રાઈના ભાવ રાતે ગયા…

 

રાઈના ભાવ રાતે ગયા

 

મૂળ વાત તો ઘણી લાંબી છે. એક વેપારીના ઘરમાં રાઈનો સ્ટોક ભરેલો હતો. શ્રીમંત ઘર એટલે માલમતા તો હોય જ. આ ઘરમાં ચોર ઘૂસ્યા. વેપારી ચતૂર હતો. એણે ચોરને સંભળાય તે રીતે પોતાની પત્નીને કહ્યું કે, પેલા પાછલા ઓરડામાં રઈના કોથળા મૂક્યા છે તે બરાબર જાળવે છે ને ? એક મોટો ખરીદનાર આયો છે. આવતીકાલે એના ભાવ સો ગણા થઈ જવાના છે. પેલા ચોરે આ સાંભળ્યું. એમને લાગ્યું કે, દર-દાગીનાની ચોરી કરવા તો બીજી વખત પણ અવાશે, પણ આ રાઈ ઉપાડી લઈએ.

જોતજોતામાં એમણે ઓરડાનું પાછળનું હવાશીયું તોડી બાકોરું પાડી દીધું અને એક પછી એક કોથળા ત્યાંથી બહાર ફેંકી ઓરડો ખાલી કરી દીધો. બીજા દિવસે આ જ વેપારીની પેઢી પર માલ લઈને એ લોકો ગયા. જોગાનુજોગ એ દિવસે બજાર દબાયેલું હતું.

પેલા ચોર વેપારી સાથે દલીલ કરતાં પૂછતા હતા કે, “રાઈના ભાવ સો ગણા વધવાના હતા તેનું શું થયું ?” વેપારીએ કહ્યું, “મને કાંઈ જ ખબર નથી. ઊંઘમાં બોલવાની ટેવ છે. આમ છતાંય જો કહ્યું હશે તો એ રાઈના ભાવ તો રાતે ગયા ભાઈ… તમે બની ગયા. હું બચી ગયો !” સંસ્કૃતમાં કહ્યું છે ને… “બુદ્ધિર્યસ્યં બલંતસ્ય નિર્બુધ્ધસ્ય કુતો બલમ્ ।” જેની બુદ્ધિ તેનું બળ.

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]