શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

શિયાળાનું છાણું અને જુવાનીનું નાણું

 

શિયાળો ઠંડી ઋતુ છે. આરોગ્યપ્રદ ઋતુ પણ છે. આ ઋતુમાં ગોબરની ગુણવત્તા પણ સારી જોવા મળે છે. કદાચ ઠંડક છે એટલે થાપ્યા પછી એ સૂકાય છે, પણ ઝાઝું કોહવાતું નથી. આ છાણું નક્કર હોય છે. એન્જિનિયરીંગની ભાષામાં કહીએ તો એની કેલોરીફીકવેલ્યુ પણ સારી હોય છે. મારી માં આખા વરસ માટે શિયાળામાં થાપેલાં છાણાં ભરી લેતી ચૂલો સળગાવવા માટે. એવું પણ મનાય છે કે, શિયાળામાં ઘડેલી માટલીમાં પાણી સારૂં ઠરે છે.

બરાબર આ જ રીતે, જુવાનીમાં આપણી શક્તિ ખૂબ હોય છે. ખૂબ કામ કરીએ તો પણ થાક નથી લાગતો. થોડું વધારે કામ ખેંચવું હોય તો આરામથી ખેંચી શકાય છે. આ સમય છે કમાણી કરવાનો, પણ સાથોસાથ આગળ જતાં તાકાત ઘટશે, સામાજિક પ્રસંગો ઉકેલવા કે સાજે-માંદે નાણાંની જરૂર પડશે એ સમજીને જુવાનીમાં મહત્તમ બચત કરવાની વૃત્તિ રાખીએ, ઊડાઉ ન બનીએ તો આગળ જતાં મોટી ઉંમરે એ નાણું પણ શિયાળાના છાણાની માફક ખૂબ મોટી હૂંફ આપે છે. એટલે આ કહેવત આપણને જુવાનીથી બચત કરવાની ટેવ પાડવાની શીખ આપે છે.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)