છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે’વાય

 

છાશમાં માખણ જાય ને બાઇ કૂવડ કે’વાય

 

 

દહીંનું વલોણું થાય ત્યારે એક તબક્કો એવો આવે કે છાશ અને માખણ છૂટા પડે. એને થોડી વાર ઠંડુ પાણી નાખીને ઠરવા દેવું પડે એટલે માખણનો પડો ઉપર આવી જાય. આ માખણ પછી સિફતાઈપૂર્વક ઉતારી લેવાય. જો એમાં કચાશ રહે તો માખણનાં ફોદાં છાશમાં જ રહી જાય.

પહેલાના જમાનામાં લોકો છાશ વેચતા નહોતા, વહેંચતા હતાં. જેના ઘરે વલોણું થાય તે માખણ ઉતારી લે અને ત્યારબાદ છાશ જેને જોઈતી હોય તેને મફતમાં આપી દેવાતી.

હવે જો માખણ કાળજીથી ના ઉતાર્યું હોય તો તેના ફોદાં છાશમાં જાય. ઘરમાં એટલું નુકસાન આવે અને સામેવાળો કદર કરી જાય કે બાઇ કૂવડ છે. કૂવડ એટલે આળસુ.

આમ, બેકાળજી અને આળસને લીધે ઘરનું માખણ છાશ ભેગું જાય અને ઉપરથી આળસુનો ઇલકાબ મળે. કોઇપણ કામમાં આળસ રાખવાથી નુકસાન થાય છે અને સાથે અપયશ પણ મળે છે એવો મતલબ આ કહેવતનો થાય છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.) 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]