આજે તમારો વણિકધર્મ ક્યાં ગયો?

“ભાઈ મન્નુ!” રણઝણસિંહે અમને આજે ફોનમાં બહુ માનપૂર્વક સંબોધન કરી પૂછ્યુંઃ “શાસ્ત્રોમાં વણિકધર્મ વિશે શું લખ્યું છે ?”

રણઝણસિંહની આ ટેવ અમને જરાય પસંદ નથી. અમે ડોબા છીએ, ભોળા છીએ અને જ્ઞાનની બાબતોમાં સાવ છીછરા છીએ તે જાણવા છતાં અમને આવા અઘરા-અઘરા સવાલો પૂછે છે.

અમે કહ્યું : “શાસ્ત્રોમાં જે કંઈ લખ્યું છે તેની જાણ મને તો તમારા જેવા જ્ઞાનીપુરુષો પાસેથી જ થાય છે.”

“બવ હોંશિયાર થાતો જાય છે મન્નુડા!”

“કારણ કે હોંશિયારી માટે જ્ઞાની હોવાની જરૂર જ ક્યાં છે?”

અમારા જવાબથી રણઝણસિંહ ખડખડાટ હસી પડ્યા. અમે એ તકનો લાભ લઈને એમના સવાલની કુકરી એમના જ કુંડાળામાં સરકાવી.

“તમે જ કહોને રણઝણસિંહ, શાસ્ત્રોમાં શું લખ્યું છે?”

“મિત્ર, શાસ્ત્રોમાં સમાજના વર્ણો, જે જ્ઞાતિ આધારિત નહિ પરંતુ કર્મ આધારિત છે, તેના ધર્મો વિશે લખાયું છે. દાખલા તરીકે રાજાઓ તથા ક્ષત્રિયો વિશે કહેવાયું છે કે તેમનો ધર્મ ગોબ્રાહ્મણ પ્રતિપાલનનો છે. અર્થાત્ ગાય, બ્રાહ્મણ તેમજ ગાય જેવી પ્રજાનું રક્ષણ કરવું એ તેમનું કામ છે.”

“હા, આવું મેં સાંભળ્યું છે.”

“તો હવે નવું સાંભળ…” રણઝણસિંહે ગળું ખોંખારીને કહ્યું “મન્નુડા, આજે આ કોરોના વાયરસના ભય સામે જે પોલીસો કે અર્ધ-લશ્કરી દળો પ્રજાને લોકડાઉનમાં રાખવા માટે દિવસ-રાત ઝઝૂમી રહ્યા છે તે ભલે ગમે તે ધર્મ કે જ્ઞાતિના હોય, પરંતુ તે સૌ પોતાનો ક્ષત્રિયધર્મ બજાવી રહ્યાછે.”

“બિલકુલ સાચી વાત છે.”

“એ જ રીતે, જે બ્રાહ્મણો છે, અર્થાત્ જે જ્ઞાનીઓ છે, તેવા વૈજ્ઞાનિકો કોરોના વાયરસને નાથવા માટે પ્રયોગશાળામાં ઝઝૂમી રહ્યા છે.”

“ખરી વાત છે.”

“અને જે ચિકિત્સકો છે, ડોક્ટરો, નર્સો વગેરે છે, તેઓ પણ ચિકિત્સાજ્ઞાનનો ઉપયોગ કરીને બ્રાહ્મણ ધર્મ નિભાવી રહ્યા છે.”

“ખડે પગે! સલામ છે એમને.”

“એટલું જ નહિ, પત્રકારો, લેખકો, કલાકારો આ સૌ જેમનો સતત શબ્દ સાથે માહિતીના જ્ઞાન સાથે સંબંધ છે તેઓ પણ પોતાનો બ્રાહ્મણ ધર્મ બજાવી રહ્યા છે.”

“ખરું ખરું…”

“હજી સાંભળ…” રણઝણસિંહ બોલ્યા. “જેમના માટે વર્ણવ્યવસ્થામાં એક શબ્દ વપરાય છે તે બોલ્યા વિના કહીએ તો આજે તમામ શહેરોમાં સફાઈનું કામ, દવાઓ છાંટવાનું કામ, સેનિટાઈઝર વડે આખેઆખા વિસ્તારોને શુદ્ધ કરવાનું કામ પણ એ વર્ણ સાથે સંકળાયેલા તમામ લોકો નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. બરોબર?”

“તો બાકી રહ્યો વણિક ધર્મ, રાઈટ?” અમે મમરો મૂક્યો.

“હું એ જ પૂછું છું મન્નુડા, કે જેમનું કામ લોકોને તેમની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વાજબી દામે પહોંચાડવાનું છે એ જ લોકો આવા કપરા સમયે સંઘરાખોરી અને નફાખોરીમાં કેમ પડ્યા છે? તેલના ભાવ રાતોરાત વધારી દીધા… શાકભાજીમાં બેફામ નફો ખાવા લાગ્યા… અનાજ-કઠોળનો સંઘરો કરીને કાળાંબજાર કરવા માંડ્યા…. અરે, ગરીબો માટેનું સસ્તું અનાજ બારોબાર ઓળવી જઈને કાળાબજાર કરી રહ્યા છે… આને કંઈ ધર્મ કહેવાય? ધિક્કાર છે એમને!”

“પણ વેપારી તો હંમેશા એ જ કરતો આવ્યો છે ને?” અમે કહ્યું.

“હા…” રણઝણસિંહ તતડી ઉઠ્યા. “શા માટે ? કારણ કે શાસ્ત્રોમાં વણિક ધર્મ વિશે કંઈ લખ્યું જ નથી!”

અમે જરી માથું ખંજવાળીને રણઝણસિંહે એમાં નવી પધરાવેલી ‘જુ’ ને ટટોળતાં કહ્યું, “તમે જ હવે એકાદ નવું શાસ્ત્ર લખો તો કંઈ થાય…”

-મન્નુ શેખચલ્લી