કોથળામાંથી બિલાડું કાઢવું

 

કોથળામાંથી બિલાડું કાઢવું…

 

 

ન ધારી હોય તેવી વાત અથવા મુદ્દો ઊભો કરવો અથવા અણધારી ચાલ ચાલવી.

આ કહેવતને સમજાવવા માટે પણ એક બુદ્ધિશાળી વાણિયાની વાત ઉપયોગી બનશે. એક વાણિયો જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. આગળના ગામે વેપાર કરીને તેમજ બાકી રહેતી ઉઘરાણી લઈને એ ઘર તરફ પાછો વળી રહ્યો હતો. રાતનું અંધારૂં જમીન પર ઉતરી આવ્યું હતું. જંગલમાં હજુ માંડ થોડું ચાલ્યો હશે ત્યાં રસ્તાની બંને બાજુએથી ચોર ધસી આવ્યા અને એને ઘેરી લીધો. જે કાંઈ મૂડી હોય તે આપી દેવાની વાત કરી. વાણિયાએ કહ્યું, “જો ભાઈ લૂંટ કરશો તો રાજનો ગુનો બનશે. પણ હું મારી મરજીથી જ આ નાણાં તમને ઉછીના આપું તો ? તમે મને લૂંટ્યો નહીં ગણાય અને તમારૂં કામ સરી જશે.” વાત પેલા ચોરના ગળે ઉતરી. વાણિયાએ પોતાની પાસેના કોથળામાંથી કાગળ કાઢ્યો. બધાં ચોરનાં નામ-સરનામાં લખી નીચે લખાણ લખ્યું પણ જંગલમાં આ કરારની સાક્ષી કોણ ભરે ? એટલામાં એક જંગલી બિલાડો ત્યાંથી જતો હતો.

પેલા ચોરોએ કહ્યું કે, આ બિલાડો અમારો સાક્ષી. વાણિયો કહે, ભલે. તમે જ એને પકડીને મારા આ કોથળામાં નાંખી દો. ચોરોએ એ મુજબ કર્યું. વાણિયાએ પોતાની પાસેની રકમ એમને આપી દીધી અને ઘર તરફ આગળ વધ્યો. મનમાં મલકાતાં મલકાતાં પેલા ચોર પણ પોતપોતાને ઘરે જવા રવાના થઈ ગયો. પોતાની પાસે આ ચોરોનાં નામ-સરનામાં હતાં એટલે થોડાં વખત પછી વાણિયાએ પોતે આ ચોરો દ્વારા લૂંટાયો હતો તે વાત કાજી સમક્ષ રજૂ કરી. પેલા ચોરોને કાજીનું તેડું આવ્યું. પણ તેમના મનમાં કોઈ ચિંતા નહોતી. બિલાડું બોલી શકવાનું નહોતું એટલે સાક્ષી થવાની નહોતી અને એ ઉછીનાં નાણા લીધાની વાત સાબિત થાય તેમ નહોતી.

ચોરો કાજી સમક્ષ હાજર થયા. વાણિયાએ પણ નાણા ઊછીનાં લીધાં હતાં તેનું લખાણ રજૂ કર્યું. કાજીએ સાક્ષી અંગે પૂછ્યું એટલે પોતાની પાસેના કોથળામાંથી બિલાડું કાઢ્યું. પેલો જંગલી બિલાડો તો એણે જંગલમાં જ છોડી મૂક્યો હતો. કોથળામાંથી નીકળેલ બિલાડું તો પાલતુ સફેદ બિલાડી હતી. કાજીએ ચોરો સામે જોયું એટલે બધા એક સાથે બોલી ઊઠ્યા, “ખોટું ! આ તો સફેદ બિલાડી છે. પેલો તો જંગલી કાળો બિલાડો હતો.” આમ, આડકતરી રીતે કબૂલાત થઈ ગઈ. કાજીએ રાજના સિપાહીને હુકમ કર્યો કે, વાણિયાને વ્યાજ સાથે રકમ પાછી અપાવો અને ત્યાં સુધી આ ચોરોને કેદમાં રાખો. આમ, વાણિયાની ચતુરાઈ જીતી ગઈ. લૂંટના પૈસા પાછા મળી ગયા. આ બધું થયું પેલા કોથળામાંથી નીકળેલ બિલાડાને કારણે !

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]