હિસાબ કોડીનો ને બક્ષિશ લાખની

 

હિસાબ કોડીનો ને બક્ષિશ લાખની

 

આ કહેવત વ્યવહારિકતાને લાગુ પડે છે. માણસે લેતી-દેતીની બાબતમાં ચોકસાઇ રાખવી પડે. પાઇ-પાઇનો હિસાબ રાખનારા જ ધંધામાં કમાણી કરી શકે છે. જેમ ટીપે ટીપે સરોવર ભરાય તેમ ટીપે ટીપે સરોવર ખાલી પણ થઈ જાય છે. કુબેરને ભંડાર હોય તો પણ આ રીતે ખાલી થઈ જાય છે. એટલે હિસાબની બાબતમાં ચોકસાઇ રાખવી જોઈએ.

કસ્તુરભાઈ લાલભાઇ શેઠનો એક કિસ્સો ટાંકું છું.

શેઠ શ્રી કસ્તુરભાઇ એમના વરિષ્ઠ સલાહકાર મઝૂમદાર સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે હતા. ખૂબ મોડી રાત્રે એકાએક મઝૂમદારની રૂમ પર ટકોરા પડે છે. મઝૂમદાર બારણું ખોલે છે. મનમાં ધ્રાસકો પડે છે કે આટલી મોડી રાત્રે શેઠ. કોઈ તબિયત બગડી હશે, કોઈ તકલીફ હશે, નહીં તો આટલી મોડી રાત્રે શેઠ મને જગાડે નહીં. એ પૂછે છે શેઠને કે, શું હતું શેઠ ? તો શેઠ કહે, મને ઊંઘ નથી આવતી. મઝૂમદાર પૂછે છે કે, કેમ ઊંઘ નથી આવતી આજે ? શેઠ કહે છે, મઝૂમદાર ! આ જે આપણે દિવસ દરમિયાન ખર્ચો કર્યો એનો હું હિસાબ લખું છું અને એમાં મને છ પેન્સનો હિસાબ નથી મળતો.

આજની કિંમતે છ પેન્સ એટલે બે રૂપિયા થાય. કસ્તુરભાઇ મોટો ખર્ચો કરીને વિદેશમાં બિઝનેસના કામ માટે, ધંધાના કામ માટે ગયેલા. જે કાંઈ પણ ખર્ચો થાય તે કંપનીમાં જ પડવાનો હોય તે સ્વાભાવિક છે. એ કસ્તૂરભાઈ શેઠને બે રૂપિયાનો હિસાબ નથી મળતો. છ શિલિંગનો હિસાબ નથી મળતો માટે ઊંઘ નથી આવતી. મોડી રાત સુધી એ જાગે છે. એટલે મઝૂમદાર કહે છે કે, શેઠ અત્યારે તો બહુ મોડી રાત થઈ ગઈ. અત્યારે તો શું થઈ શકે?

પેલા કસ્તૂરભાઈ મૂળ તો વણિક ને. એ ઉપાય સૂઝવે છે તમે મને અત્યારે છ પેન્સ આપી દો એટલે મારો હિસાબ મળી જાય. પછી સવારે જોઈશું. મઝૂમદાર એને છ પેન્સ આપે છે. એ છ પેન્સ લઈને શેઠ જાય છે પછી ઊંઘ આવી હશે. આગળ એ ઘટનાનું વર્ણન કરવાનો કોઈ અર્થ નહોતો. પણ અવડા મોટા ઔદ્યોગિક સામ્રાજ્યનો માલિક, લાખો-કરોડો રૂપિયાનું જેના હાથે દાન થાય એ ગુજરાતના પરમોચ્ચ સ્થાને વિરાજતા શ્રેષ્ઠી સ્વ. કસ્તુરભાઈએ છ પેન્સ એટલે બે રૂપિયાનો હિસાબ નથી મળતો. તમે કે હું હોઇએ તો વિચારીએ, મારો ખાડામાં, બે રૂપિયા કરતા તો ઊંઘ વધારે કિંમતી છે. પણ ના, આ પૈસાદારો પૈસાદાર કેમ થાય છે ને એનો જવાબ આ છ પેન્સનો હિસાબ નથી મળતો એમાં છે.

આવતીકાલના ઉદ્યોગ સાહસિકો, આવતીકાલના કાંઈકને કાંઈક મોટું કરવાનું કામ કરવાના સપના જોતા યુવાન મિત્રોને મારે કહેવું છે કે, છ પેન્સ ભૂલતા નહીં. છેવટે ત્રેવડ ત્રીજો ભાઈ છે. WHAT YOU SAVE MAKES YOU RICH.

કસ્તુરભાઇ માટે એવું કહેવાય છે કે એમને તમે એક કિલો દ્રાક્ષ ભેટ મોકલાવો તો એ પોતાને ત્યાં વજન કરી ચોકસાઇ કરે અને જો ઓછી હોય તો તમે વજનમાં આટલા છેતરાયા છો તેની જાણ કરે. આ જ કસ્તુરભાઇએ અબજો રૂપિયાનાં દાન અનેક સંસ્થાઓને કર્યા છે. પેલી હિસાબમાં કોડી કોડી બચાવી અને જે સંપત્તિ ભેગી કરી તે છેવટે લાખો રૂપિયા થઇ દાનમાં આપી શકાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)