાને વચમાં લાવીને મુકી દે છે.

“મન્નુડા, મુશ્કેલી ભ્રમણકક્ષામાં નહીં, પણ ‘ભ્રમણા’કક્ષામાં છે ! ”

“ભ્રમણા’કક્ષા ?” અમે ગુંચવાયા.

“હા મન્નુડા, જગતમાં ભ્રમણાંઓનો વ્યાપ દિવસે ન વધે એટલો રાતે વધી રહ્યો છે. અગાઉ તો જે અભણ અને ગમાર હતા તેઓ જ ભ્રમણાથી પિડીત હતા. ઢોંગી બાવાઓ અને પાખંડી ભૂવાઓ  એમને છેતરી શકતા હતા. હવે તો ભણેલાઓની જ ભ્રમણાઓ એટલી બધી વધી ગઈ છે કે એમને છેતરવા માટે મોટા મોટા એક્સ્પર્ટોની જરૂર પડે છે ! એમાંય લેટેસ્ટ ટેકનોલોજી તો આખી ભ્રમણા-ટેકનોલોજી જ છે !”

“ભ્રમણા ટેકનોલોજી ?” અમે અકળાયા. “તમે ક્યાંની ક્યાં વાત લઈ જાવ છો ?”

“મિત્ર મન્નુ, આ સોશિયલ મિડિયા શું છે ? ‘ભ્રમણા’ ટેકનોલોજીનું સૌથી મોટું સાધન છે. આજે એક ચોક્કસ સંપ્રદાયના લોકો ભારતમાં જાણી જોઈને પોતે ચેપનો શિકાર બનીને દેશમાં કોરોના વાયરસ ફેલાવી રહ્યા છે, એવી વાતો ક્યાંથી આવી ? અલ્યા, ખુદ ચેપ ના ફેલાય એનાથી સો ગણી ઝડપે આવી ભ્રમણાઓ ફેલાઈ જાય છે ! સરવાળે એવી જ ભ્રમણાઓથી ભરમાઈને અમુક લોકો ડોક્ટરો અને નર્સો ઉપર હૂમલા કરવા માંડે છે ! આમાં સચ્ચાઈની ભ્રમણકક્ષા તો કોઈ શોધતું જ નથી ને ?”

અમે ચૂપ થઈ ગયા. રણઝણસિંહની અમુક વાતો અમારી ભ્રમણકક્ષાની બહાર જતી રહેતી હોય છે. લાગે છે કે બીજા કોઈ એક્સપર્ટને પૂછવું પડશે.

-મન્નુ શેખચલ્લી