ઘરમાં જ ટાંટિયો, પગ, પદ, ચરણ…

‘પાકિઝા’ ફિલ્મમાં રાજકુમારનો ફેમસ સંવાદ હતો : “આપ કે પાંવ દેખે… બડે ખુબસુરત હૈ, ઈન્હેં જમીન પર મત ઉતારીયેગા, મૈલે હો જાયેંગે.”
આજકાલ જે ‘ઘરબંધી-ટુ’ ચાલી રહી છે એમાં સરકાર એ જ વાત આપણને અલગ રીતે કહેવા માગે છે : “આપ કે પાંવ દેખે, બડે ચંચલ હૈં, ઇન્હેં ઘર સે બાહર મત નિકાલના… ડંડે પડેંગે !”
અગાઉ રમખાણો વખતે ‘સંચારબંધી’ થતી હતી. આજકાલ કોરોનાને કારણે સૌની ‘પગબંધી’ થઈ ગઈ છે. ‘પગ છૂટો કરવા માટે’ પણ પગને ડ્રોઈંગરૂમથી બેડરૂમ અને બેડરૂમથી બાલ્કની સુધીની જ છૂટ છે.
મુંબઈ જેવા શહેરમાં દસમા માળે રહેનારો માણસ બહુ દર્દભર્યા અવાજે ગાઈ શકે છે “આજકાલ પાંવ જમીં પર નહીં પડતે મેરે !”
જો ફ્લેટની ફર્શને ‘જમીં’ ગણવામાં આવે તો અમુક આળસ-શિરોમણીના પગ ત્યાં પણ બહુ ઓછા પડે છે. ચોવીસ કલાકમાંથી દસ કલાક તેના પગ પલંગ ઉપર હોય છે. અને બાકી રહેલા ચૌદ કલાકમાંથી આઠ કલાક માટે તે આળસુમિત્ર સોફામાં પગ ઉપર પગ ચડાવીને કાં તો સૂતો હોય છે કાં તો ટીવી જોતો હોય છે.
જુની ફિલ્મ ‘દોસ્તી’નું એક ગીત છે : “કોઈ જબ રાહ ના પાયે, મેરે સંગ આયે, કે પગ પગ દીપ જલાયે…” આમાં કવિ કદાચ એમ કહેવા માગતા હશે કે જ્યારે તમે રોડ ઉપર નીકળી ના શકો, તો મારી સાથે ‘ઝૂમ’માં (વિડીયો કોન્ફરન્સમાં) આવો, આપણે પગથી પગ મિલાવીને મોદીજીના આદેશ મુજબ દીવા પ્રગટાવીશું! જો કે આમાં પગ વડે દીવા શી રીતે પ્રગટાવી શકાય એની કોઈ રીત બતાડી નથી.

આજે જુની કહેવતોના સંદર્ભો બદલાતા જાય છે. ‘ફરે તે ચરે, બાંધ્યો ભૂખે મરે.’ આમાં તો સાવ ઊંધું છે ! ફરે તે તો પોલીસના ડંડે મરે જ ! અને બાંધ્યો ભૂખ્યો મરતો નથી, ક્યાંકથી ફૂડ-પેકેટો તો આવી જ જાય છે.
મૂળ કોરોનાનો વ્યાપ પણ ‘આવ પાણા પગ પર પડ’ની કહેવત મુજબ જ ફેલાયો છે. ઈટાલી અને અમેરિકા જેવા દેશોએ બેદરકાર રહીને પોતાના જ ‘પગ ઉપર કુહાડી’ મારી છે.
કોરોનાના વ્યાપને અટકાવવા માટે પણ એવું જ કંઈ કહેવું પડે છે કે ‘તેને બીજા ‘ચરણ’થી ત્રીજા ‘ચરણ’માં પહોંચતો અટકાવો… ’ પ્રોબ્લેમ એ છે કે કોરોના ‘ચોપગું’ છે કે ‘છ-પગું’ એ પણ આપણને ખબર નથી. જો કોરોના કોઈ દેવતા હોત તો આપણે કહી શકત કે “આપ કે ચરણ કહાં હૈ પ્રભુ ?” હવે તો માણસનું ‘વિ-ચરણ’ અટકે તેવું ‘આ-ચરણ’ કરવાથી જ કોરોનાનું ‘ત્રીજું ચરણ’ અટકશે.
બિનાકા ગીતમાલાની જે ‘પાદાન’ આવતી હતી એનો અર્થ ‘પગ-થિયું’ થાય છે. કોરોનાના કેસમાં થયું એવું કે પહેલી પાદાન પર હતું ત્યારે તે ગાતું હતું : ‘મેરે પૈરોં મેં ઘુંઘરું બંધા દે, તો ફિર મેરી ચાલ દેખ લે…’ હવે જ્યારે એ આખરી પાદાન પર પહોંચીને સરતાજ બની ગયું છે ત્યારે ચીનથી છેક અમેરિકા સુધીની વાયુયાત્રા કરતાં કહે છે “બાદલ પે પાંવ હૈ, છૂટા ‘વૂહાન’ હૈ, લગતા હૈ ચલ પડી, અપની યે નાંવ હૈ ! ”

-મન્નુ શેખચલ્લી